ફડણવીસ-પવાર બહાર અને શિંદે અંદરઃ અમિત શાહ સાથે શું ચર્ચા કરી મુખ્ય પ્રધાને
દેશભરના રાજકારણમાં મહત્વની સાબિત થનારી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ હજુ પણ બન્ને મોટા ગઠબંધનો બેઠકોની વહેંચણી મામલે એકમત થયા નથી. બેઠકો ચાલતી જ રહે છે અને હાલમાં તમામ પક્ષના આલા નેતાઓ દિવસરાત મહારાષ્ટ્ર અને ઝારખંડની ચૂંટણીના કામકાજમાં જ વ્યસ્ત છે. મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેની શિવસેના, અને અજિત પવારની એનસીપી ભાજપ સાથે ચંટણી લડી રહ્યા છે ત્યારે શિંદે અને ભાજપના નેતા અમિત શાહની એક મુલાકાત ચર્ચાનો વિષય બની છે. શાહ, પવાર અને ફડણવીસ વચ્ચે દિલ્હી ખાતે બેઠકોની વહેંચણી મામલે મુલાકાત થઈ હતી. ત્યારબાદ ફરી ત્રણેય જણની મુલાકાત ચંદીગઢ ખાતે થઈ હતી.
આ પણ વાંચો : અમિત શાહને કેમ બનાવવામાં હરિયાણાના ઑબ્ઝર્વર? જાણો શું છે કારણ
આ મુલાકાત દરમિયાન મહાયુતીના ત્રણેય નેતા અને શાહે બંધબારણે બેઠક કરી અને છૂટા પડ્યા ત્યારે શાહે શિંદેને ફરી બોલાવ્યા અને ફડણવીસ અને પવાર હોટેલરૂમની બહાર નીકળી ગયા. આ બન્નેતા હોટેલની બહાર ઊભા રહ્યા અને શાહે શિંદે સાથે લગભગ 15થી 20 મિનિટ વાત કરી હતી.
બન્ને વચ્ચે ક્યા મામલે ચર્ચા થઈ તે કોઈ જાણતું નથી, પરંતુ સ્વાભાવિક છે કે હાલમાં રાજ્યની ચૂંટણી અને મહાયુતીમાં સિટ શેરિંગની ચર્ચા જોરમાં છે અને ત્રણેય પક્ષો વચ્ચે સમન્વય સાધવાનું પડકારજનક છે, આથી આ વિશે જ ચર્ચા હશે.
આમ પણ ભાજપની કેન્દ્રીય નેતાગીરી શિંદેથી ઘણી ખુશ છે અને તેમની મુખ્ય પ્રધાન તરીકેની સ્વચ્છ પ્રતીમાનો ચૂંટણી જીતવામાં ઉપયોગ કરવા માગે છે. જોકે હાલમાં તો શિંદે અને શાહની નીકટતાના અહેવાલો સૌની નજરે ચડ્યા છે.