આમચી મુંબઈમહારાષ્ટ્ર

સલમાન ખાનની હત્યાનું કાવતરું: લોરેન્સ બિશ્ર્નોઇ ગેન્ગનો સભ્ય હરિયાણાથી પકડાયો

બાબા સિદ્દીકીની હત્યાના કેસમાં તેની પૂછપરછ કરાશે

મુંબઈ: ફિલ્મ અભિનેતા સલમાન ખાનની હત્યાનું કાવતરું ઘડવા બદલ નવી મુંબઈ પોલીસે લોરેન્સ બિશ્ર્નોઇ ગેન્ગના સભ્યને હરિયાણાથી પકડી પાડ્યો હતો.

આરોપીની ઓળખ સુખા ઉર્ફે સુખબીર બલબીર સિંહ તરીકે થઇ હોઇ તેને પનવેલ પોલીસની ટીમે બુધવારે હરિયાણાના પાનિપતથી તાબામાં લીધો હતો.

સલમાન ખાનની હત્યા કરવા માટે સુખબીર સિંહે બિશ્ર્નોઇ ગેન્ગના સભ્યોને કોન્ટ્રેક્ટ આપ્યો હતો, એમ અધિકારીએ કહ્યું હતું.

સુખબીર સિંહ પાકિસ્તાનમાં સ્થિત તેના હેન્ડલર ડોગરના સતત સંપર્કમાં હતો. તેણે બિશ્ર્નોઇ ગેન્ગના સભ્યો સાથે મળીને સલમાન ખાનની હત્યાને અંજામ આપવા માટે એકે-47, એમ16 અને એકે-92 જેવાં આધુનિક શસ્ત્રો પાકિસ્તાનથી લાવીને ઉપયોગ કરવાની યોજના બનાવી હતી, એવું તપાસમાં જણાયું હતું.

રાષ્ટ્રવાદી કૉંગ્રેસ (એનસીપી)ના અજિત પવાર જૂથના નેતા બાબા સિદ્દીકીની હત્યાના કેસમાં નવી મુંબઈ પોલીસ આરોપી સુખબીર સિંહની પૂછપરછ કરશે.

આપણ વાંચો: સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર: ગેન્ગસ્ટર લોરેન્સ બિશ્ર્નોઇના ભાઇ વિરુદ્ધ બિનજામીનપાત્ર વૉરન્ટ જારી

ઉલ્લેખનીય છે કે સલમાન ખાનની હત્યાનું કાવતરું ઘડવા બદલ નવી મુંબઈ પોલીસે 24 એપ્રિલે 18 આરોપીઓ તથા બિશ્ર્નોઇ ગેન્ગના સભ્યો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.

એપ્રિલમાં સલમાન ખાનના બાંદ્રાના નિવાસસ્થાને બિશ્ર્નોઇ ગેન્ગના સભ્યોએ ગોળીબાર કર્યા બાદ આ ગુનો દાખલ કરાયો હતો. ગેન્ગસ્ટર લોરેન્સ બિશ્ર્નોઇ, તેના ભાઇ અનમોલ, સંપત નેહરા, ગોલ્ડી બ્રાર અને રોહિત ગોધારાનાં નામ એફઆઆરઆઇમાં છે.

નવી મુંબઈ પોલીસે આ કેસમાં બિશ્ર્નોઇ ગેન્ગના સભ્યો ધનંજય ઉર્ફે અજય કશ્યપ ઉર્ફે ન્હાવી, ગૌરવ ભાટિયા, વાસ્પી ખાન ઉર્ફે વસીમ ચિકના, રિઝવાન ખાન ઉર્ફે જાવેદ અને દીપક હવા સિંહ ઉર્ફે જોનની ધરપકડ કરી હતી.

બાદમાં પોલીસે જૂનમાં દાવો કર્યો હતો કે સલમાન તેના પનવેલ નજીક ફાર્મહાઉસમાં આવે ત્યારે તેની હત્યા કરવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું.

તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે લોરેન્સ બિશ્ર્નોઇ અને સંપત નેહરાએ સલમાનના બાંદ્રાના નિવાસસ્થાન, પનવેલ ફાર્મહાઉસ અને ફિલ્મ શૂટિંગના સ્થળે સલમાનની અવરજવરની નોંધ કરવા માટે ગેન્ગના 60થી 70 સભ્યોને રોક્યા હતા. ખાસ કરીને આરોપીઓએ પાકિસ્તાનથી લવાયેલાં શસ્ત્રોનો ઉપયોગ સગીર શાર્પશૂટરો પાસે કરાવવાનો પ્રયાસ કર્યો હતો.

સલમાને પોલીસને જણાવ્યું હતું કે બિશ્ર્નોઇ ગેન્ગે તેને અને તેના પરિવારજનોની હત્યા કરવાના ઇરાદાથી તેના બાંદ્રાના નિવાસસ્થાને ગોળીબાર કરાવ્યો હતો. સલમાનનું નિવેદન મુંબઈ પોલીસે આ કેસમાં કોર્ટમાં દાખલ કરેલી ચાર્જશીટનો એક ભાગ છે. (પીટીઆઇ)

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button