નેશનલભુજ

વિદ્યાર્થિનીને ભગાડી જનારો કચ્છનો શિક્ષક છેક પંજાબથી પકડાયો

ભુજઃ પૂર્વ કચ્છના અંજાર તાલુકાના મેઘપર બોરીચી ખાતે પોતાના ખાનગી ટ્યુશન ક્લાસમાં આવતી ધોરણ ૧૧માં ભણતી ૧૭ વર્ષની તરુણીને પ્રેમજાળમાં ફસાવીને ભાગાડી જનારા પરિણીત લંપટ શિક્ષકને પોલીસે પંજાબના અમૃતસરમાંથી ઝડપી પાડ્યો છે.

પી.આઈ. એ.આર ગોહિલે વિગતો આપતાં જણાવ્યું હતું કે, ગત ગાંધી જયંતીના દિવસે આરોપી શિક્ષક નિખિલ વાસુદેવ સેવકાણી વિદ્યાર્થિનીને તેના સ્કૂટર પર ભચાઉ લઈ ગયો હતો. અહીંથી તે કચ્છ બહાર નાસી ગયો હતો.

ઘટનાને ગંભીરતાથી લઈ રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને પોલીસ વડા સાગર બાગમારે આપેલી સૂચનાના પગલે નાયબ પોલીસ અધીક્ષક મુકેશ ચૌધરીએ આરોપી નિખિલને દબોચી લેવા ત્રણ ટીમનું ગઠન કર્યું હતું. દરમિયાન, આરોપી પંજાબના અમૃતસરમાં છૂપાયો હોવાનું મોબાઈલ લોકેશનના આધારે જાણવા મળતાં અંજારના એક પીએસઆઈ સહિતના પોલીસ કર્મીઓ અમૃતસર પહોંચ્યા હતા જ્યાં વિવિધ હોટેલ-ઢાબા અને ગેસ્ટ હાઉસમાં તપાસ કરી હતી.

આપણ વાંચો: કચ્છના ઐતિહાસિક સ્થળોની જાળવણી કરનારા કર્મીઓને અચાનક કરાયા છૂટા

આ તપાસ દરમ્યાન એક હોટેલમાંથી નિખિલને અપહૃત છાત્રા સાથે ઝડપી પાડ્યો હતો.
એ.આર ગોહિલે વધુમાં જણાવ્યું હતું કે, મેઘપર બોરીચીના ઘનશ્યામનગરમાં રહેનારા ૨૯ વર્ષિય નિખિલ સેવકાણીએ પ્રેમ લગ્ન કરેલાં છે અને જે દિવસે મુગ્ધ વયની છાત્રાને લઈને ભાગ્યો તેના આગલા દિવસે જ એક દીકરીનો પિતા બન્યો હતો. અપહૃત તરુણી તેના માવતરને સુપરત કરી દેવામાં આવી હોવાનું તેમણે ઉમેર્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button