બિસ્કૉટી, હું જેમની સાથે રમ્યો છું એ બધામાં તું સૌથી ટૅલન્ટેડ’…કોહલીએ આવું કોના માટે કહ્યું?

બેન્ગલૂરુ: ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર ઍલિસ્ટર કૂક ઉપરાંત સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ બૅટર એબી ડિવિલિયર્સને પણ આઇસીસી હૉલ ઑફ ફેમમાં સામેલ કરવામાં આવ્યો છે અને એ પ્રસંગે વિરાટ કોહલીએ રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલૂરુ (આરસીબી)ની ટીમમાં પોતાની સાથે રમી ચૂકેલા ગાઢ મિત્ર ડિવિલિયર્સ માટે સોશિયલ મીડિયામાં લાંબો પત્ર લખ્યો છે જેમાં કોહલીએ ખાસ ઉલ્લેખ કરતા જણાવ્યું છે કે ‘બિસ્કૉટી, હું જેમની પણ સાથે રમ્યો છું એ બધામાં તું સૌથી ટૅલન્ટેડ છે. હૉલ ઑફ ફેમમાં સામેલ થવા બદલ તને અભિનંદન. તું ક્રિકેટના ગ્રેટેસ્ટ પ્લેયર્સમાંનો એક છે.’
20,000થી પણ વધુ આંતરરાષ્ટ્રીય રન બનાવી ચૂકેલા ડિવિલિયર્સના નામે બે મોટા વર્લ્ડ રેકૉર્ડ છે: વન-ડે ક્રિકેટમાં ફાસ્ટેસ્ટ ફિફ્ટી અને ફાસ્ટેસ્ટ સેન્ચુરી.
કોહલીએ પત્રમાં લખ્યું છે, ‘આઇસીસી હૉલ ઑફ ફેમમાં તેં સ્થાન મેળવ્યું છે એ પ્રસંગે તારા વિશે આ લખવામાં હું ગર્વ અનુભવું છું. ક્રિકેટની રમત પર તેં જે દમદાર અસર પાડી છે એ બદલ હૉલ ઑફ ફેમમાં તારો સમાવેશ થયો છે. લોકો હંમેશાં તારી કાબેલિયતની વાતો કરતા હોય છે અને એ એકદમ યોગ્ય છે. હું જેમની પણ સાથે ક્રિકેટ રમ્યો છું એમાં તું નંબર-વન છે. ક્રિકેટના મેદાન પર તું જે પ્લાનનો અમલ કરવા ધારે એ કરીને જ રહે એટલે જ તું બધા માટે સ્પેશિયલ છે.’
કોહલીએ ડિવિલિયર્સ સાથેની (આરસીબીની) એક યાદગાર ઇનિંગ્સની યાદ તાજી કરતા જણાવ્યું, ‘2016ની કોલકાતા સામેની મૅચ મને બરાબર યાદ છે. આપણે નારાયણ, મૉર્ની મૉર્કલ, રસેલ અને શાકિબના બોલિંગ આક્રમણ સામે 184 રનનો ટાર્ગેટ ચેઝ કરી રહ્યા હતા. કુલ 70 રનના સ્કોરે તું મારી સાથે જોડાયો અને નારાયણ બોલિંગમાં હતો.
આપણ વાંચો: વિરાટ કોહલી સ્પિનર્સની જાળમાંથી કેવી રીતે બહાર આવશે? ચાહકો ચિંતામાં છે
તું તેને બરાબર રમી નહોતો શક્તો એવું તેં મને ટાઇમઆઉટમાં જણાવ્યું હતું. મને તને કહેલું કે મને સ્ટ્રાઇક આપી દેજે. જોકે ટાઇમઆઉટ પછીની નારાયણની ઓવરના એક બૉલમાં તેં 94 મીટર લાંબી સિક્સર ફટકારી હતી. હું તારી જગ્યાએ હોત તો મેં સાથી બૅટરને સ્ટ્રાઇક આપી દીધી હોત, પણ તેં તો નિર્ભય થઈને સિક્સર ફટકારી દીધી.
આવી તો ઘણી યાદો હું તાજી કરી શકું એમ છું. રન દોડતી વખતે આપણી વચ્ચે ગજબનો તાલમેલ હતો. ટીમમાં ક્યારેય તેં હરીફાઈ નહોતી કરી, ટીમ માટે કેવું અસરદાર રમવું એના પર જ તેં ધ્યાન આપેલું. ટીમ માટે જીતવાની તારી ધગશને દાદ દેવી પડે. હું એ બાબતમાં તારી પાસેથી ઘણું શીખ્યો છું.
પાછલી ચાર મૅચમાં કેવું રમ્યા એ નહીં, પણ વર્તમાન મૅચ માટે શું અપ્રોચ હોવો જોઈએ એવો તારો સકારાત્મક અભિગમ હતો. બધાને તારા આક્રમક શૉટ્સ જ યાદ હોય છે, પરંતુ 2015માં તેં દિલ્હીમાં સાઉથ આફ્રિકાને પરાજયથી બચાવવા 297 બૉલમાં 43 રન બનાવ્યા હતા એ ઇનિંગ્સ પણ મને બરાબર યાદ છે. ઘણા ખેલાડીઓ આકર્ષક નંબર બદલ ઓળખાતા હોય છે, પણ તારા જેવા બહુ ઓછા હશે જેઓ પ્રેક્ષક-દર્શકના માનસ પર દમામદાર પર્ફોર્મન્સથી જોરદાર અસર પાડતા હોય છે.’