મસ્જિદમાં જયશ્રી રામના નારા લગાવવા ગુનો નથી, હાઈકોર્ટનો મોટો ચુકાદો
બેંગલુરુઃ કર્ણાટક હાઈકોર્ટે મસ્જિદની અંદર જયશ્રી રામના નારા લગાવવા મુદ્દે મોટો ફેંસલો સંભળાવ્યો છે. કોર્ટે બે લોકો સામે દાખલ કેસ ફગાવી દીધો અને કહ્યું, મસ્જિદમાં જયશ્રીરામના નારા લગાવવા જરા પણ ખોટું નથી.
જસ્ટિસ એમ નાગપ્રસન્નાની અધ્યક્ષતાવાળી ખંડપીઠે આરોપી વ્યક્તિની અરજી પર આદેશ આપતાં કહ્યું, જયશ્રી રામના નારા લગાવવાથી કોઈ સમુદાયની ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચે તે માની શકાય નહીં. મસ્જિદમાં જયશ્રી રામના નારા લગાવવાના આરોપમાં બે લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. કોર્ટ આ ટિપ્પણી 24 સપ્ટેમ્બર 2023ના રોજ નોંધાયેલા કેસમાં કરી હતી, જેને કોર્ટે આજે રદ કરી દીધી હતી.
બેંગલુરુના એટ્ટુર ગામની મસ્જિદમાં જયશ્રી રામના નારા લગાવવા બદલ કીર્તન કુમાર અને એનએમ સચિન કુમાર નામના બે યુવકો સામે કેસ નોંધવામાં આવ્યો હતો. ફરિયાદી હૈદર અલીએ કહ્યું હતું કે ગામમાં હિન્દુ અને મુસ્લિમ વર્ષોથી પ્રેમથી રહે છે.
યુવાનોએ ગામમાં કોમી વિખવાદ ઉભો કરવાનો પ્રયાસ કર્યો હતો. બંને યુવાનો પર ધમકી અને ગુનાહિત અતિક્રમણનો આરોપ લગાવવામાં આવ્યો હતો. આ પછી બંને યુવકોએ આ આરોપોને હાઈકોર્ટમાં પડકાર્યા હતા.
આપણ વાંચો: Chinese Garlic નો મુદ્દો અલ્હાબાદ હાઈકોર્ટે સુધી પહોંચ્યો, જાણો સમગ્ર વિવાદ
જસ્ટિસ એમ નાગપ્રસન્નાએ કહ્યું, જયશ્રી રામના નારા લગાવવાથી ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચનારું કામ કેવી રીતે માની શકાય. ધમકી આપવાનો જે આરોપ લગાવ્યો છે, તેના કોઈ પ્રત્યક્ષ પુરાવા નથી.
હાઈકોર્ટે કરેલી મહત્વની ટિપ્પણી કરી
બેન્ચે કહ્યું કે આ કેસમાં ફરિયાદીએ પોતે કહ્યું છે કે સંબંધિત વિસ્તારમાં હિન્દુ અને મુસ્લિમો ભાઈચારાથી રહે છે. બેન્ચે ભારપૂર્વક જણાવ્યું હતું કે અરજદારો સામે આગળની કાર્યવાહીને મંજૂરી આપવી એ કાયદાની પ્રક્રિયાનો દુરુપયોગ હશે. સુપ્રીમ કોર્ટના આદેશને ટાંકીને બેન્ચે કહ્યું કે કોઈપણ અને દરેક કૃત્ય IPCની કલમ 295A હેઠળ ગુનો ન ગણાય.