વેપાર

શુદ્ધ સોનું રૂ. ૫૦૯ની તેજી સાથે રૂ. ૭૬,૦૦૦ની પાર, ચાંદી રૂ. ૫૩૭ વધી

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
ગત શુક્રવારે અમેરિકાનો પ્રોડ્યુસર પ્રાઈસ ઈન્ડેક્સ યથાવત્ રહ્યો હોવાના અહેવાલ ઉપરાંત ડૉલર ઈન્ડેક્સમાં વધ્યા મથાળેથી પીછેહઠ રહેતાં ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર સોનાના ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હતું. વધુમાં ગત સપ્તાહના અંતે ચીને વધુ સ્ટિમ્યુલસ પેકેજના સંકેતો આપ્યા હોવાથી સોનાના સુધારાને ટેકો મળ્યો હતો. જોકે, આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવમાં વધ્યા મથાળેથી ટકેલું વલણ રહ્યું હોવાથી સ્થાનિક ઝવેરી બજારમાં મધ્યસત્ર દરમિયાન ગત શુક્રવારના વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે બન્ને કિંમતી ધાતુઓના ભાવમાં સુધારો આગળ ધપ્યો હતો, જેમાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૦૭થી ૫૦૯ની તેજી આવી હતી અને શુદ્ધ સોનાએ રૂ. ૭૬,૦૦૦ની સપાટી કુદાવી હતી, જ્યારે ચાંદીમાં રૂ. ૫૩૭નો સુધારો આવ્યો હતો.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સપ્તાહના આરંભે મધ્યસત્ર દરમિયાન ૯૯૯ ટચ ચાંદીમાં વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૫૩૭ના ચમકારા સાથે રૂ. ૯૦,૫૦૦ના મથાળે રહ્યા હતા. વધુમાં સોનામાં પણ મધ્યસત્ર દરમિયાન વિશ્ર્વ બજાર પાછળ ભાવમાં આગેકૂચ જળવાઈ રહેતાં ૯૯૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૦૭ વધીને રૂ. ૭૫,૮૨૭ અને ૯૯૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૦૯ વધીને રૂ. ૭૬,૦૦૦ની સપાટી કુદાવીને રૂ. ૭૬,૧૩૨ના મથાળે રહ્યા હતા. જોકે, ભાવમાં તેજીનું વલણ જળવાઈ રહ્યું હોવાથી સ્ટોકિસ્ટો અને રોકાણકારો ઉપરાંત જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ નિરસ રહી હતી. તેમ જ જો આગામી ધનતેરસ અને દિવાળીના તહેવારોને ટાંકણે જો ભાવમાં તેજીનું વલણ જળવાઈ રહેશે તો અપેક્ષિત માગ પર માઠી અસર પડવાની ભીતિ જ્વેલરો સેવી રહ્યા છે.

ગત શુક્રવારે ચીને આર્થિક વૃદ્ધિને ટેકો આપવા માટે વધુ સ્ટિમ્યુલસ પેકેજની જાહેરાત કરી હતી. તેમ જ અમેરિકાના પ્રોડ્યુસર પ્રાઈસ ઈન્ડેક્સમાં ટકેલું વલણ રહ્યું હોવાના અહેવાલ તેમ જ ડૉલર ઈન્ડેક્સની પીછેહઠ સાથે ન્યૂ યોર્ક ખાતે સોનાના ભાવમાં એક ટકા જેટલો સુધારો આગળ ધપ્યો હતો. જોકે, આજે લંડન ખાતે સત્રના આરંભે ચીનના સ્ટિમ્યુલસ પેકેજ અંગેની વિગતો અને સપ્તાહ દરિમયાન અમેરિકી ફેડરલના અધિકારીઓના વક્તવ્ય પર રોકાણકારોની નજર હોવાથી હાજર અને વાયદામાં સોનાના ભાવ અનુક્રમે ઔંસદીઠ ૨૬૫૭.૫૩ ડૉલર અને ૨૬૭૫ ડૉલરના મથાળે ટકેલા રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ૦.૪ ટકા ઘટીને ઔંસદીઠ ૩૧.૩૯ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

ચીનના સ્ટિમ્યુલસ પેકેજની જાહેરાત કરતાં ડેબ્ટમાં નોંધપાત્ર વધારો કરવાનો સંકેત આપતા ગત સપ્તાહે સોનાની તેજીને ટેકો મળ્યો હતો, જોકે, હવે રોકાણકારોની નજર પેકેજની માત્રા અંગેની સ્પષ્ટતા પર તેમ જ તાજેતરના અમેરિકાના આર્થિક આંકડાઓને ધ્યાનમાં લેતા ફેડરલ રિઝર્વ આગામી બેઠકમાં કેવું વલણ અપનાવશે તે અંગેના અધિકારીઓના સપ્તાહ દરમિયાનના વક્તવ્યો પર સ્થિર થઈ હોવાનું કેસીએમ ટ્રેડના ચીફ માર્કેટ એનાલિસ્ટ ટીમ વૉટરરે જણાવ્યું હતું. જો અધિકારીઓ વ્યાજદરમાં વધુ કપાતના સંકેતો આપશે તો સોનાની તેજીને ટેકો મળતો રહેશે અને ભાવ ઔંસદીઠ ૨૬૦૦ ડૉલરની સપાટી સુધી પહોંચે તેવી શક્યતા તેમણે વ્યક્ત કરી હતી. જોકે, આજે સીએમઈ ફેડ વૉચ ટૂલ પર ફેડરલ રિઝર્વ આગામી નવેમ્બર મહિનાની બેઠકમાં વ્યાજદરમાં ૨૫ બેસિસ પૉઈન્ટનો કાપ મૂકે તેવી ૮૯ ટકા શક્યતા ટ્રેડરો વ્યક્ત કરી રહ્યા છે.

Back to top button
ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને? TOP INSPIRATIONAL QUOTES FROM RATAN TATA

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker