ધર્મતેજ

સહસ્ત્ર ભૂજાઓની શક્તિ પણ અત્યાચારી અને અધર્મીને ઓછી પડે છે, તો સદાચારી અને ધર્માચારીને બે ભૂજાઓ પણ પર્યાપ્ત છે

શિવ રહસ્ય -ભરત પટેલ

(ગતાંકથી ચાલુ)
ભગવાન શિવ બાણાસુરનો શિરચ્છેદ ન કરી સુદર્શન ચક્રને પરત વાળી લેવાનું ભગવાન શ્રીકૃષ્ણને કહેતાં ભગવાન શ્રીકૃષ્ણ યુદ્ધથી નિવૃત્ત થઈ જાય છે અને કહે છે, ‘આપની આજ્ઞાથી હું સુદર્શન ચક્રને પરત વાળું છું પણ આ દૈત્ય પરત ફરી આ સંસારમાં ઉત્પાત મચાવશે તો.’ આટલું સાંભળતાં જ દૈત્યરાજ બાણાસુર ભગવાન શિવ અને ભગવાન કૃષ્ણ સમક્ષ સાષ્ટાંત દંડવત પ્રણામ કરતાં કહે છે ‘હે દેવ, હું આપ બંને દેવતાઓનો દાસ છું, આ યુદ્ધમાં હું મારી કષ્ટદાયી સહસ્ત્ર ભૂજાના છેદન માટે આપનો આભારી છું, મારા જીવનની રક્ષા કરો, આજ બાદ હું મારી સમગ્ર આસુરી વર્તણૂક છોડી દેવાની ખાતરી આપું છું, મને તમારું શરણ આપો.’ આટલું સાંભળતાં ભગવાન શ્રીકૃષ્ણ પોતાના સુદર્શન ચક્રને પરત વાળે છે. દૈત્યરાજ બાણાસુરની પત્ની ક્ધદલા વધૂ-વર ઉષા અને અનિરુદ્ધને લઈ ઉપસ્થિત થાય છે. તેમને જોઈ ભગવાન કૃષ્ણ કહે છે, ‘ભગવાન શિવ અને દેવી ક્ધદલાની અનુમતી હોય તો નવયુગલ ઉષા અને અનિરુદ્ધને લઈને દ્વારકાપુરી પરત જઈએ.’ પણ દેવ ક્ધદલા પુત્રી ઉષાનું ક્ધયાદાન કરવા ઉત્સુક હોવાથી તેઓ ભગવાન કૃષ્ણને યોગ્ય મુહૂર્તે દ્વારકાપુરીથી જાન લઈ આવવાનું કહે છે. કાર્તિકી પૂનમને દિવસે દ્વારકાપુરીથી આવેલી જાનનું ક્ધદલા અને બાણાસુર સ્વાગત કરે છે એજ સમયે માતા પાર્વતી અને ભગવાન શિવ શિવગણો સહિત ત્યાં પધારે છે, તેમનું પણ ક્ધદલા અને બાણાસુર સ્વાગત કરે છે અને મંગલબેલાએ રાજકુમારી ઉષા અને રાજકુમાર અનિરુદ્ધના લગ્ન સંપન્ન થાય છે.


રાજકુમારી ઉષા બાણાસુરના આશીર્વાદ લે છે. બાણાસુર પુત્રી ઉષાને લઈ ભગવાન શિવ પાસે પહોંચે છે અને કહે છે, ‘પ્રભુ હું પણ કેવો મૂર્ખ છું, તમે વારંવાર મારા પર કૃપા કરી પણ હું મારી ઉપલબ્ધિઓ સમજી રહ્યો. મેં એક ભક્ત તરીકે કર્તવ્ય નિભાવવામાં નિષ્ફળ ગયો છું. તમે આપેલી જવાબદારીઓ નથી નિભાવી શક્યો. મને ક્ષમા કરો.’
ભગવાન શિવ: ‘સહસ્ત્ર ભૂજાઓની શક્તિ પણ અત્યાચારી અને અધર્મીને ઓછી પડે છે, તો સદાચારી અને ધર્માચારીને બે ભૂજાઓ પણ પર્યાપ્ત છે. હવે તમે શ્રીકૃષ્ણને ઓળખી ગયા છો.’
બાણાસુર: (ભગવાન શ્રીકૃષ્ણને) ‘પ્રભુ હું જાણતો હતો કે કોઈ દિવ્યશક્તિ જ મારી ભૂજાઓનો ભાર ઉતારી શકશે પણ એ તમે હશો એ જાણી નહોતો શક્યો, યુદ્ધ દરમિયાન વપરાયેલા શબ્દોનો ભાર મારી દીકરી પર ન આવે એમ હું ઈચ્છું છું, મારી ધૃષ્ટતા માટે હું તમારી માફી માગું છું.’
ભગવાન કૃષ્ણ: ‘પ્રિય બાણાસુર તમે ફક્ત શિવના જ પ્રિય નથી, મારા પણ પ્રિય છો. તમારી દીકરી દ્વારકાપુરીમાં રાજ કરશે.’


શોણિતપુરથી જાન વિદાય થતાં જ ભગવાન શિવ ફરી દૈત્યરાજ બાણાસુરના રક્ષક બની જાય છે.
બાણાસુર: ‘પ્રભુ હવે મને કોઈ રક્ષકની જરૂર નથી, મારી વિનંતી છે કે તમે શિવગણો સાથે કૈલાસ પરત ફરો.’
નંદી: ‘હે ભક્તશાર્દૂલ, બાણાસુર, મારી વિનંતી છે કે, તમે વારંવાર ભગવાન શિવનું સ્મરણ કરજો, તે ભક્તો પર હંમેશાં અનુકંપા કરનારા છે.’
બાણાસુર: ‘જેવી તમારી ઇચ્છા નંદી.’
ભગવાન શિવ પોતાના શિવગણ સહિત શોણિતપુરથી વિદાય લે છે અને કૈલાસ પરત ફરે છે.


શોણિતપુર ખાતે બાણાસુરને વારંવાર નંદીની વિનંતી યાદ આવી રહી હતી, તેણે દૂરાચારનો સંપૂર્ણ ત્યાગ કર્યો હતો, શોણિતપુરમાં સત્યનું આચરણ થઈ રહ્યું હતું. પણ બાણાસુર બેચેન હતો. એક મધ્યરાત્રિએ મુનિવેશ ધારણ કરી કૈલાસ તરફ નીકળી પડ્યો. કૈલાસ પહોંચી એણે વિવિધ પ્રકારનાં સ્તોત્રો દ્વારા શિવજીની સ્તુતિ કરી અને એમને પ્રણામ કર્યા, પછી તે પગથી ઠેકડા મારતો, હાથને વિંઝતો નૃત્યોનો પ્રધાન તાંડવનૃત્ય કરવા લાગ્યો. એ સમયે તે હજારો પ્રકારના મુખ દ્વારા વાજાં વગાડી રહ્યો હતો અને વચમાં વચમાં ભ્રમર વાંકીચૂંકી કરીને તથા મસ્તક કંપાવીને હજારો પ્રકારના હાવભાવ સાથે તાંડવ નૃત્ય કરતો હતો. નૃત્યમાં મસ્ત થયેલા મહાભક્ત બાણાસુરે અંતે ભગવાન શિવને પ્રસન્ન કરી જ લીધા.

તાંડવ નૃત્યના પ્રેમી ભક્તવત્સલ ભગવાન શિવે હર્ષિત થઈ બાણાસુર પાસે આવ્યા.

ભગવનાન શિવ: ‘હે મારા પ્યારા બાણ! તારા નૃત્યથી હું સંતુષ્ટ થઈ ગયો છું, તારા મનમાં જે અભિલાષા હોય, એને અનુરૂપ વરદાન માગી લે.’

હર્ષઘેલા બાણાસુરે કહ્યું: ‘પ્રભુ, હવે મને કોઈ શક્તિ કે પદની ઈચ્છા નથી. હું એટલું ઇચ્છું છું કે મને અક્ષય ગણનાયકત્વ પ્રાપ્ત થાય, ઉષાપુત્ર અર્થાત્ મારા દોહિત્રનું શોણિતપુરમાં રાજ્ય થાય, દેવતાઓ સાથે મારો વૈરભાવ મટી જાય, મુજમાં રજોગુણ અને તમોગુણયુક્ત દૂષિત દૈત્યભાવનો પુન:ઉદય ન થાય, મુજબમાં સદાયે નિર્વિકાર શંભુ-ભક્તિ બની રહે અને શિવભક્તો પર મારો સ્નેહ અને સમસ્ત પ્રાણીઓ પર દયાભાવ રહે.’
ભગવાન શિવ: ‘તથાસ્તુ’.
આમ વરદાન મળતાં જ બાણાસુર અંજલિ બાંધીને ભગવાન શિવની સ્તુતિ કરવા લાગ્યો એ સમયે એનાં નેત્રોમાં પ્રેમના આંસુ છલકાઈ આવ્યાં અને ભગવાન શિવની આજ્ઞાથી શોણિતપુર પરત ફરી સુશાસન કરવા લાગ્યો અને યોગ્ય સમયે મહાકાલને પ્રાપ્ત થયો. (ક્રમશ:)

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button