ઉત્સવનેશનલસ્પેશિયલ ફિચર્સ

આકાશ મારી પાંખમાં : માતૃરૂપેણ સંસ્થિતા

-કલ્પના દવે
દક્ષિણ મુંબઈના ભદ્રવિસ્તારમાં રહેતી ૪ વર્ષીય દિવ્યા શેઠનું મન આજે તેની માતાની સ્મૃતિવનમાં ભટકી રહ્યું હતું. એક તરફ વિગત થયેલી માતાની સ્મૃતિ તો બીજી તરફ માદુર્ગાની આરાધનામાં એનું હૈયું ચકડોળે ચઢ્યું હતું.

દિવ્યા મનોમન વિચારી રહી હતી:- મારી વહાલી મોમ, તારા વગર નવરાત્રિનો ઉત્સવ કેવી રીતે એન્જોય કરું? તું આમ અચાનક પરધામ જતી રહી! એ વાતને ત્રણ વર્ષ થઈ ગયા, હું એ કારમો દિવસ ભૂલી શકી નથી. આજે આપણે કરતા હતા એમ જ હું નવરાત્રિની પૂજાપાઠ, ઉપવાસ બધું કરું છું, પણ મોમ તું નથી તો કશું નથી.

મોમ, તારા આશિષ થકી હું ખૂબ સુખી છું. મને યાદ આવે છે-
મમ્મા મારે સાસરે જયારે અમે ચંડીપાઠની પૂજા કરીએ, ગરબાનો કાર્યક્રમ હોય ત્યારે તું, પપ્પા, અમિતભાઈ, પ્રીતિભાભી બધા આવતા… મેં નવરાત્રિના સ્પેશિયલ ચણિયાચોળી પહેર્યા હોય, મને જોઈને તું રાજીની રેડ થઈ જાય. મને વહાલથી ભેટે, પછી મને કોઈની નજર ન લાગે એટલા માટે મારાં ઓવારણાં લે. અને હર્ષાશ્રુ સાથે તું કહેતી, તું તો મારી પરી છે.

મોમ, તારી એ લાલ સાડી, કપાળ પર મોટો લાલ ચાંદલો, સુંદર મેકઅપ કરેલો, હસતો ચહેરો હું કયારેય નહીં ભૂલી શકું. જીવનમાં ડગલે ને પગલે તું યાદ આવે છે. આપણી અવનિ પણ પાંચ વર્ષની થઈ ગઈ છે. ભીંત પર લટકાવેલા તારા ફોટાની હું પૂજા કરીને હાર ચઢાવું ત્યારે એ મારી બાજુમાં ગૂપચૂપ ઊભી રહે, પછી મને કહે:-
મમ્મા. નાનીને હાર પહેરાવતાં તું કેમ રડે છે?

બેટા, આય મીસ માય મમ્મા. કહેતાં દિવ્યાની આંખો ભરાઈ આવી.

મમ્મા, નાની કયાં ગયાં, અહીં કેમ નથી આવતા.

બેટા, નાની ભગવાન પાસે ગયાં છે, હવે નહીં આવે.

જો, મોંમ તું રડ નહીં, હું ગોડને પ્રેયર કરીને કહું છું કે મારી નાનીને મારે ઘેર મોકલો. એવું કહી રહેલી નાનકી અવનિને દિવ્યા ભેટી પડી. અવનિની નાની આંગળીઓ દિવ્યાનાં આંસુ લૂછી રહી.

દિવ્યાએ આંખ બંધ કરીને પૂજામાં મન પરોવવાનો પ્રયત્ન કર્યો.

દીવો કરીને માતાજીની સ્તુતિ કરી રહેલી દિવ્યામાં આજે કોઈ દિવ્ય અનુભવ થવા લાગ્યો.

મા જગદંબાની મૂર્તિ જાણે દિવ્યાને કહી રહી હતી- બેટા, હું તો તારી સાથે જ છું. સ્થૂળ સ્વરૂપે ભલે તું મને ન જોઈ શકે, પણ તારામાં ચૈતન્ય સ્વરૂપે રહેલી છું. તારા નસેનસના રક્તસંચારમાં હું જ તો વહું છું. દિવ્યા એકીટકે માતાની મૂર્તિ સામું જોઈ રહી. તેના આખા દેહમાં કોઈ અદ્ભુત શક્તિનો સંચાર થઈ રહ્યો હતો. આ કોણ બોલ્યું- મારી મમ્મા કે સાક્ષાત્ દેવી!

દિવ્યાએ પ્રસન્નતાથી માતાજીની સ્તુતિ અને આરતી કરી. એને લાગ્યું કે મારી મા ભલે સદેહે અહીં નથી પણ મારામાં એક શક્તિસ્વરૂપે મારી સાથે જ છે.

ત્યાં જ સાસુજીનો સાદ સંભળાયો- દિવ્યા, બેટા ચાલ, આપણે મહાલક્ષ્મી મંદિરે દર્શન કરવા જવાનું છે. જો, તારા માટે મસાલાદૂધ અને ફળ મૂકયા છે. ના, કહું છું તો ય નકોરડા ઉપવાસ કરે છે. આખો દિવસ ઑફિસમાં કામ કરે, ઘરનું કામકાજ સંભાળે છે.

મમ્મીજીના વહાલના ભરેલાં શબ્દો સાંભળી દિવ્યાને લાગ્યું કે મારી મમ્મા જ જાણે બોલી રહી છે.

લગ્ન પહેલાંથી જ દિવ્યા એની મમ્મા સાથે નવરાત્રિના ઉપવાસ કરતી હતી. એક વાર મમ્માએ કહ્યું હતું કે દિવુ, માતાજીને પ્રાર્થના કર કે મનગમતો ભણેલો ભરથાર આપે.

મા, ભરથાર નહીં મને સમજે એવો બેસ્ટ મિત્ર હોવો જોઈએ.

અને એના માતા-પિતા પણ તમારા જેવા જ પ્રેમાળ હોય. કોઈ ગુસ્સો કરે કે ઝઘડા કરે તે હું સહન ન કરી શકું.

તો, બેટા સાસરામાં તો આપણે એડ્જસ્ટ થવું જ પડે, કંઈ સાસરામાં મમ્મી જેવા લાડ ન મળે.

તો પછી આપણે સાસરે શું કામ જઈએ. દિવ્યાને આજે સાસુમાના એ મીઠા સાદમાં મમ્માનો જ સાદ સંભળાયો.

દિવ્યાને યાદ આવી ગયું કે તે નવરાત્રિની પૂજા કરીને મમ્મીને પગે લાગતાં તે કહેતી:- નવરાત્રિમાં હું આદ્યશક્તિ માઅંબાની આરાધના કરું છું. એ પરમશક્તિને હું જોઈ શકતી નથી, એ પ્રત્યક્ષ નથી, પણ સાક્ષાત્ દેવીરૂપ શક્તિસ્વરૂપ મારી માને મારા પ્રણામ. આજે મમ્મા યાદ આવતાં એનું હૈયું મંમાને જ ઝંખી રહ્યું હતું. એણે મમ્માનાફોટાને પુષ્પહાર પહેરાવ્યો.

આજે મારી મમ્મા નથી, આ નવરાત્રિની પૂજા અમે સાથે જ કરતાં, મમ્મા જે સ્તોત્ર-આરતી બોલે એ મારે સાથે જ બોલવાની. ફ્રૂટ અને મસાલાદૂધ તો મને મમ્મા જ કરી આપે. મમ્મા કહેતી:- બેટા, આ માની ભક્તિ જ આપણને મુશ્કેલીઓનો સામનો કરવાની શક્તિ આપે છે. દર આઠમે અમે બ્રાહ્મણને બોલાવીને ચંડીપાઠની પૂજા કરાવીએ.

દિવ્યા આજે મમ્માની સ્મૃતિમાં ખોવાઈ ગઈ હતી. અવનિ તો ટી.વી.ના કાર્ટૂન જોઈને ખૂશ હતી. ત્યાં જ મયંકનો ફોન આવ્યો.

હાય, સ્વિટી શું કરે છે, તું અને મમ્મી મંદિરે જઈ આવ્યા? તારી પૂજા થઈ ગઈ કે બાકી છે. જો, મેં પાસ ખરીદી લીધા છે, આજે આપણે ગરબા રમવા જઈશું. મારી બ્યુટીક્વીન જલદી તૈયાર થજે. ગ્રૂપમાં આપણો વટ પડવો જોઈએ. મયંકે ઉત્સાહથી કહ્યું.

પણ, મયંક, મારો આજે જરા ય મુડ નથી. દિવ્યાએ રડમસ અવાજે કહ્યું. જો, દિવુ હું જાણું છું કે નવરાત્રિના દિવસોમાં તને મમ્મા યાદ આવે છે, પણ જીવનની સચ્ચાઈને સ્વીકારવી જ પડે. તું તારા મનને સમજાવ. તારી મમ્મા કરતી હતી તેવા સામાજિક કામ તું કર. અનાથ બાળકોને મદદ કર. એ જ સાચી શ્રદ્ધાંજલિ છે. હું અને મમ્મી-પપ્પા તારી સાથે જ છીએ. લવ યુ ચીયર અપ. હું જલદી આવીશ. મયંકે કહ્યું.

ઓ.કે. કહી દિવ્યાએ ફોન મૂકયો. દિવ્યા ભૂલી જ શક્તિ ન હતી કે એની મમ્મા ૬૨ વર્ષની વયે અચાનક મેસીવ હાર્ટ ઍટેકમાં જતી રહી. આજે એ વાતને ત્રણ વર્ષ થયાં, પણ એ ઘા રૂઝાયો નથી. અને નવરાત્રિમાં એ વધુ ઉદાસ રહે છે.

દિવ્યા, જલદી તૈયાર થઈ જા. આપણે મંદિરમાં પૂજા લખાવી છે. મમ્મીજીનો મીઠા સાદમાં દિવ્યાને મમ્માનો જ સાદ સંભળાયો.

લગ્ન બાદ પહેલી દિવાળીમાં મમ્મીજીએ આપેલી પીળા રંગની લાલ બોર્ડરની સિલ્કની સાડી દિવ્યાએ પહેરી. એને અનુરૂપ જવેલરી પહેરી. એના સુગંધિત પરફયુમની સોડમ ઓરડામાં પ્રસરી રહી હતી. સાઈઠ વર્ષે સાસુમાનો ઠસ્સો પણ જરા ય ઓછો ન હતો.

મમ્માની જેમ જ આજે મમ્મીજીએ વહુબેટાના ઓવારણા લીધા. અને વહાલથી ભેટતાં કહ્યું- બેટા, તું તો મારા ઘરની સાક્ષાત્ લક્ષ્મી છે. સવારે મા અંબાના ફોટામાં પોતાની મમ્માનું રૂપ જોયું હતું. ત્યારથી એ અસ્વસ્થ હતી. નવરાત્રિના આ પર્વમાં દિવ્યા એની મમ્માને યાદ કરીને ઉદાસ રહેતી.

આજે સાસુમાએ મન મક્કમ કર્યું અને દિવ્યાનું મન જીતવા જ મંદિરમાં પૂજા રખાવી હતી. સાસુમાના સ્નેહાળ શબ્દોમાં દિવ્યા ભીંજાઈ ગઈ. એક તરફ ઘરમંદિરમાં વિરાજેલા માતાજી, તસવીરમાંથી આશિષ આપી રહેલી મમ્મા અને સાક્ષાત્ પ્રેમની મૂર્તિસમા સાસુમા- મમ્મીજી.

દિવ્યાના મુખમાંથી શબ્દો સરી પડ્યા-

યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણસંસ્થિતા
નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમોનમ:.
યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા,
નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમોનમ:

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button