શું સલમાન ખાન સાથેની નિકટતા બની બાબા સિદ્દીકીની મોતનું કારણ?
મુંબઇઃ મહારાષ્ટ્રના પૂર્વ વિધાન સભ્ય અને NCP (અજિત પવાર જૂથ)ના નેતા બાબા સિદ્દીકીની શનિવારે રાત્રે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પોલીસે આ કેસમાં ત્રણમાંથી બે આરોપીની ધરપકડ કરી છે, અને તેમની પૂછપરછ ચાલુ છે.
પોલીસ અધિકારીઓએ કહ્યું છે કે આ હત્યામાં લોરેન્સ બિશ્નોઈ ગેંગના કનેક્શનની તપાસ કરવામાં આવી રહી છે. જો કે, હજુ સુધી તેની પુષ્ટિ થઈ નથી. મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર, પોલીસ શૂટરોની બિશ્નોઈ ગેંગ સાથેના સંબંધ વિશે પૂછપરછ કરી રહી છે. પોલીસને આશંકા છે કે સિદ્દીકીની સલમાન ખાન સાથેની ગાઢ મિત્રતા હત્યાનું કારણ હોઈ શકે છે.
સલમાન ખાન છેલ્લા ઘણા સમયથી લોરેન્સ બિશ્નોઇ ગેંગના નિશાના પર છે અને સલમાન ખાન બાબા સિદ્દીકીની પણ ઘણા નજીક હતા એટલે તેમને પતાવી નાંખી એક સંદેશ ફેલાવવા માટે કે સલમાન સાથે દોસ્તી કરશો તો તમારા પણ આવા હાલ કરવામાં આવશે એવી પોલીસને શંકા છે. પોલીસના જણાવ્યા અનુસાર, ઘટનાસ્થળેથી 9.9 એમએમની પિસ્તોલ મળી આવી છે, જેનો ઉપયોગ ફાયરિંગ દરમિયાન કરવામાં આવ્યો હતો. જ્યારે બાબા સિદ્દીકી પર ફાયરિંગ કરવામાં આવ્યું ત્યારે તેઓ તેમના પુત્ર જીશાન સિદ્દીકીની ઓફિસમાંથી બહાર આવી રહ્યા હતા. બાબા સિદ્દીકીને બદમાશોએ ગોળી માર્યા બાદ તેમને લીલાવતી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા બાદ ઘણા રાજકીય ચહેરાઓએ શોક વ્યક્ત કર્યો હતો.
બીજેપી નેતા સૈયદ શાહનવાઝ હુસૈને પણ ટ્વીટ કરીને NCP નેતાની હત્યા પર શોક વ્યક્ત કર્યો હતો અને તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. શિવસેના (UBT)ના નેતા આદિત્ય ઠાકરેએ ટ્વીટમાં કહ્યું હતું કે, “બાબા સિદ્દીકીની હત્યા આઘાતજનક છે. અમે તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરીએ છીએ અને તેમના પરિવાર અને મિત્રોને અમારી સંવેદના પાઠવીએ છીએ. કમનસીબે આ મહારાષ્ટ્રમાં થયું છે. આ હત્યા “ભારતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ દર્શાવે છે.
દેશમાં કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણપણે ભાંગી પડી છે. ” મુંબઈ કોંગ્રેસે પણ બાબા સિદ્દીકીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. એક ટ્વિટમાં મુંબઈ કોંગ્રેસે કહ્યું હતું કે, “બાબા સિદ્દીકીના નિધનથી મુંબઈ કોંગ્રેસ ખૂબ જ દુઃખી છે. તેમની જનસેવા અને સમુદાય પ્રત્યેના સમર્પણને હંમેશા યાદ રાખવામાં આવશે. અમારા વિચારો અને પ્રાર્થનાઓ આ મુશ્કેલ સમયમાં તેમના પરિવાર અને પ્રિયજનો સાથે છે. તેમના આત્માને શાંતિ મળે.”