Ahmedabad માં મેટ્રો ટ્રેનનો સમય નવરાત્રી જેટલો જ રાખવા લોકોની માંગ
![Motera to Mahatma Mandir metro route launching this month](/wp-content/uploads/2024/08/image-ezgif.com-resize-5-1.webp)
અમદાવાદઃ અમદાવાદમાં(Ahmedabad)નવરાત્રી દરમિયાન લોકોની સવલત માટે મેટ્રો ટ્રેન રાતના બે વાગ્યા સુધી દોડાવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. મુસાફરોએ આ સવલત પુરી પાડવાના લીધેલા નિર્ણયને શહેરીજનોએ વધાવી લીધો છે. નવરાત્રી દરમિયાન કુલ 10.71 લાખ મુસાફરોએ મેટ્રોની મુસાફરી કરી હતી. બીજી તરફ નવરાત્રી દરમિયાન આપવામા આવેલી સુવિધા માટેના નિર્ણયને તંત્ર દ્વારા રોજ ચાલુ રાખવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠી છે.
| Also Read: Gujarat ના આ શહેરો પણ Metro Rail નેટવર્કથી જોડાશે, કેન્દ્ર સરકારને મોકલ્યો પ્રોજેક્ટ પ્લાન
રાતના બે વાગ્યા સુધી મેટ્રો ટ્રેન ફેઝ-1ના રૂટો પર દોડાવાઇ
મેટ્રોનું સંચાલનનું સામાન્ય રીતે રાતના 10 વાગ્યે બંધ કરી દેવાય છે ત્યારે આ વર્ષે પ્રથમ વખત 5મી થી 11મી ઓક્ટોબર દરમિયાન સવારના 6:20 થી સળંગ રાતના બે વાગ્યા સુધી મેટ્રો દોડાવવામાં આવી હતી. રોજના સવા લાખ જેટલા મુસાફરોએ મુસાફરીનો લાભ લીધો હતો. નવરાત્રિમાં મોડી રાત સુધી ચાલતા ગરબાને ધ્યાને લઇને મેટ્રો ટ્રેનોનું સંચાલન ચાર કલાક વધારી રાતના બે વાગ્યા સુધી મેટ્રો ટ્રેન ફેઝ-1ના રૂટો પર દોડાવાઇ હતી.
મેટ્રોના તમામ કર્મચારીઓને સેવામાં લગાવાયા હતા
થલતેજથી વસ્ત્રાલ ગામ અને મોટેરા સ્ટેડિયમથી એપીએમસી સુધી મેટ્રો ટ્રેન બે વાગ્યા સુધી દોડી હતી. પ્રત્યેક 20 મિનિટે ટ્રેન મળી રહે તે રીતે મેટ્રો ટ્રેનોના શિડયુલ ગોઠવામાં આવ્યા હતા. જેમાં મેટ્રોના તમામ કર્મચારીઓને સેવામાં લગાવાયા હતા.
| Also Read: ગુજરાતમાં દશેરાએ મેઘરાજાનો ઘોડો દોડ્યોઃ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં રેલમછેલ
મેટ્રોની આવકમાં પણ નોંધપાત્ર વધારો
આ અંગે મેટ્રોના અધિકારીના જણાવ્યા મુજબ શહેરના એક છેડેથી બીજા છેડે જવામાં મુસાફરો માટે મેટ્રોની સેવા સસ્તી અને સલામત રહેતા રોજના સવા લાખ મુસાફરોએ મુસાફરીનો લાભ લીધો હતો. સામાન્ય દિવસોમાં એક લાખ જેટલા મુસાફરો મુસાફરી કરતા હોય છે. રાતના 10 થી બે વાગ્યા દરમિયાન એવરેજ બે હજારથી વધુ મુસાફરોએ રોજની મુસાફરી કરી હતી. જેને લઇને મેટ્રોની આવકમાં પણ નોંધપાત્ર વધારો થયો હતો.