ટોપ ન્યૂઝનેશનલ

સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન લાંચ કેસમાં સીબીઆઈએ કેસ નોંધ્યો

ફિલ્મનું સર્ટિફિકેટ આપવાના બદલામાં લાંચ લેવા બદલ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટીગેશન(CBI)એ સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન(CBFC) સામે કેસ નોંધ્યો છે. તમિલ અભિનેતા વિશાલે CBIને ફરિયાદ કરી હતી કે સપ્ટેમ્બર 2023 માં ફિલ્મના સર્ટિફિકેટ માટે તેમની પાસેથી 7 લાખ રૂપિયાની માગણી કરવામાં આવી હતી. હવે સીબીઆઈએ આ મામલે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન સામે કેસ નોંધ્યો છે.

માર્ક એન્ટોની ફિલ્મના એક્ટર વિશાલે આ ચોંકાવનારો ખુલાસો કરતા સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો. તેણે CBFC મુંબઈના અધિકારીઓ પર લાંચ લેવાનો આરોપ મૂક્યો હતો. એક્ટર વિશાલે બોર્ડ પર આરોપ લગાવતા કહ્યું હતું કે તેણે ફિલ્મ માટેના સર્ટિફિકેટના બદલામાં બોર્ડને 6.5 લાખ રૂપિયા આપ્યા હતા. લાંચ આપ્યા બાદ જ તેને ફિલ્મ સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું. વિશાલે પોતાની પોસ્ટમાં પીએમ મોદી અને સીએમ એકનાથ શિંદેને પણ ટેગ કર્યા હતા.
આ મામલે સીબીઆઈએ કેસ નોંધ્યો હતો અને મુંબઈ સહિત અનેક જગ્યાએ દરોડા પાડ્યા હતા અને ઘણા ડિજિટલ પુરાવાઓ કબજે કર્યા હતા. સીબીઆઈએ 4 લોકો સામે કેસ નોંધ્યો છે, જેમાં 3 બહારના શખ્સો અને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશનના અજાણ્યા અધિકારીઓનો સમાવેશ થાય છે.

અભિનેતા વિશાલના આરોપો બાદ ઇન્ડિયન ફિલ્મ એન્ડ ટેલિવિઝન ડાયરેક્ટર એસોસિએશન (IFTDA) એ આ મામલે CBI તપાસની માંગ કરી હતી. IFTDAના પ્રમુખ અશોક પંડિતે કહ્યું હતું કે અભિનેતા વિશાલ દ્વારા જે બે લોકો પર આરોપ છે તે CBFC સાથે સંકળાયેલા નથી, પરંતુ આરોપો ગંભીર છે, તેથી આ મામલે CBI તપાસ જરૂરી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button