ઈન્ટરવલસ્પેશિયલ ફિચર્સ

કવર સ્ટોરી: સત્તાપલટો! ડીઆઇઆઇનો

-નિલેશ વાઘેલા

શેરબજારમાં તાજેતરમાં રોજ નવા શિખરની હારમાળા રચાતી જોવા મળી હતી અને પછી અચાનક પશ્ર્ચિમ એશિયામાં મિસાઇલના દાવાનળ વચ્ચે કડાકાની ભરમાર જોવા મળી રહી છે. સેન્સેક્સ અને નિફ્ટીએ પાંચ ટકાનો કડાકો તો માત્ર ચોથી ઓક્ટોબરે પૂરા થયેલા પાંચ સત્રમાં જ નોંધાવ્યો હતો. આ પાંચ સત્રમાં બીએસઇ પર લિસ્ટેડ તમામ કંપનીઓના બજાર મૂલ્યમાં રૂ. ૧૭.૫૨ લાખ કરોડનું પણ ધોવાણ થયું હતું અને સેન્સેકસે લગભગ ૫૦૦૦ પોઇન્ટ ગુમાવ્યા છે.

| Also Read: Stock Market : શેરબજારમાં અઠવાડિયામાં રોકાણકારોએ અધધધ 16. 26 લાખ કરોડ ગુમાવ્યા

શેરબજારમાં કડાકાના કારણો તો મુંબઇ સમાચારના સુજ્ઞવાચકો જાણે જ છે અને એનું અપડેટ પણ અહીં નિયમિત પીરસવામાં આવે છે, એટલે એની ચર્ચા નથી કરવી, પરંતુ બજારને પાતાળ તરફ તાણી જનારા પરિબળોમાં જેને એક અત્યંત મહત્ત્વનું પરિબળ ગણવામાં આવે છે તેના વિશે વાત કરવી છે. આ પરિબળ છે વિદેશી સંસ્થાકીય રોકાણકારો એટલે કે એફઆઇઆઇ દ્વારા કરવામાં આવતું ઇન્વેસ્ટમેન્ટ. એક જમાનામાં વિદેશી ફંડો ડોલરના દમ પર ખૂબ શક્તિશાળી ગણાતા અને તેમની વેચવાલી કે લેવાલી બજારની રૂખ બદલી નાખતી! આપણે જોકે ડોલરની દાદાગીરી ખતમ થવાને આરે, એવા મતલબનો લેખ અગાઉ પણ પ્રસ્તુત કર્યો હતો. હવે આ દિશામાં બજાર આગળ વધી રહ્યું હોવાના સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે.

તાજેતરમાં બજારના કડાકાનું એક મહત્ત્વનું કારણ વિદેશી ફંડોની એકધારી વેચવાલી ગણવામાં આવે છે. જોકે એ બાબત પણ મહત્ત્વની છે કે પાછલા અનેક મહિનાઓથી એફઆઇઆઇની વેચવાલી સામે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઇઆઇ)એ બમણી લેવાલી કરીને બજારને સ્થિરતા બક્ષી હતી. હાલ પશ્ર્ચિમ એશિયામાં યુદ્ધના મંડાણ ઉપરાંત અમેરિકા દ્વારા વ્યાજદરમાં થયેલા વધારા સાથે ભારતીય બજારના ઊંચા વેલ્યુએશન્સ અને ચીન તથા હોંગકોંગના આકર્ષક વેલ્યુએશન્સ જેવા કારણોસર વિદેશી ફંડો ભારતીય શેરબજારમાંથી ઉચાળા ભરીને અન્ય એશિયાઇ બજારો તરફ ફંટાઇ રહ્યો હોય એવું ચિત્ર ઊપસ્યું છે. ચીનના ઉપરાછાપરી સ્ટિમ્યુલસ પેકેજ અને તાજેતરના જાપાનના વ્યાજદરના વધારાને કારણે પણ ભારતીય બજારમાંથી વિદેશી ફંડોની વેચવાલી વધી છે. શેરબજારના પંડિતો જોકે માને છે કે હવે આપણે એફઆઇઆઇના પલાયનથી ગભરાવા જેવું નથી! આનું કારણ એ છે કે, હવે પાસું પલટાયું છે. બજારમાં હવે વિદેશી ફંડો કરતા સ્થાનિક ફંડો પાસે પ્રવાહિતાનું જબરું જોર છે.

શેરમાર્કેટમાં પ્રવેશ કરનારા રિટેલ ઇન્વેસ્ટર્સની સંખ્યા ઝડપી ગતિએ વધી રહી છે. દેશમાં અત્યારે કુલ ૧૭ કરોડ ડિમેટ એકાઉન્ટ છે, જે આંકડો ડિસેમ્બર ૨૦૨૩ સુધી ૧૩.૯ કરોડ હતો. માર્ચ ૨૦૨૦માં તો આ આંકડો માત્ર ચાર કરોડ જ હતો. આનો અર્થ એ થયો કે માત્ર ચાર વર્ષમાં જ ચાર ગણો વધારો થયો છે. તેની અસર એ થઇ છે કે માર્કેટમાં સ્થાનિક અને વિદેશી રોકાણકારોની હિસ્સેદારીમાં અદલાબદલી થઇ ગઇ છે. જાણીને આશ્ર્ચર્ય થશે, પરંતુ આ વર્ષે જાન્યુઆરીથી ઓગસ્ટની વચ્ચે રૂ. ૪.૬૭ લાખ કરોડનું રોકાણ નોંધાયું હતું અને તેમાં અધધધ રૂ. ૩.૧૦ લાખ કરોડના રોકાણનો સિંહફાળો સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ નોંધાવ્યો છે. એટલું જ નહીં, પરંતુ સામાન્ય રોકાણકારોએ રૂ. ૧.૧૪ કરોડના શેર્સ ખરીદ કર્યા છે. આની સામે વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ માત્ર રૂ. ૪૨,૮૮૬ કરોડનું રોકાણ કર્યું હતું. બીજા શબ્દોમાં કુલ રોકાણમાં ડીઆઇઆઇનો હિસ્સો ૬૬.૩૮ ટકા, રિટેલ રોકાણકારોનો ૨૪.૪૧ ટકા હતો અને એફઆઇઆઇનો હિસ્સો માત્ર ૯.૨૧ ટકા રહ્યો હતો. આ હિસાબે વિદેશી રોકાણકારોની તુલનામાં સ્થાનિક રોકાણકારોએ અંદાજે દસગણું વધારે રોકાણ કર્યું છે. જ્યારે માત્ર એક વર્ષ પહેલાં ૨૦૨૩માં એફઆઇઆઇએ રૂ. ૯.૧ લાખ કરોડ, ડીઆઇઆઇએ રૂ. ૧.૮ લાખ કરોડ અને રિટેલ રોકાણકારોએ રૂ. ૫.૨ હજાર કરોડના શેર્સની ખરીદી કરી હતી.

| Also Read: શેરબજારની પણ બદલાઇ ચાલ, બંને સૂચકાંકોમાં આવ્યો ઉછાળો

નોંધવું રહ્યું કે, દેશમાં મ્યુચ્યુઅલ ફંડમાંથી વધુ રોકાણ આવ્યું છે અને સળંગ ૩૬ મહિનાથી તે સતત વધતું રહ્યું છે. આ પ્રવાહિતાને કારણે માર્કેટને સ્થિરતા મળી રહી છે. મ્યુચ્યુઅલ ફંડ હેઠળની કુલ એસેટ (એસેટ અંડર મેનેજમેન્ટ) ૨૦૨૦માં રૂ. ૧૨ લાખ કરોડ હતી, જે ઓગસ્ટ ૨૦૨૪ સુધી ૫ાંચ ગણાં ઉછાળા સાથે ૬૬ લાખ કરોડ રૂપિયા પહોંચી છે. એ જ સાથે એસઆઇપીનો માસિક સરેરાશ આંકડો રૂ. ૨૨ હજાર સુધી પહોંચ્યો છે. એક્સચેન્જ પાસે નોંધાયેલા આંકડા અનુસાર ૨૦૧૨માં વિદેશી રોકાણકારોએ રૂ. ૧,૨૮,૩૬૧ લાખનું રોકાણ કર્યું, જ્યારે આ દરમિયાન સ્થાનિક રોકાણકારોએ રૂ. ૫૫,૮૦૦ કરોડ તેમજ રિટેલ રોકાણકારોએ ૨૪,૯૦૦ કરોડ રૂપિયા ઉપાડ્યા હતા. જ્યારે ૨૦૨૪માં વિદેશી રોકાણકારોએ રૂ. ૪૨,૮૮૬ કરોડનું રોકાણ કર્યું હતું, જેની સામે સ્થાનિક રોકાણકારોએ ૩.૧ લાખ કરોડ રોક્યા હતા. શેરબજારના અભ્યાસુઓ કહે છે કે અત્યારે દેશના ૫ાંચ ટકા નાણાં જ માર્કેટમાં છે, જે વિકસિત દેશોની તુલનાએ ખૂબ ઓછો છે. આપણી માત્ર ૧૩ ટકા વસતિ માર્કેટથી જોડાયેલી છે, જ્યારે અમેરિકામાં આ આંકડો ૫૫ ટકા અને બ્રિટનમાં ૩૩ ટકા સુધી છે.

દેશમાં રોકાણનું ચિત્ર પણ ઝડપી ગતિએ બદલાયું છે. મહારાષ્ટ્ર અને ગુજરાત જેવાં મોટાં રાજ્યોનો દબદબો ખતમ થઇ રહ્યો છે. મોટી વસ્તીવાળાં યુપી, બિહાર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક જેવાં રાજ્યોના રોકાણકારો આ વિકાસપથ પર દોડી રહ્યા છે. માર્કેટમાં આગામી લહેર રોકાણકારોના પરંપરાગત કેન્દ્રોને બદલે ટિયર ૩ જેવાં નાના શહેરો તેમજ ગામમાંથી આવવાનું અનુમાન છે. જેમ કે બિહાર, છત્તીસગઢ, જમ્મુ-કાશ્મીર, હિમાચલ અને મેઘાલય વગેરેમાં એક વર્ષમાં નવા ડિમેટ એકાઉન્ટ ૪૦ ટકા વધ્યાં છે. નાણાં વર્ષ ૨૦૨૪માં ભારતીય શેરમાં રોકાણકારોની રૂચિ નવા સ્તરે પહોંચી છે. એક લાખ કરોડથી વધુનું માર્કેટ કેપિટલ ધરાવતી કંપનીઓની સંખ્યા ૪૮થી વધીને ૮૦ થઇ છે.

| Also Read: Stock Market: ગઈ કાલના ધબડકા બાદ આજે પણ બજાર તૂટ્યું, આ શેરો પર નજર

બીએસઇ લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ વેલ્યુએશન ૨૦૦૩ના ૧૦ લાખ કરોડની તુલનામાં ૪૫ ગણું વધીને ઓગસ્ટ ૨૦૨૪ સુધી ૪૫૦ લાખ કરોડ (૫ાંચ ટ્રિલિયન ડોલર) પહોંચી ગયું છે. બીએસઇ ઇન્ડેક્સે લોંગ ટર્મમાં ૧૫ ટકાનું વળતર આપ્યું છે. આગામી સમયમાં પણ આ ટ્રેન્ડ યથાવત્ રહેશે. બીજા મહત્ત્વના ટ્રેન્ડમાં માર્કેટમાં આઇપીઓ મારફત અઢળક નાણાં ઠલવાઇ રહ્યા છે અને તેનાથી સંપત્તિનું સર્જન ઝડપી બન્યું છે. અનુમાન છે કે ૨૦૪૭ સુધી બીએસઇ લિસ્ટેડ કંપનીઓનું માર્કેટકેપ ૪૫ ટ્રિલિયન (રૂ. ૪,૦૫૦ લાખ કરોડ) સુધી પહોંચી શકે છે.

Back to top button
નો ફ્લાય ઝોન: વિશ્વના એવા સ્થળો કે જેના પર વિમાનો ઉડી શકતા નથી રોજ ખજૂર ખાઓ, સ્વસ્થ રહો, મસ્ત રહો આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker