હરિયાણાના પરિણામોથી અમે હતાશ નથી થયા: મહારાષ્ટ્ર કોંગ્રેસે આપ્યું નિવેદન

મુંબઈ: હરિયાણામાં ભાજપ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રહ્યું છે અને આ ચૂંટણીના પરિણામોની અસર મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પર થશે કે શું તેવી ચર્ચા ચાલી રહી છે ત્યારે મહાવિકાસ આઘાડીના નેતાઓ દ્વારા અત્યારથી જ નિવદેન આપવા લાગ્યા છે. પહેલા ઉદ્ધવ સેનાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ આ વિશે વાત કર્યા બાદ હવે કૉંગ્રેસના વરિષ્ઠ નેતા રમેશ ચેન્નિથલાએ પણ આ વિશે પોતાનો મત વ્યક્ત કર્યો છે.
હરિયાણા ચૂંટણીના પરિણામોની અસર મહારાષ્ટ્રની ચૂંટણી પર નહીં થાય એમ કહેતા તેમણે જણાવ્યું હતું કે મહાવિકાસ આઘાડી એકસાથે મળીને એકનાથ શિંદેના નેતૃત્વવાળી સરકારને હરાવશે. હરિયાણાના પરિણામોથી કૉંગ્રેસ જરાય હતાશ નથી થઇ.
આ પણ વાંચો : Haryana માં નાયબ સિંહ સૈનીના નેતૃત્વમાં ભાજપ જીત તરફ અગ્રેસર, વિજયાદશમીએ લઇ શકે છે સીએમ પદના શપથ
તેમણે કહ્યું હતું કે મહારાષ્ટ્રના લોકો પરિવર્તન લાવવા અને નવી સરકાર બનાવવા માટે તૈયાર છે. અમે ટૂંક સમયમાં અમારો ચૂંટણી ઢંઢેરો બહાર પાડીશું. અમારો જુસ્સો યથાવત છે. હાલની સરકાર જનતાની સરકાર નથી અને અનીતિથી અસ્તિત્વમાં આવેલી છે. અમારા કાર્યકર્તાઓ અને નેતાઓ એકસાથે મળીને કામ કરી રહ્યા છે. જયરામ રમેશે અમારી શંકાઓના સમાધાન અને ચિંતાઓ વિશે ભારતના ચૂંટણી પંચને પત્ર પણ લખ્યો છે. ટૂંક સમયમાં બેઠકોની વહેંચણીનો નિર્ણય લેવા માટે પણ પ્રયાસો થઇ રહ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે હરિયાણામાં મુખ્ય લડત ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે હતી અને શરૂઆતમાં મતગણતરીમાં આગળ રહ્યા બાદ કૉંગ્રેસનો દેખાવ સતત કથળતો ગયો હતો અને ભાજપે સરસાઇ મેળવી હતી.