હવે વંદે ભારતમાં જઈ શકશો દિલ્હીથી સીધા શ્રીનગર, વાયા વૈષ્ણોદેવી
નવી દિલ્હીઃ વંદે ભારત સ્લીપર ટ્રેનની સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે. વર્ષ 2025માં વંદે ભારત સ્લીપર ટ્રેન શરૂ થશે. વંદે ભારત ટ્રેન હવે રાજધાની દિલ્હીથી જમ્મુ-કાશ્મીર સુધી દોડાવવામાં આવશે. રિપોર્ટ અનુસાર રેલવે દિલ્હીથી શ્રીનગર વચ્ચે એક ટ્રેન દોડાવવાની તૈયારી કરી રહી છે. હાલમાં આ બન્ને સ્ટેશન વચ્ચે ટ્રેન દોડશે અને પછી તેને બારામુલ્લા સુધી વિસ્તારીત કરવામાં આવશે, તેમ એક અધિકારીએ જણાવ્યું હતું.
આ રૂટના સંચાલનની જવાબદારી ઉત્તર ઝોનની રહેશે. 800 કિમીનો પ્રવાસ પ્રવાસીઓ લગભગ 13 કલાકમાં કરી શકશે. આ ટ્રેન દિલ્હીથી સાંજે 7 વાગ્યે પ્રસ્થાન કરશે અને શ્રીનગર સવારે 8 વાગ્યે પહોંચશે.
આ ટ્રેનમાં થ્રી ટાયર એસી, ટુ ટાયર એસી અને 1 ટાયર એસી એમ ત્રણ કેટેગરી રહેશે અને તેનું ભાડું અનુક્રમે રૂ. 2000, 2,500 અને 3000 રહેશે. રાજધાની સહિત દેશના વિવિધ ભાગોમાંથી જમ્મુ-કાશ્મીરને જોતડી સુવિધાઓ ઊભી કરવાની માગણી થઈ રહી છે. રેલવે તેને ધ્યાનમાં રાખી નવા રૂટ શરૂ કરી રહી છે.
આ ટ્રેન અંબાલા, લુધિયાના, કઠુઆ, જમ્મુ તવી, માતા વૈષ્ણો દેવી, સંગલદાન, બનિહાલ થઈ શ્રીનગર જશે. વૈષ્ણોદેવી જવા માગતા હજારો ભાવિકોને પણ એક વધારે રેલવે કનેક્ટિવિટી મળશે.