ઉત્સવસ્પેશિયલ ફિચર્સ

મોર્નિંગ મ્યૂસિંગ : જિમી કાર્ટર૧૦૦ નોટઆઉટ: શું છે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિની આ લાંબી આવરદાનું રહસ્ય?

-રાજ ગોસ્વામી
કોઈ દેશના, વર્તમાન કે ભૂતપૂર્વ વડા ૧૦૦ વર્ષે પણ જીવતા હોય તેવું એકમાત્ર નામ અમેરિકી ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જિમી કાર્ટર છે. ગયા મંગળવારે ( ૧ ઑકટોબર) તે ૧૦૦ના થયા. અમેરિકામાં જ નહીં, દુનિયામાં પણ તે પહેલા નેતા છે, જે ૧૦૦ પર નોટઆઉટ છે. એમના સમયના જેટલા પણ નેતા હતા એ બધાની વિદાઈ થઇ ચૂકી છે.

ઉત્તરપશ્ર્ચિમ અમેરિકામાં, કોલંબિયાને અડીને આવેલા ઈક્વાડોરના કાર્યકારી રાષ્ટ્રપતિ ગુઇલેર્મો રોડ્રિગ્સ ૧૦૦ વર્ષ અને ૩૩૩ દિવસ જીવ્યા પછી ૨૦૨૩માં અવસાન પામ્યા હતા. દક્ષિણપૂર્વ એશિયામાં લાઓસ દેશના વડા પ્રધાન ખામ્તાઈ સિફાંડોને ગયા વર્ષે ૧૦૦ વર્ષ અને ૨૩૭ દિવસની ઉંમરે અવસાન પામ્યા હતા. જાપાનના ભૂતપૂર્વ વડા પ્રધાન તોમીચિ મુરાયામા પણ ગયા વર્ષે અવસાન પામ્યા ત્યારે ૧૦૦ વર્ષ અને ૨૧૩ દિવસના હતા. આમ લાંબી આવરદાવાળા નેતાઓમાં હવે જિમી કાર્ટર એકમાત્ર હયાત છે. સામાન્ય રીતે સત્તામાંથી બહાર થયેલા રાષ્ટ્રપતિઓ અને વડા પ્રધાનોનું નિવૃત્ત જીવન મજાથી પસાર થતું નથી, જ્યારે કાર્ટર તો ઠેઠ ૧૯૮૧માં નિવૃત્ત થયા હતા અને કોઈ યુવાનને શરમાવે તેવી સ્ફૂર્તિથી સમાજ સેવા કરતા હતા.

જોકે, હવે તો શરીર સાથ નથી આપતું એટલે એ હોસ્પાઈસ (પેલિએટિવ) કેરમાં છે એટલે કે, મરણાસન્ન વ્યક્તિઓની સંભાળ રાખવા માટે રચાયેલ તબીબી અને ભાવનાત્મક સંભાળમાં જીવે છે. એ પોતાના ઘરમાં જ આ સંભાળ હેઠળ શ્ર્વાસ લે છે, પણ એમણે ૧૦૦ વર્ષ પૂરાં કર્યાં છે તેના ઘણા અર્થ છે.

જિમી કાર્ટર એક એવા વિરલ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ છે, જેમણે નિવૃત્ત થયા પછી એમની પત્ની રોસાલિન સાથે પોતાની એનજીઓ ‘કાર્ટર સેન્ટર’ દ્વારા માનવતાવાદી કાર્યમાં લગભગ ૩૫ વર્ષ સુધી સતત કામ કર્યું હતું. એ સમગ્ર દેશમાં અને વિદેશમાં સક્રિય હતા. જિમી કાર્ટર ૯૯ વર્ષના હતા જ્યારે એમની પત્નીનું ૯૬ વર્ષની ઉંમરે નવેમ્બર ૨૦૨૩માં અવસાન થયું હતું. અને એ આખી રાત પત્નીના અંતિમ શ્ર્વાસ સુધી એની બાજુમાં વ્હીલચેર પર બેઠા રહ્યા હતા. પત્ની પણ પેલિએટિવ કેરમાં જીવી હતી.

જિમી કાર્ટર અને રોઝલીન કાર્ટરનું અમેરિકન સમાજમાં એક અલગ જ ઈજ્જતથી નામ લેવામાં આવે છે. આ બંનેએ જે ઊર્જા, પ્રવૃત્તિ, જોમ સાથે પોતાનું જીવન વિતાવ્યું છે તે ઉદાહરણરૂપ છે. જિમી કાર્ટર રાષ્ટ્રપતિ બન્યા ત્યારે પણ ચૂંટણી હાર્યા પછી પણ અમેરિકનોમાં એમના માટે એટલો જ પ્રેમ રહ્યો છે.

કાર્ટરના પૌત્ર અને ‘કાર્ટર સેન્ટર’ના ગવર્નિંગ બોર્ડના ચેરમેન જેસન કાર્ટર કહે છે : ‘આ પૃથ્વી પર દરેક વ્યક્તિને ૧૦૦ જીવવા નથી મળતું, અને કોઈને એવો મોકો મળે તો તે તેનો ઉપયોગ લોકોની ભલાઈ માટે કરે છે. આ વાત જશ્ન મનાવવા જેવી છે. ૧૯ મહિનાથી એ હોસ્પાઈસ કેરમાં છે, પણ આ સમય અમારા પરિવાર માટે ચિંતન કરવાનો અવસર છે.

કાર્ટરે સરકારી ઈલાજ કરાવવાનો ઇનકાર કરી દીધો હતો. એમનું કહેવાનું હતું કે ઉંમરના આ પડાવ પર તે ઘરે જ એમના પરિવારજનો સાથે રહેવા માગે છે. અગાઉ એમણે ઘણી વખત મોતને હાથતાળી આપી હતી. એમના અન્ય એક પૌત્ર જોશ કાર્ટરે ‘ન્યુયોર્ક ટાઈમ્સ’ દૈનિકને કહ્યું હતું : આ એક એવી ભેટ છે જેની અમને અપેક્ષા નહોતી…’

અન્ય લોકો કહે છે કે કાર્ટરના ઉદાહરણે હોસ્પાઇસ કેરના ફાયદાઓ વિશે જાગૃતિ પણ ઊભી કરી છે. હોસ્પાઇસ કેરમાં વૃદ્ધત્વન સાથે આવતી બીમારીઓનાં લક્ષણો અને તનાવમાંથી રાહત આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. તેમાં બીમાર વ્યક્તિ અને પરિવારજનો માટે જીવનની ગુણવત્તામાં સુધાર કરવાનું લક્ષ્ય હોય છે.

કાર્ટરનો મેડિકલ ઈતિહાસ જટિલ છે. એમની માતા ૮૫ વર્ષની હતી, પરંતુ એમના પિતા ૫૮ વર્ષની વયે સ્વાદુપિંડના કેન્સરથી મૃત્યુ પામ્યા હતા. એમની બંને બહેન અને ભાઈ પણ સ્વાદુપિંડના કેન્સરથી મૃત્યુ પામ્યાં હતાં, અને એમની માતાને પણ આ રોગ હતો.

૨૦૧૫માં, કાર્ટરને મેલાનોમા હોવાનું નિદાન થયું હતું , જે એમના યકૃત અને મગજમાં ફેલાયું હતું. એમના મગજમાં કિરણોત્સર્ગ દ્વારા સારવાર કરવામાં આવી હતી અને એમના યકૃત પરની મોટી ગાંઠ દૂર કરવામાં આવી હતી.

૨૦૧૯માં, એ અનેકવાર રીતે પડી ગયા હતા, જેના કારણે એમના હાડકાં તૂટી ગયાં હતાં,જેથી એમને શસ્ત્રક્રિયાની જરૂર પડી હતી. આમ છતાં, એમની જીવનશૈલી એમની આવરદા માટે આશીર્વાદ બની છે. મેડિકલ વિજ્ઞાન મુજબ ૧૦% લોકો ૧૦૦ વર્ષ સુધી જીવી શકે છે. આવા લાંબા આયુષ્યમાં જનીન, જીવનશૈલી અને માહોલની ભૂમિકા અગત્યની હોય છે.

કાર્ટરના સ્વસ્થ્યમાં હેતુપૂર્ણ જીવન જીવવાનો ઈરાદો મહત્ત્વનો છે. કાર્ટર અને એમનાં પત્ની ૧૯૮૪થી ‘હેબિટેટ ફોર હ્યુમેનિટી’ માટે સ્વયંસેવા આપતાં હતાં અને એમણે ૧૪ દેશમાં ૪,૩૦૦થી વધુ ઘરોના નિર્માણ, નવીનીકરણ અને સમારકામમાં મદદ કરી હતી. આ કાર્યથી એમને આનંદ મળ્યો હતો તેમ આ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિએ એમના એક પુસ્તકમાં લખ્યું છે :

‘સમાજ માટે કામ કરવાનો અર્થ એ થયો કે તમે લોકો માટે જીવવા માગો છો એટલે જ તમે રોજ પથારીમાંથી બહાર નીકળો છો અને કામ કરો છો. એવો ઈરાદો તમે નિષ્ક્રિય કે નાસીપાસ નથી થવા દેતો’ કાર્ટર જ્યારે ૬૨ વર્ષના હતા ત્યારે ઢોળાવ પર સ્કી કરવાનું શીખ્યા હતા. એમની પત્નીએ ‘વોટ મેક્સ અ મેરેજ લાસ્ટ’ પુસ્તક માટે ઇન્ટરવ્યુમાં કહ્યું હતું:

‘જિમીને માત્ર વસ્તુઓ વિશે શીખવું જ નથી હોતું, તે કરવું પણ હોય છે.’ બીજું, એમનામાં પરિવારની મજબૂત
ભાવના હતી. ૭૭ વર્ષનું એમનું લગ્નજીવન રાષ્ટ્રપતિના ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધીનાં લગ્ન હતાં. કાર્ટરએ તેને ‘પૂર્ણ ભાગીદારી’ ગણાવી હતી. પત્નીનું અવસાન થયું ત્યારે એમણે એક નિવેદનમાં કહ્યું હતું કે, ‘રોઝાલિન મેં હાંસલ કરેલી દરેક બાબતમાં મારી સમાન ભાગીદાર હતી. જ્યાં સુધી રોઝલીન દુનિયામાં હતી ત્યાં સુધી મને પ્રેમ અને ટેકો મળ્યો હતો.’

ત્રીજું, કાર્ટર ૮૦ વર્ષની ઉંમર સુધી દોડવીર હતા અને ઘૂંટણની સમસ્યાઓ આવી એટલે સ્વિમિંગ અને વોકિંગ તરફ વળ્યા હતા. પતિ-પત્ની બંનેને સાઈકલ ફેરવવાનો શોખ હતો. એ બન્ને ફ્લાય-ફિશિંગ અને લાકડા કાપવાના કામનો પણ આનંદ માણતા હતા. ચોથું, એમનામાં દ્રઢતા અને સકારાત્મકતાનો ગુણ હતો. પરિવારમાં આવેલી બીમારીઓ અને મૃત્યુને એ પચાવી ગયા હતા અને અન્ય વૃદ્ધ લોકોથી વિપરીત, અત્યંત ખુશમિજાજી અને મળતાવડા રહ્યા છે.

જ્યારે કાર્ટર પહેલી વાર ફેબ્રુઆરી ૨૦૨૩માં જ્યોર્જિયામાં હોસ્પાઇસ કેરમાં દાખલ થયા ત્યારે કેટલાક સંબંધીઓને લાગ્યું કે એમની પાસે જીવવા માટે માત્ર થોડા દિવસો બાકી છે. અમેરિકામાં, બીમાર વ્યક્તિ ત્યારે હોસ્પાઇસ કેરની મદદ લે છે જ્યારે ડોક્ટરોને લાગે કે એની પાસે છ કે તેથી ઓછા મહિનાનો સમય છે. કાર્ટર ૧૯ મહિનાથી તે સંભાળમાં છે અને દેશમાં શું ચાલી રહ્યું છે એનાથી સભાન છે. એમના પુત્ર ચિપ કાર્ટરે થોડા દિવસો પહેલાં પૂછ્યું હતું કે ‘તમે ૧૦૦મો જન્મદિવસ ઉજવશો?’ ત્યારે કાર્ટરે કહ્યું હતું : ‘હું માત્ર કમલા હેરિસને વોટ આપવાની કોશિશ કરી રહ્યો છું…!’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button