આમચી મુંબઈ

Banganga તળાવના હેરિટેજ વર્ક માટે ટેન્ડર બહાર પડાયું

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દક્ષિણ મુંબઈમાં આવેલા ઐતિહાસિક અને હેરિટેજ બાણગંગા તળાવને પુનર્જીવિત કરવાનો ભવ્ય પ્રોજેક્ટ મુંબઈ મહાનગરપાલિકાએ હાથમાં લીધો છે, જે હેઠળ તળાવના હેરિટેજ વર્ક માટે ૨.૬૦ કરોડ રૂપિયાથી વધુ રકમનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે.

મલબાર હિલમાં આવેલું બાણગંગા તળાવ ઐતિહાસિક જ નહીં પણ પૌરાણિક મહત્ત્વ પણ ધરાવે છે. એક દંતકથા અનુસાર ભગવાન રામે તેમના પિતા રાજા દશરથના અસ્થિનું વિસર્જન બાણગંગામાં કર્યું હતું. બાણગંગા તળાવને પુનર્જીવિત કરવાના પ્રોજેક્ટ હેઠળ થોડા મહિના અગાઉ તળાવના પગથિયાંને ખાનગી કૉન્ટ્રેક્ટરોએ નુકસાન પહોંચાડ્યું હતું. તેથી તેનો કૉન્ટ્રેક્ટ રદ કરી દેવામાં આવ્યા બાદ હવે સુધરાઈએ આ કામ માટે નવાં ટેન્ડર બહાર પાડ્યાં છે, જેમાં આ વખતે કૉન્ટ્રેક્ટને ડિસિલ્ટિંગ, હેરિટેજ વર્ક અને લાઈટિંગ એમ ત્રણ વિભાગમાં વહેંચી દેવામાં આવ્યું છે, જે અંતર્ગત હેરિટેજ વર્ક માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે.

પ્રોજેક્ટ મેનેજમેન્ટ ક્ધસલ્ટન્ટ અને ડિરેક્ટોરેટ ઓફ આર્કિયોલોજી એન્ડ મ્યુઝિયમ દ્વારા પ્રતિબંધ હોવા છતાં કૉન્ટ્રેક્ટરે ૨૪ જૂનના રોજ ડિસિલ્ટિંગના કામ માટે એક્સકેવેટર (ભારે મશીન)નો ઉપયોગ કરીને બાણગંગા તળાવના હેરિટેજ પગથિયાને નુકસાન પહોંચાડ્યું હતું, તે માટે તેણે સુધરાઈની મંજૂરી પણ લીધી નહોતી.

આ ઘટના બાદ કૉન્ટ્રેક્ટરના ત્રણ લોકો સામે કેસ નોંધવામાં આવ્યો હતો. તળાવના પગથિયા પર ગેરકાયદે રીતે ભારે મશીન લઈ જવા માટે કૉન્ટ્રેક્ટરને શો-કોઝ નોટિસ પણ ફટકારવામાં આવી હતી. લોકોના રોષને પગલે તાત્કાલિક ધોરણે પગથિયાનું સમારકામ કરાવ્યું હતું. જોકે આ અનુભવ બાદ સુધરાઈએ હવે બાણગંગાના કામ માટે બે કૉન્ટ્રેક્ટરોની નિમણૂક કરીને કામને અલગ અલગ હિસ્સામાં વહેંચી નાંખ્યું છે.

સુધરાઈના અધિકારીના જણાવ્યા મુજબ ટાંકીના ડિસિલ્િંટગ કામ માટે એક જ કૉન્ટ્રેક્ટર નીમવામાં આવશે અને તળાવ વિસ્તારના હેરિટજ કામ અને લાઈટિંગ માટે અલગ-અલગ કૉન્ટ્રેક્ટર નીમવામાં આવવાનો છે. આ પ્રોજેક્ટમાં પડકારજનક કામ ઐતિહાસિક રીતે મહત્ત્વના ગણાતા રામ કુંડની પુન:સ્થાપનું છે, તેની માટે અનેક મંજૂરીઓ લેવી પડવાની હોવાથી આ કામ માટે સાર્વજનિક બાંધકામ વિભાગના હાર્બર એન્જિનિયરિંગ વિભાગને સામેલ કરવાનો નિર્ણય લીધો છે.

બાણગંગા તળાવ રિસ્ટોરેશન પ્રોજેક્ટ માટે સુધરાઈને પાંચ કરોડ રૂપિયાના સ્ટેટ ટુરિઝમ ડિપાર્ટમેન્ટ પાસેથી અનેે ૧૦ કરોડ રૂપિયા રિસ્ટોરેશન કામ માટે ફાઈનાન્સ કમિશનર પાસેથી મળ્યા હોવાનું કહેવાય છે. બાણગંગા તળાવ ૧૧મી સદીનું ગ્રેડ-એક હેરિટેજ સાઈટમાં આવે છે અને ગૌડ સારસ્વત બ્રાહ્મણ મંદિર ટ્રસ્ટ તથા મહારાષ્ટ્ર આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા તેની જાળવણી કરવામાં આવે છે.

Also Read –

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button