મેળાના આયોજન બાદ બેદરકારી: મેળાનો કચરો ખાવાથી પાંચ ગાયોના મોત
ભુજ: નખત્રાણા તાલુકાના મોટા યક્ષ ખાતે ગત ૨૨થી ૨૫મી સપ્ટેમ્બર દરમ્યાન યોજાયેલા મીની તરણેતર તરીકે ઓળખાતા મોટા યક્ષના મેળામાં થયેલા પ્લાસ્ટિકના કચરા, એઠવાડને આરોગી જતાં પાંચ જેટલી ગાયોના મોત થતાં અરેરાટી પ્રસરી જવા પામી છે. મેળાને કારણે ઉભા થયેલા ‘ટોક્સિક’ કચરાને ખાઈ જવાથી પાંચેક ગાયોના તરફડી-તરફડીને મૃત્યુ થયા અંગેની ખબર ફેલાવા લાગતાં દોડતી થયેલી મેળા સમિતિએ ટ્રેક્ટર અને જેસીબીથી મેદાનને સાફ કરવાનું ચાલુ કર્યું હતું.
ગ્રામવાસીઓને જણાવ્યા મુજબ અહીં મેળા સમિતિ દ્વારા વ્યવસ્થિત સાફ-સફાઈ કરાઈ ન હતી. મેળા દરમ્યાન ખાણીપીણીની વસ્તુઓમાં પણ નજીકના તળાવના ગંદા પાણીનો ઉપયોગ થતો હતો અને મેળો પૂર્ણ થયા બાદ મેદાનને સાફ કરવાની તસ્દી ન લેવાતાં મેદાનમાં એકઠો થયેલો કચરો, એઠવાડ, પ્લાસ્ટિકની થેલીઓ, કેમીકલ યુક્ત વસ્તુ ખાધા બાદ ખોરાકી ઝેરની અસર થતાં પાંચેક ગાયો અને બે-ત્રણ વાછરડાના મોત થયા છે.
આ પણ વાંચો :બોટાદ જિલ્લાની પ્રાથમિક સ્કૂલમાં વિદ્યાર્થિની સાથે દુષ્કર્મના કિસ્સામાં શિક્ષક પકડાયો
જો કે પણ હજુ કેટલીક ગાયો બીમાર હાલતમાં છે અને વારંવાર રજૂઆતો કરવા છતાં સારવાર માટે હજુ સુધી એકપણ પશુ ચિકિત્સક અહીં આવ્યા નથી.હાલ ગામમાં મચ્છરજન્ય રોગોએ પણ માથું ઊંચક્યું છે.
દરમ્યાન, મેળા સમિતિના પ્રમુખ ધીરજલાલ પટેલે બચાવ કરતાં કહ્યું હતું કે, તેઓ નિયમિત સાફ-સફાઈ કરાવતા હતા, એઠવાડ સહિતના કચરા માટે જીસીબીથી મોટા ખાડા બનાવ્યા છે, જેમાં દરરોજ કચરાનો નિકાલ કરાતો હતો. હજુ પણ ગ્રાઉન્ડ સફાઈનું કામ ચાલુ છે, જે અડધું થઈ ગયું છે. કચરો એકઠો કરીને રખાયો છે. બધો ભેગો કરીને નિકાલ કરાય છે. મોડી રાત્રે માલિકો દ્વારા ગાયોને મૂકી દેવાય છે, જેના કારણે આ કચરો ખાઈ ગઈ હશે જેથી માલિકોએ પણ પોતાની જવાબદારી સમજવી જોઈએ તેમ તેમણે ઉમેર્યું હતું.