આમચી મુંબઈ

શહેરમાં ઠેર ઠેર લાગેલા ગેરકાયદે પોસ્ટર, હૉર્ડિંગ્સ હટાવવાની ઝુંબેશ ફરી શરૂ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈને કદરૂપુ બનાવતા ગેરકાયદે હૉર્ડિંગ્સ, બેનરો અને પોસ્ટરો સામે મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર અને પ્રશાસક ઈકબાલસિંહ ચહલે આંખ લાલ કરી છે અને કોઈની પણ શેહ-શરમ નહીં રાખતા તમામ ગેરકાયદે હૉર્ડિંગ્સ અને બેનરોને તાબડતોબ હટાવી લેવાનો આદેશ આપ્યો છે. કમિશનરના આદેશ બાદ મંગળવાર રાતથી પાલિકાએ ફરી કાર્યવાહી હાથ ધરી છે.

મુંબઈમાં ઠેર ઠેર ગેરકાયદેસર રીતે જાહેરખબરો, બોસ્ટરો અને હૉર્ડિંગ્સો લાગેલા હોય છે. તેની માટે મુંબઈ મહાનગરપાલિકા પાસેથી કોઈ પણ પ્રકારની મંજૂરી લેવામાં આવતી નથી. મોટાભાગના આવા હૉર્ડિંગ્સો અને પોસ્ટરો રાજકીય પક્ષ સાથે જોડાયેલા લોકોના હોય છે. થોડા સમય અગાઉ જ મુંબઈ હાઈ કોર્ટે પાલિકાને આકરા શબ્દોમાં ટીકા પણ કરી હતી અને પાલિકાએ કરેલી કાર્યવાહીને લગતો અહેવાલ પણ માગ્યો હતો.

કોર્ટના ઠપકા બાદ પાલિકાની સુસ્ત થઈ ગયેલી કાર્યવાહી ફરી શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન મુખ્ય પ્રધાનના આદેશ બાદ ગણેશોત્સવ પહેલા પાલિકાએ શહેરમાં ગેરકાયદે હૉર્ડિગ્સ અને બેનરો સામને હટાવવા માટે ઝુંબેશ હાથ ધરી હતી. આ દરમિયાન પાલિકા કર્મચારીઓએ ગેરકાયદે પોસ્ટરો અને હૉર્ડિંગ્સ હટાવવા માટે તેમને પોલીસ સંરક્ષણ આપવાની માગણી પણ કરી હતી.

ગણેશોત્સવના તહેવાર દરમિયાન શહેરમાં ફરી એક વખત ઠેર ઠેર શુભેચ્છા આપતા હૉર્ડિગ્સો અને બેનરો તથા પોસ્ટરો લાગી ગયા હતા. તેથી કમિશનરે મંગળવારે સંબંધિત અધિકારીઓને સમગ્ર મુંબઈમાં જયા પણ ગેરકાયદેસર રીતે બૅનર, પોસ્ટરો, જાહેરાતના બોર્ડ લાગેલા જણાય તેની સામે 3 ઑક્ટોબર, મંગળવાર રાતથી કાર્યવાહી ફરી ઝડપી કરવાનો આદેશ આપ્યો હતો.

કમિશનરે અધિકારીઓને એવો પણ આદેશ આપ્યો હતો કે કોઈ પણ જાતની શરમ કે ધમકીને નહીં ગણકારતા મંજૂરી વગર લાગેલા બૅનરો અને પોસ્ટરો, બોર્ડને સીધા હટાવી દેવાના રહેશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button