સ્પોર્ટસ

શ્રીલંકાએ કર્યો રનનો ઢગલો, 600 રન બનાવીને તોડ્યો 19 વર્ષ જૂનો રેકૉર્ડ

ત્રણ બૅટરની સદી જેમાંના એક બૅટરની ડબલ સેન્ચુરી સુધી રાહ જોતાં પહેલાં દાવ ડિક્લેર કર્યો

ગૉલ: શ્રીલંકાએ અહીં શુક્રવારે બીજી ટેસ્ટના બીજા દિવસે પ્રથમ દાવ પાંચ વિકેટે 602 રનના સ્કોર પર ડિક્લેર કરીને બાવીસ રનમાં બે વિકેટ લઈને ન્યૂ ઝીલૅન્ડને મુસીબતમાં મૂકી દીધું હતું. જોકે એ પહેલાં, શ્રીલંકન ટીમે કિવીઓ સામેનો 19 વર્ષ જૂનો પોતાનો વિક્રમ તોડ્યો હતો. ત્રણ બૅટરની સદી શ્રીલંકન ઇનિંગ્સના મુખ્ય આકર્ષણો હતા.

2005માં નૅપિયરમાં રમાયેલી ટેસ્ટમાં શ્રીલંકાએ ન્યૂ ઝીલૅન્ડ સામે એક દાવમાં જે 498 રન બનાવેલા એ કિવીઓ સામેનો તેમનો એક દાવનો સર્વોત્તમ ટેસ્ટ-સ્કોર હતો. જોકે શુક્રવારે શ્રીલંકાએ પહેલી વાર ન્યૂ ઝીલૅન્ડ સામે 600 રન બનાવવાની વિરલ સિદ્ધિ મેળવી હતી.

વિકેટકીપર દિનેશ ચંદીમલ (116 રન, 208 બૉલ, પંદર ફોર), કામિન્દુ મેન્ડિસ (182 અણનમ, 250 બૉલ, ચાર સિક્સર, સોળ ફોર), કુસાલ મેન્ડિસ (106 અણનમ, 149 બૉલ, ત્રણ સિક્સર, છ ફોર)ની સેન્ચુરીઓને લીધે શ્રીલંકાએ પહેલા દાવમાં જ મૅચ પર મજબૂત પકડ મેળવી લીધી હતી. પીઢ ખેલાડી ઍન્જેલો મૅથ્યૂઝે (88 રન, 185 બૉલ, સાત ફોર) પણ 600-પ્લસના ટીમ-સ્કોરમાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું.

આપણ વાંચો: IND vs BAN 2nd Test: વિલંબ બાદ કાનપુર ટેસ્ટની શરૂઆત, રોહિત શર્માએ ટોસ જીતી આ નિર્ણય કર્યો

નવાઈની વાત એ છે કે કામિન્દુ મેન્ડિસ પ્રથમ ડબલ સેન્ચુરીથી માત્ર 18 ડગલાં દૂર હતો છતાં કૅપ્ટન ધનંજય ડિસિલ્વાએ દાવ ડિક્લેર કરીને કિવીઓને બૅટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. શ્રીલંકાની પાંચમાંથી ત્રણ વિકેટ ન્યૂ ઝીલૅન્ડના ગ્લેન ફિલિપ્સે લીધી હતી. જોકે એ ત્રણ વિકેટ તેને 141 રનના તોતિંગ ખર્ચે પડી હતી.

એક વિકેટ કૅપ્ટન ટિમ સાઉધીએ લીધી હતી, પરંતુ એજાઝ અહમદ, મિચલ સૅન્ટનર, રાચિન રવીન્દ્ર અને ડેરિલ મિચલ તેમ જ વિલિયમ ઓ’રુરકીને એક પણ વિકેટ નહોતી મળી.

શ્રીલંકા આ શ્રેણીમાં 1-0થી સરસાઈમાં છે અને વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (ડબ્લ્યૂટીસી)માં ત્રીજા નંબરે છે. કિવીઓ સામેની પ્રથમ ટેસ્ટ શ્રીલંકાએ 63 રનથી જીતી લીધી હતી. હવે ધનંજય ડિસિલ્વાની ટીમ આ મૅચ પણ જીતીને 2-0થી ક્લીન સ્વીપ કરવા માગે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button