ટીન અને નિકલ સિવાયની ધાતુઓમાં આગેકૂચ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: લંડન મેટલ એક્સચેન્જ ખાતે આજે કોપરમાં બે મહિનાની ઊંચી સપાટીએથી સાધારણ ઘટાડો આવ્યો હોવાના અહેવાલ છતાં સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં કોપર અને બ્રાસની વેરાઈટીઓ, એલ્યુમિનિયમ ઈન્ગોટ્સ અને ઝિન્ક સ્લેબમાં સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત સાર્વત્રિક સ્તરેથી માગને ટેકે ભાવમાં કિલોદીઠ રૂ. એકથી ૧૧ની આગેકૂચ જોવા મળી હતી. જોકે, આજે માત્ર ટીન અને નિકલમાં સ્ટોકિસ્ટોની વેચવાલીના દબાણ ઉપરાંત ખપપૂરતી માગ રહેતાં ભાવમાં અનુક્રમે કિલોદીઠ રૂ. ૧૦ અને રૂ. ત્રણનો ઘટાડો આવ્યો હતો, જ્યારે એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપ તથા લીડ ઈન્ગોટ્સમાં પાંખાં કામકાજે ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું. ચીનના સ્ટિમ્યુલસ પેકેજને પગલે તાજેતરમાં વિવિધ ધાતુઓના ભાવમાં સુધારાતરફી વલણ જોવા મળ્યા બાદ આજે લંડન ખાતે સત્રના આરંભે કોપરના એક મહિને ડિલિવરી શરતે ભાવ ગઈકાલના બંધ સામે સાધારણ ૦.૧ ટકા ઘટીને ટનદીઠ ૯૮૦૦.૫૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. આજે સ્થાનિકમાં સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત વપરાશકાર ઉદ્યોગ અને સ્થાનિક ડીલરોની માગને ટેકે કોપર વાયરબારના ભાવ કિલોદીઠ રૂ. ૧૧ વધીને રૂ. ૮૭૯, કોપર કેબલ સ્ક્રેપ અને બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. પાંચ વધીને અનુક્રમે રૂ. ૮૧૬ અને રૂ. ૫૩૩, કોપર આર્મિચરના ભાવ કિલોદીઠ રૂ. ચાર વધીને રૂ. ૭૯૪, ઝિન્ક સ્લેબના ભાવ કિલોદીઠ રૂ. ત્રણ વધીને રૂ. ૨૮૦, કોપર સ્ક્રેપ હેવી, કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપ અને બ્રાસ શીટ કટિંગ્સના ભાવ કિલોદીઠ રૂ. બે વધીને અનુક્રમે રૂ. ૮૦૬, રૂ. ૭૪૨ અને રૂ. ૫૭૨ અને એલ્યુમિનિયમ ઈન્ગોટ્સના ભાવ કિલોદીઠ રૂ. એક વધીને રૂ. ૨૩૯ના મથાળે રહ્યા હતા. જોકે, આજે માત્ર ટીનમાં સ્ટોકિસ્ટોની વેચવાલીનું દબાણ અને ખપપૂરતી માગે ભાવ કિલોદીઠ રૂ. ૧૦ ઘટીને રૂ. ૨૭૬૬ અને નિરસ માગે નિકલના ભાવ કિલોદીઠ રૂ. ત્રણ ઘટીને રૂ. ૧૪૧૨ના મથાળે રહ્યા હતા, જ્યારે એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપ અને લીડ ઈન્ગોટ્સમાં ખપપૂરતી માગે ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. ૧૯૪ અને રૂ. ૧૯૧ના મથાળે ટકેલા રહ્યા હતા.