મણિપુરના ટોચના અધિકારીઓએ CMOના દાવાને નકારી કાઢ્યો, CMOએ કહી હતી આ વાત
ઇમ્ફાલ: મણિપુરના મુખ્યપ્રધાનની ઓફીસ (Manipur CMO) તરફથી દાવો કરવામાં આવ્યો હતો કે 900 થી વધુ કુકી ઉગ્રવાદીઓ મ્યાનમારથી મણીપુરમાં પ્રવેશ્યા હતા. જોકે આ બબાતે ઉચ્ચ અધિકારીઓ અસહમત છે. મણિપુરના સુરક્ષા સલાહકાર કુલદિપ સિંહ અને પોલીસ મહાનિર્દેશક રાજીવ સિંહે બુધવારે સાંજે એક સંયુક્ત નિવેદન બહાર પાડ્યું હતું જેમાં મુખ્ય પ્રધાન કાર્યાલયના દાવાને ફગાવી દીધો હતો. તેમણે કહ્યુ એ CMOના દાવામાં તથ્ય નથી.
17 સપ્ટેમ્બરના રોજ, CMO તરફથી એક ગુપ્તચર અહેવાલને આધારે એવો દાવો કરવામાં આવ્યો હતો કે “જંગલ યુદ્ધમાં નવા તાલીમ પામેલા 900 થી વધુ કુકી ઉગ્રવાદીઓ, ડ્રોન-આધારિત બોમ્બ, મિસાઇલો સાથે મ્યાનમારથી મણિપુરમાં પ્રવેશ્યા છે”.
એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કી ઉગ્રવાદીઓ 30-30ના જૂથ વહેંચાયેલા છે અને વિસ્તારના છુટાછવાયેલા છે. 28 સપ્ટેમ્બરની આસપાસ મેઇતેઈ ગામો પર સંકલિત હુમલો કરવામાં આવી શકે છે.
20 સપ્ટેમ્બરના રોજ સુરક્ષા સલાહકાર કુલદીપ સિંહે પત્રકારોને માહિતી આપી હતી કે ગુપ્તચર માહિતીના આધારે મ્યાનમારની સરહદે આવેલા પહાડી જિલ્લાઓમાં સુરક્ષા એજન્સીઓ, ખાસ કરીને આસામ રાઈફલ્સને હાઈ એલર્ટ પર મૂકવામાં આવી છે.
તેમણે ઉલ્લેખ કર્યો કે તેમની અધ્યક્ષતામાં સ્ટ્રેટેજિક ઓપરેશન ગ્રુપની બેઠકમાં આ મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી, જેમાં આર્મી, આસામ રાઈફલ્સ, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ, બોર્ડર સિક્યુરિટી ફોર્સ અને રાજ્ય પોલીસ જેવા વિવિધ સુરક્ષા દળોના ટોચના અધિકારીઓ સામેલ હતા.
કુલદિપ સિંહના નિવેદનને કારણે કુકી-ઝો સમુદાયમાં રોષની લાગણી ફેલાઈ હતી. ઈન્ડીજીનિયસ ટ્રાઈબલ લીડર્સ ફોરમે આરોપ લગાવ્યો હતો કે તેઓ કુકી-ઝો લોકોને બદનામ કરવા અને કુકી-ઝો સ્વયંસેવકો પર હુમલો કરવાના બહાના તરીકે આ દાવો કરી રહ્યા છે.
બુધવારે, મણિપુરના બે ટોચના સુરક્ષા અધિકારીઓએ સ્પષ્ટતા કરવા નિવેદન જાહેર કર્યું હતું અને જણાવ્યું હતું કે “ઇનપુટની વિવિધ ક્વાર્ટરથી ચકાસણી કરવામાં આવી હતી, પરંતુ કંઈ સાબિત થઈ શક્યું નથી”.
તેમણે કહ્યું કે “જો કે, તૈનાત સુરક્ષા દળોને નાગરિકોના જીવન અને સંપત્તિની સુરક્ષા માટે હાઇ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. તમામ સમુદાયોને સુરક્ષાની ખાતરી આપવામાં આવે છે. તેમને સલાહ આપવામાં આવે છે કે તેઓ કોઈપણ અફવાઓ અથવા વણચકાસાયેલ માહિતી પર વિશ્વાસ ન કરે.”
Also Read –