બુદ્ધિની કસોટી ચઢાવ્યા વગરનો કોઈ અમલ જાયઝ ગણાય ખરો?
મુખ્બિરે ઈસ્લામ – અનવર વલિયાણી
ગયા અંકમાં આપણે તૌહીદ (એકેશ્ર્વરવાદ)ને સમજ્યા પછી શીર્કને સમજવું પણ અત્યંત જરૂરી બની રહેવા પામે છે. વેહદાનીયત એટલે એક અલ્લાહને સ્વીકાર્યા બાદ તેની જાત સાથે કોઈને શરીક કરીએ – કોઈને માનીએ તેને શીર્ક કહેવાય. કુરાન શરીફમાં સૃષ્ટિનો સર્જનહાર અલ્લાહતઆલા સખત શબ્દોમાં ફરમાવે છે, કે બીજા કોઈ પણ ગુનાહને તેની માફી ખરા દિલથી માગવામાં આવે તો હું માફ કરી શકું, પરંતુ આ શીર્કના ગુનાને કદી માફી નહીં કરું. તેની સજા કર્તાને ભોગવવી જ પડશે.
રોજિંદા વ્યવહારમાં જાણે અજાણ્યે બંદો કેટલીય ભૂલો કરતો હોય છે તેનો શાંતચિત્તે વિચાર કરીએ તો તેનો શીર્કની વ્યાખ્યામાં સમાવેશ થઈ શકે. આપણા ઘણા કામ બગડે છે અને સુધરે પણ છે. કામમાં સફળતા મળે તો એમ જ માનવું જોઈએ કે આ સફળતા અલ્લાહતઆલાના ફઝલો કરમથી મળી છે અને નિષ્ફળતા મળે તો ખુદાની મસ્લેહત (ભેદ) સમજીને તેની ઈચ્છા સાથે રાજી રહેવું જોઈએ.
મહાન પીરો, ઓલિયાઓની મઝાર મુબારક પર અકીદત (શ્રદ્ધા-આસ્થા)નાં ફૂલો ચઢાવવા, તેમની મઝાર શરીફની ઝિયારત કરવી આ કર્મ ઘણા સારા અને ઈચ્છનીય પણ છે, પરંતુ આવા મહાન બુઝુર્ગો (આલિમ, જ્ઞાનીઓ) અલ્લાહથી ઘણા નજીક હોય તેમના વસીલાથી ઈલાહી દરબારમાં આપણી મનોકામના સત્વરે કબૂલ થાય તેવી દુઆ માગવી ઓલિયાએ કીરામને પણ પસંદ છે. આવી માન્યતાથી હટીને કોઈ વ્યક્તિ અથવા સાધનને સફળતાનું માધ્યમ ગણે અથવા નિષ્ફળતા માટે જવાબદાર લેખે તો આવી સોચ શીર્કનું કારણ બની શકે. ઈસ્લામમાં બુદ્ધિની ક
સોટીએ ચઢાવ્યા વગરનો કોઈ અમલ જાયેઝ ન ગણાય.
સુજ્ઞ વાચકો! તૌહીદ (એકેશ્ર્વરવાદ)ને બુદ્ધિથી સમજો-કબૂલ કરો શીર્કથી બચો. ઈસ્લામનો બુનિયાદી સ્તંભ અલ્લાહ એક અને માત્ર અકેલો હોવાનો તથા તેની બરાબરીનો યા ચઢિયાતો કે ઉતરતો કોઈ જ નથી. તે ક્યાં નથી? અલ્લાહ સર્વત્ર છે. ‘કમાલ’સા’બની આ પંક્તિઓ મુજબ:-
શશીમાં તૂ, રવિમાં તૂ કવિની કલ્પનામાં તૂ વળી આકાશમાં, અવકાશમાં રહે છે હવામાં તૂ મનુજની માન્યતામાં, ભાવનામાં આસ્થામાં તૂ દુઆમાં, પ્રાર્થનામાં તૂ યતિની યાચનામાં તૂ વસતો પાનખરમાં તૂ પરિમલમાં છે પુષ્પોમાં, સુમનમાં તૂ છે ઉપવનમાં અને પ્રત્યેક લતામાં તૂ રગેરગમાં, અંગેઅંગમાં અને નખશિખ બદનમાં તૂ નયનમાં તૂ, વદનમાં તૂ અને પ્રત્યેક અદામાં તૂ તૂ ધખતા ધોમમાં છે વ્યોમમાં ને વીજળીમાં તૂ તૂ સાગરમાં, સરિતામાં, સરોવરમાં, ઝરામાં તૂ નથી કંઈ રવિ પર નિર્ભર ઘણું વ્યાપક છે તારું નૂર, કણેકણમાં છે રજકણમાં અને આખી ધરામાં તૂ ‘કમાલ’ મસ્જિદમાં શોધે, નમાઝો અઝામાં તૂ ખુદા દિલમાં રહે છે તૂ, વસે છે આત્મામાં તૂ
અલ્લાહતઆલા કુરાન શરીફમાં ફરમાવે છે કે, ‘શું તમે દેખતા નથી કે જે કાંઈ આકાશ અને જમીનમાં છે તે બધા જ અલ્લાહની પવિત્રતા વર્ણવી રહ્યા છે. અરે પંખ પ્રસારીને હવામાં ઊડતાં પંખીઓ પણ (તસ્બીહ કરે છે) તે દરેકને તેમની બંદગીની (અલ્લાહની ઉપાસનાની) અને પવિત્રતાની બોલીની જાણકારી છે.
આખરી પયગંબર હઝરત મુહંમદ સલ્લલ્લાહો અલયહે વસલ્લમ (સ.અ.વ)ને સંબોધીને અલ્લાહતઆલા કુરાન શરીફમાં ફરમાવે છે કે, ‘(હે નબી), તુ (તેઓને) કહી દે કે શું તમે અલ્લાહને છોડીને એવી વસ્તુની ઈબાદત કરો છો, જે તમારા લાભ કે નુકસાન પર મુદલ અધિકાર ધરાવતી નથી? અને અલ્લાહ જ મહાન સાંભળનાર અને જાણનાર છે.’
બીજી એક આયતમાં ફરમાવવામાં આવ્યું છે કે, ‘બેશક, અલ્લાહ એ વાત કદીય માફ નહીં કરે, કે તેની ઈબાદતમાં કોઈને શરીક (સામિલ) ગણવામાં આવે. તે સિવાય (એટલે કે શીર્કના ગુના સિવાય) અલ્લાહ જેને ચાહે તેને બક્ષી દેશે અને જેણે રબની સાથે બીજાને શરીક બનાવ્યો, તો તે સત્ય માર્ગથી રખડીને ઘણે દૂર ભટકી ગયો.’
‘અલબત્ત, જે શખસ પોતાનું વચન પાલન કરે અને (પાપકર્મથી) બચીને ચાલ્યો (એટલે અલ્લાહથી ડરીને ચાલ્યો) તો બેશક! એવા પરહેઝગારો (નિયમ પાળનારાઓ)ને અલ્લાહ પ્રિય રાખે છે.’
‘અને તેણે રાત તથા દિવસને તથા સૂર્ય-ચંદ્રને તમારા તાબે કરી દીધા (તમારા માટે કામે લગાડી દીધા) અને તારાઓ પણ તેનાજ હુકમથી કામે લાગેલા છે. બેશક, એમાં પણ તે લોકો માટે (તૌહીદ એટલે કે એકેશ્ર્વરવાદની) કેટલીક દલીલો છે, જે સમજે છે.’
- જાફરઅલી ઈ. વિરાણી
અલ્લાહ ક્યાં છે?
‘અમે તેમની ધોરી નસથીય નજદીક છીએ.’
(કુરાન ૫૦/૧૬)
રસુલે ખુદા ક્યાં છે?
‘રસુલે પાક તો મોમીનો માટે તેમની જાતથીય નજદીક છે.
(કુરાન ૩૩/૬)
સાપ્તાહિક સંદેશ:
પૂર્ણતાનો અતિ આગ્રહ ન રાખો. તેમાં તમારા સમય અને શક્તિ બંને વેડફાશે છતાં પૂર્ણતાને પામશો નહીં.
- હદીસ