China એ પ્રશાંત મહાસાગરમાં ICBM મિસાઇલનું કર્યું પરીક્ષણ, આ દેશોની ચિંતા વધી
બેજિંગ: ચીને(China) પ્રશાંત મહાસાગરમાં ઇન્ટરકોન્ટિનેન્ટલ મિસાઇલ (ICBM)નું પરીક્ષણ કર્યું છે. ચીને બુધવારે આ પરીક્ષણની જાણકારી આપી હતી. આ ઇન્ટરકોન્ટિનેન્ટલ મિસાઇલ અમેરિકા, તાઇવાન અને જાપાન માટે ખતરો બની શકે છે. મીડિયા અહેવાલ અનુસાર સંરક્ષણ મંત્રાલયના નિવેદનને ટાંકીને જણાવ્યું હતું કે ડમી હથિયાર લઇ જતી મિસાઈલ પીપલ્સ લિબરેશન આર્મીના રોકેટ ફોર્સ દ્વારા છોડવામાં આવી હતી.આ મિસાઈલ પ્રશાંત મહાસાગરમાં છોડવામાં આવી હતી.
મિસાઈલે લક્ષ્ય હાંસલ કર્યું
ચીને કહ્યું છે કે આ મિસાઈલ પરીક્ષણ દેશની વાર્ષિક તાલીમ યોજનાનો ભાગ હતો. તે કોઈ ચોક્કસ દેશ કે ટાર્ગેટ તરફ લક્ષિત નથી. ચીનના સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, મિસાઈલ પરીક્ષણમાં હથિયારના પ્રદર્શન અને સૈન્ય તાલીમની અસરકારકતાનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને તેના લક્ષ્યોને પ્રાપ્ત કર્યા હતા.
1989 પછી પ્રથમ વખત માહિતી આપવામાં આવી
ખાસ વાત એ છે કે 1989 પછી પહેલીવાર ચીને ICBMના સફળ વાતાવરણીય પરીક્ષણની જાણકારી આપી છે. ચાઇનીઝ ICBM નું પ્રથમ પરીક્ષણ મે 1980 માં થયું હતું અને ત્યારથી ચીનના મોટાભાગના પરમાણુ શસ્ત્રોના પરીક્ષણો ભૂગર્ભમાં કરવામાં આવ્યા છે.
આ દેશોની વધી શકે છે ચિંતા
ચીનના આ પગલાથી પરમાણુ હથિયારોને લઈને આંતરરાષ્ટ્રીય ચિંતામાં વધારો થવાની સંભાવના છે. બીજી તરફ, ચીનનું કહેવું છે કે તે પ્રથમ ઉપયોગ નહીં કરવાની નીતિને અનુસરે છે. તમને જણાવી દઈએ કે દક્ષિણ ચીન સાગરમાં ચીનનો અમેરિકા, જાપાન, ફિલિપાઈન્સ, તાઈવાન સહિત ઘણા દેશો સાથે વિવાદ ચાલી રહ્યો છે.
ચીન પાસે 500થી વધુ પરમાણુ શસ્ત્રો
રોઇટર્સ અનુસાર, ચીન પાસે 500 થી વધુ પરમાણુ હથિયારો છે. તેમાંથી લગભગ 350 ICBM છે. એવી અપેક્ષા છે કે 2030 સુધીમાં ચીન પાસે 1000 થી વધુ પરમાણુ શસ્ત્રો હશે. પેન્ટાગોને તેના રિપોર્ટમાં કહ્યું છે કે ચીનની સેના જમીન પર આધારિત ICBM માટે સેંકડો ગુપ્ત મિસાઇલોનું નિર્માણ કરી રહી છે.