ચાલો, જાણીએ મીઠી-મીઠી ચૉકલેટના લાભ ને ઈતિહાસ…
શું આપને ચૉકલેટ ભાવે છે? આવો પ્રશ્ર્ન કોઈ કરે તેની સાથે હકારમાં માથું અવશ્ય હલે. ચૉકલેટ નામ પડતાંની સાથે જ મોઢામાં પાણી છૂટવા લાગે. ચૉકલેટ વસ્તુ જ એવી છે, જે નાના-મોટા બધાને પ્રિય હોય છે. સંબંધોમાં મીઠાશ ભરી દે છે ચૉકલેટ! ચૉકલેટનો ઈતિહાસ ઘણો જ રસપ્રદ છે. તા. ૧૩મી સપ્ટેમ્બરનો દિવસ આંતરરાષ્ટ્રીય ચૉકલેટ દિવસ તરીકે ઊજવવામાં આવે છે. વિશ્ર્વની પ્રથમ ચૉકલેટ કંપનીના સ્થાપક મિલ્ટન એસ હર્સીસનો જન્મદિવસ તા. ૧૩મી સપ્ટેમ્બર છે. તેથી આ દિવસને મી.હર્સીસના સન્માનમાં નેશનલ ક્ધફેકશનર્સ એસોસિયેશન દ્વારા ‘ચૉકલેટ દિવસ’ તરીકે ઊજવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ચૉકલેટ એવી વાનગી છે જેનો ઉપયોગ કોઈપણ પ્રસંગે ઝટપટ કરી શકાય છે. તેનું મુખ્ય કારણ છે કોઈપણ વયની વ્યક્તિ તેનો આનંદ માણી શકે છે.
આ પણ વાંચો : વીમા સુરક્ષાકવચ: મેડિક્લેમ કે હેલ્થ ઈન્સ્યોરન્સ… શું છે તમારી પાસે?
ચૉકલેટનો ઈતિહાસ ઘણો જૂનો માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે ૧૬મી સદીમાં યુરોપમાં ચૉકલેટ બનાવવા માટે દૂધમાં ખાંડ તેમજ કૉકો પાઉડર ભેળવીને ખાવા માટે આપવામાં આવ્યું. જેનો સ્વાદ લોકોને પસંદ પડ્યો. ધીમે ધીમે દુનિયામાં તે ચૉકલેટ નામથી લોકપ્રિય બની. એવું પણ કહેવાય છે કે ચૉકલેટનો ઈતિહાસ ૨૫૦૦ વર્ષ જૂનો છે.
૨૦૦૦ વર્ષ પહેલાં ચૉકલેટમાં વપરાતાં કૉકો ફળની ઓળખ અમેરિકાના રેન ફોરેસ્ટમાં કરવામાં આવી હતી. થિઓબ્રામા કોકોઆ વૃક્ષના બીજથી તૈયાર કરવામાં આવે છે. તેની ખેતી મેક્સિકો, સેન્ટ્રલ અમેરિકા, દક્ષિણ અમેરિકાના ઉત્તરીય ભાગમાં મુખ્યત્વે કરવામાં આવતી. ધીમે ધીમે કોકોઆ વૃક્ષના બીજને પ્રવાહી સ્વરૂપમાં તૈયાર કરીને તેમાંથી ચૉકલેટ બનાવવામાં આવી .
શું ચૉકલેટ સ્વાદિષ્ટ હોવાની સાથે સ્વાસ્થ્યવર્ધક ગણાય છે ? તો જવાબ છે હા, તમિલનાડુ સ્થિત અન્નામલાઈ યુનિવર્સિટીમાંથી યોગમાં માસ્ટર્સની પદવી મેળવ્યા બાદ, આંતરરાષ્ટ્રીય યોગ એલાયન્સના ૫૦૦ કલાકની તાલીમ પૂર્ણ કરનાર ૧૦ વર્ષથી યોગ શીખવાડતાં યોગ શિક્ષક મૃણાલિની શિંદેનું કહેવું છે કે ચૉકલેટ ખાવાના અનેક લાભ છે. જેમ કે મનને પ્રસન્ન બનાવે છે. ત્વચાને ચમકદાર બનાવે છે.
ડિપ્રેશનને દૂર કરવાની સાથે હૃદયની તંદુરસ્તી માટે લાભદાયક છે. ચૉકલેટને યોગ્ય રીતે ખાવી જોઈએ. ભાવી એટલે દિવસની એક ચોકલેટ ખાઈ લીધી તેવું ના ચાલે. ડાર્ક ચૉકલેટ સ્વાસ્થ્ય માટે વધુ લાભદાયક ગણાય છે. કેમકે તેમાં ખાંડની માત્રા એકદમ ઓછી હોય છે.
ચૉકલેટના સ્વાસ્થ્યવર્ધક ગુણો:
ઍન્ટિ-ઑક્સિડન્ટથી ભરપૂર: શરીરમાં પૂરતી માત્રામાં ઍન્ટિ-ઓક્સિડન્ટ હોય તો કોશિકાને થતી ક્ષતિથી બચાવી શકાય છે. ઍન્ટિ-ઓક્સિડન્ટ મુખ્યત્વે ફળ તેમજ શાકભાજીમાં જોવા મળે છે. તેના સિવાય આ ગુણો ડાર્ક -ચૉકલેટમાં હોય છે. શરીરને સ્વસ્થ રાખવા માટે ઍન્ટિ-ઓક્સિડન્ટથી સમૃદ્ધ ડાર્ક ચૉકલેટનો ઉપયોગ પ્રમાણભાન રાખીને કરી શકાય છે.
માનસિક તાણને ઘટાડવામાં લાભકારી : સ્પર્ધાત્મક યુગમાં પ્રત્યેક વ્યક્તિ માનસિક તાણનો અનુભવ કરતી જ હોય છે. આવા સંજોગોમાં ડાર્ક ચૉકલેટનો એક નાનો ટુકડો ખાઈ લેવાથી શરીરમાં એનર્જીનો સંચાર થવા લાગે છે. શરીર આનંદિત બની જાય છે. તેનું મુખ્ય કારણ છે ચૉકલેટમાં રહેલું કૈફીન. જે માનસિક તાણ પેદા કરતાં હાર્મોનને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે.
ત્વચાને ચમકદાર રાખવામાં ગુણકારી : ચૉકલેટ ઍન્ટિ-ઓક્સિડન્ટની ભરપૂર હોય છે. વધતી વય સાથે ત્વચા ઉપર દેખાતાં લક્ષણોને તથા કરચલીને દૂર કરવામાં મદદ કરે છે. ચૉકલેટના ગુણોને કારણે, બજારમાં વિવિધ ઉત્પાદનો સરળતાથી મળી રહે છે. જેમ કે ચૉકલેટ બાથ, ચોકલેટ ફેસિયલ તથા ચોકલેટ વૈક્સ વગેરે.
બ્લડ પ્રેશર ઘટી જાય ત્યારે ગુણકારી : જેમને લૉ બ્લડ પ્રેશરની ફરિયાદ રહેતી હોય તેમને માટે ચૉકલેટ અત્યંત લાભદાયક ગણાય છે. બ્લડ પ્રેશર ઘટી જવાને કારણે વ્યક્તિને ચક્કર આવવાં, આંખે અંધારા આવવાં જેવી સમસ્યામાં ચૉકલેટ ઉપયોગી બને છે.
હૃદય સ્વસ્થ બને છે : એક શોધ પ્રમાણે નિયમિત -ચૉકલેટ ડ્રિંકનું સેવન કરવાથી હૃદય રોગની સંભાવના ઓછી થતી જાય છે. હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ મળે છે.
એનર્જી વધારે છે : ડાર્ક ચૉકલેટ કૉકો બીન્સથી બનાવવામાં આવે છે. જેને કોકોઆ તરીકે ઓળખવામાં આવે છે. જેનો ઉપયોગ શરીરને શક્તિ પ્રદાન કરે છે. તેથી જ ચૉકલેટ ખાઈ લીધા બાદ શરીરમાં સ્ફૂર્તિ આવે છે.
શરદી-ખાંસીમાં રાહત : ડાર્ક ચૉકલેટમાં થિયોબ્રોમાઈન નામક રાસાયણિક પદાર્થ સમાયેલો હોય છે. જે શ્ર્વસન તંત્ર સંબંધિત સમસ્યામાં પ્રભાવી રૂપે કામ કરી શકે છે. ડાર્ક ચૉકલેટમાં વિટામિન -સી તથા ફૈટી એસિડ હોય છે. જે શરદી-ખાંસીની તકલીફથી રાહત અપાવે છે. તેના સેવનથી ગળાની ખરાશમાં રાહત મળે છે.
કૅન્સરથી બચાવ માટે ગુણકારી: ડાર્ક ચૉકલેટમાં ઍન્ટિ-કૅન્સરના ગુણો હોય છે. વળી તેમાં ફ્લેવોનોઈડ રહેલું હોય છે. જે કૅન્સરથી બચાવમાં મદદ કરે છે. શરીરમાં કૅન્સરની કોશિકા વધતી રોકવામાં મદદ કરે છે.
ચૉકલેટ શબ્દનો અર્થ : ચૉકલેટ કૉકો વૃક્ષના બીજથી બને છે. જેને લેટિન ભાષામાં ‘થિયોબ્રામાં કાકાઓ’ ના નામથી ઓળખવામાં આવે છે. જે ગ્રીક શબ્દ ‘થિયો’ થી લેવામાં
આવ્યો છે. જેનો અર્થ થાય છે ભગવાન અને ‘બ્રોસી’ જેનો અર્થ થાય છે ભોજન. તેથી શાબ્દિક સંપૂર્ણ અર્થ જોઈએ તો એમ કહી શકાય ‘ભગવાનનું ભોજન’.
બજારમાં ચૉકલેટનો ઉપયોગ કરીને કૅક, બિસ્કિટ, મીઠાઈ વગેરે મળતી જ હોય છે.
આજે આપણે જાણી લઈએ ઘરે ચૉકલેટ બનાવવાની સરળ રીત
સામગ્રી : ૧ કપ કૉકૉઆ પાઉડર, ૧ કપ દળેલી ખાંડ, અડધો કપ મિલ્ક પાઉડર, ૨૦-૨૫ નંગ શેકેલા કાજુ બદામ. ૧ કપ માખણ. ૩-૪ ટીપાં વેનિલા ઍસેન્સ.
બનાવવાની રીત : સૌ પ્રથમ એક મોટા બાઉલમાં કૉકૉઆ પાઉડરને ચાળી લેવો. ત્યારબાદ દળેલી ખાંડને ચાળી લેવી. મિલ્ક પાઉડરને ચાળી લેવો. બધું એક બાજુ રાખવું. ડબલ બોઈલરની રીતથી માખણને ગરમ કરવું. (એક પહોળી કડાઈમાં પાણી ગરમ કરવું તેની ઉપર બીજા બાઉલમાં માખણને ગોઠવીને ધીમી આંચ ઉપર પીગાળી લેવું.) હવે ધીમે ધીમે ચાળીને તૈયાર કરેલી સામગ્રી ભેળવવી. શેકેલો સૂકો મેવો ભેળવવો. વેનિલા ઍસેન્સ ઉમેરી લેવું. બરાબર હલાવ્યા બાદ ચૉકલેટ મૉલ્ડમાં ગોઠવી દેવી. ફ્રિઝમાં ૧ કલાક માટે રાખવી. હળવે હાથે બહાર કાઢીને મીઠી મીઠી ચૉકલેટનો સ્વાદ માણવો.