“સનાતન ધર્મ એ જ એક માત્ર ધર્મ છે, બાકી…” યુપીના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથનું નિવેદન
ડીએમકેના નેતા ઉધયનિધિ સ્ટાલિન દ્વારા સનાતન ધર્મ પર કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણી બાદ રાજકારણ ગરમાયું હતું. હવે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે કહ્યું છે કે સનાતન ધર્મ એકમાત્ર ધર્મ છે અને બાકીના બધા સંપ્રદાયો અને પૂજા પદ્ધતિઓ છે. યોગીએ ‘શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞ’ કાર્યક્રમમાં આ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે સનાતન માનવતાનો ધર્મ છે અને જો તેના પર હુમલો થશે તો તે વિનાશ તરફ દોરી જશે અને સમગ્ર વિશ્વમાં માનવતા માટે સંકટ ઉભું થશે.
ગોરખપુરના ગોરખનાથ મંદિરમાં આયોજિત સાત દિવસીય ‘શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞ’ કાર્યક્રમના સમાપન દરમિયાન મુખ્ય પ્રધાન યોગીએ પોતાના સંબોધનમાં સનાતન ધર્મ વિશે મહત્વપૂર્ણ વાત કહી હતી. મુખ્ય પ્રધાન યોગીએ શ્રીમદ ભાગવતના સારને સમજવા અને તેની વિશાળતાને સમજવા માટે ખુલ્લી માનસિકતા રાખવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે ભાગવતની કથા અમર્યાદિત છે. તે દિવસો કે કલાકોમાં મર્યાદિત ન હોઈ શકે, તે અનંત છે અને ભક્તો તેમના જીવનમાં ભાગવતના સારને સતત આત્મસાત કરે છે.
આ પહેલા સોમવારે જ મુખ્ય પ્રધાન યોગીએ કહ્યું હતું કે દેશ અને સમાજની જરૂરિયાતો એક સંતની પ્રાથમિકતા છે.