મોંઘાદાટ શેમ્પુથી વાળ ધોવા છતાં પણ સ્કેલ્પમાં રહી જાય છે કચરો? અપનાવો આ ઉપાય
વાળને ધોવા માટે લોકો અવનવા શેમ્પુ વાપરતા હોય છે. અનેક લોકો અઠવાડિયામાં 2-3વાર વાળ ધોતા હોય છે. તો કેટલાક લોકો દરરોજ જ હેરવોશ કરતા હોય છે. માર્કેટમાં મળતા અલગ અલગ સામગ્રીઓ વાળા શેમ્પુ જોઇને પણ કન્ફ્યુઝ થઇ જવાય છે કે શું આ શેમ્પુ જોઇતું પરિણામ આપશે?
જો કે વાળના સારા સ્વાસ્થ્ય માટે વાળ ઉપરાંત સ્કેલ્પની સ્વચ્છતા પણ એટલી જ જરૂરી છે. જો મોંઘામાં મોંઘા શેમ્પુથી વાળ ધોવાઇ જતા હોય પરંતુ સ્કેલ્પની ગંદકી નીકળતી ન હોય તો કોઇ અર્થ નથી. ઉલટું શેમ્પુ પછી બરાબર વાળ ન ધોવાય તો તેનો જામી ગયેલો કચરો ડેન્ડ્રફ પેદા કરે છે. આવા સમયે ઘરની સાવ સામાન્ય ગણાતી કેટલીક વસ્તુઓનો ઉપયોગ કરવાથી સ્કેલ્પની ગંદકી દૂર કરવામાં મદદ મળે છે.
લીંબુનો રસ: સ્કેલ્પમાં જામેલો કચરો દૂર કરવા લીંબુનો રસ ફાયદાકારક છે. પરંતુ લીંબુનો રસ સીધો જ લગાવવો નહિ, કારણકે તેમાં રહેલા એસિડિક તત્વો સ્કેલ્પની ત્વચાને નુકસાન કરી શકે છે. લીંબુના રસને નારિયેળ તેલમાં મિક્સ કરીને લગાવવું જોઇએ જેનાથી ગંદકી સારી રીતે દૂર થઇ જશે અને વાળને પણ નુકસાન નહિ પહોંચે.
એલોવેરા જેલ: એલોવેરા જેલ તો વાળ અને ચહેરા બંનેની સુંદરતા વધારે છે. જેલને હાથમાં લઇ આંગળીના ટેરવાથી વાળમાં મસાજ કરવો. થોડો સમય રાખ્યા બાદ વાળ ધોઇ નાખવા.
એપલ સીડર વિનેગર: ડ્રાય શેમ્પૂનો ઉપયોગ કરવાને લીધે પણ સ્કેલ્પમાં બિલ્ડઅપ એટલે કે ગંદકી જામી જાય છે. આવા કિસ્સામાં એપલ સીડર વિનેગરથી વાળ ધોઇને આ સમસ્યા દૂર કરી શકાય છે. જો કે વિનેગરને પાણીમાં મિક્સ કરીને જ યુઝ કરવું જોઇએ. એક કપ પાણી લઇને તેમાં 2 ચમચી એપ્પલ વિનેગર નાંખીને મિક્સ કરી અને પછી તેનાથી વાળ ધોઇ લેવા.