કમળનું નિશાન હટાવી ચૂકેલા જવાહર ચાવડા હજુ પણ બાગી તેવરમાં : PM ને પત્ર
જુનાગઢ વિસ્તારના આહીર અગ્રણી અને રૂપાણી સરકારમાં કેબિનેટ મંત્રી રહેલા જવાહર પેથાલજી ચાવડાએ અગાઉ કેંદ્રીયમંત્રી અને પોરબંદરના સાંસદ ડો. મનસુખ માંડવિયા સામે બે બે હાથ કર્યા બાદ હવે જિલ્લા પ્રમુખ કિરીટ પટેલ સામે ગંભીર આક્ષેપનો મારો ચલાવ્યો છે. પૂર્વ મંત્રી જવાહર ચાવડાએ PMને પત્ર લખ્યો છે. તેમાં ભાજપનું કાર્યાલય ગેરકાયદે રીતે બન્યાનો આરોપ કરવા સાથે વડાપ્રધાનને પત્ર લખી હૈયા વરાળ ઠાલવી છે.
મૂળ કોંગ્રેસી રહેલા જવાહર ચાવડા વરસોથી માણાવદર બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાતા હતા. અચાનક જ કોંગ્રેસ છોડી તેઓ ભાજપમાં આવી ગયા અને પાર્ટીએ સરપાવ રૂપે મંત્રી બનાવી દીધા.
મુખ્યમંત્રી પદેથી વિજય ઋપાણીની બરખાસ્તગી બાદ ચાવડાનું મંત્રી પદ તો ગયું પણ પણ તેમના વખતના કોંગ્રેસનાં સહયોગી અરવિંદ લાડાણી પણ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાઈ જતાં જવાહર ચાવડાની ભાજ્પ્માથી ટિકિટ કપાઈ ગઈ. ચાવડા માટે તો ‘ના રહ્યા ઘરના કે ઘાટના ‘ જેવી સ્થિતિ સર્જાઈ, વિધાનસભા 2022 માં લાડાણીએ જવાહર ચાવડા વિરુદ્ધ ફરિયાદ કરીને કહ્યું કે, પાર્ટી વિરોધી પ્રવૃતિ કરી છે.
આપણ વાંચો: ધોરાજી-ઉપલેટામા મનસુખ માંડવિયા વિરુદ્ધ લાગ્યા પોસ્ટર, લલિત વસોયાએ ભાજપને આપ્યો આ જવાબ
આમ જુનાગઢ જિલ્લા ભાજપમાં જે ચરુ ઊકળી રહ્યો હતો તે જવાહર ચાવડા ના આરોપ પછી આ જૂનો વિવાદ ફરી સપાટી પર આવ્યો છે.
જવાહર ચાવડાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખી પૂર માટે પણ કિરીટ પટેલને જવાબદાર ઠેરવતા કહ્યું કે, છેલ્લા નવ વર્ષથી એક જ હોદ્દા પર અને સ્થાન પર રહી દુરુપયોગ કરે છે. આ અગાઉ સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારીયાના પ્રહારો સામે આવ્યા હતા. તેમાં પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડા સામે ગંભીર આક્ષેપ થયા હતા. દિનેશ ખટારીયાએ જણાવ્યું છે કે જવાહર ચાવડાએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી છે. તેમાં કમળ હટાવીને પોતે પક્ષ વિરોધી પ્રવૃત્તિ સાબિત કરી છે. તમે ચૂંટણીઓ હાર્યા ત્યારે તમારી લોકપ્રિયતા ક્યાં હતી. ?