સુરતમાં ગણપતિ વિસર્જન વેળા ટ્રેક્ટરના ટાયરમાં બ્લાસ્ટ – પ્રતિમા ખંડિત
આજે અનંત ચતુર્દશિ – ભગવાન ગણપતિના વિસર્જનનો દિવસ. લાગલગાટ નવ દિવસ ભગવાન ગણરાયાના પૂજન અર્ચન બાદ આજે ભાવભરી વિદાય દેશભરમાથી અપાઈ રહી છે ત્યારે સુરતમાં મોટી કરુણાંતિકા સર્જાતા રહી ગઈ તે પણ ગજાન્ન્દ્નો જ પા’ડ કે કોઈ જાનહાનિ નથી થઈ. સુરતમાં વિધ્નહર્તાની વિસર્જન યાત્રામાં જ વિઘ્ન નડ્યું હતું. સુરતના ભેસ્તાન વિસ્તારમાં આજે ગણેશ વિસર્જનના એક ટ્રેક્ટરનું ટાયર અચાનક ફાટી જતા ટ્રેક્ટર પલટી ખાઈ ગયું. જેના કારણે ટ્રેક્ટરમાં લઈ જવાતી વિશાળકાય ગણેશજીની પ્રતિમા રસ્તા પર પડતા ખંડિત થઈ ગઈ હતી. જેના કારણે અનેક ગણેશ ભક્તો દુઃખી થયાં હતાં.
વિસર્જન વિઘ્ન
સુરત શહેરમાં આજે વહેલી સવારથી જ ગણેશજીની વિસર્જન યાત્રા શરૂ કરવામાં આવી છે. શહેરના ભાગળ વિસ્તારમાં ગણેશજીની વિસર્જન યાત્રામાં નાનકડું વિઘ્ન નડ્યું હતું. ત્યારબાદ ભેસ્તાન વિસ્તારમાં પણ એક ગણેશ મંડળ દ્વારા વિસર્જન યાત્રા કરવામાં આવી હતી, જેનો અકસ્માત થયો હતો.
ટ્રેક્ટરનું ટાયર બ્લાસ્ટ
ભેસ્તાનના ભૈરવ નગરમાં પૂર્વ કોર્પોરેટરની સોસાયટીમાંથી આજે ગણેશ વિસર્જન યાત્રા કાઢવામાં આવી હતી. આ યાત્રા ભેસ્તાન ભૈરવ નગર રોડ પર પહોંચી હતી ત્યારે અચાનક ટ્રેક્ટરના ટાયરમાં બ્લાસ્ટ થયો હતો. ચાલુ ટ્રેક્ટરમાં ટાયર ફાટી જતા ટ્રેક્ટર પલટી ખાઈ ગયું હતું અને ટ્રેક્ટરમાં મૂકેલી ગણેશજીની પ્રતિમા પણ રસ્તા પર પડીને તૂટી ગઈ હતી.
રસ્તામાં જ ખંડિત થઈ ગઈ મૂર્તિ
દસ દિવસની પૂજા બાદ ગણેશજીની મૂર્તિ રસ્તામાં જ ખંડિત થઈ જતા ગણેશ ભક્તો ભારે દુઃખી થયા હતા. ત્યારબાદ આ પ્રતિમાને કૃત્રિમ તળાવ ખાતે લઈ જવામાં આવી હતી. જ્યાં પ્રતિકાત્મક વિસર્જન કરાયા બાદ વિસર્જન માટે દરિયાએ લઈ જવામાં આવી હતી. ગણેશજીની વિશાળકાય પ્રતિમા ખંડિત થતાં ગણેશ ભક્તોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.