આંધ્રપ્રદેશની ચંદ્રાબાબુ નાયડુ સરકારે મુંબઈની જાણીતી અભિનેત્રી-મૉડલ કાદમ્બરી જેઠવાનીના ઉત્પીડનના કેસમાં 3 આઈપીએસ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે. ત્રણેય અધિકારીઓ પર અભિનેત્રીની વિરુદ્ધ નોંધાયેલા કેસની તપાસ કર્યા વિના જ તેની ધરપકડ કરવાનો તેમ જ તેને અને તેના પરિવારને હેરાન કરવાનો આરોપ છે. જેઠવાણીએ ફિલ્મ નિર્માતા અને YSR કોંગ્રેસના રાજકીય નેતા પર કથિત રીતે ઉત્પીડનનો આરોપ લગાવ્યા બાદ ત્રણેનું સસ્પેન્શન કરવામાં આવ્યું છે.
તપાસમાં ત્રણેય વિરુદ્ધ અભિનેત્રીને હેરાન કરવાના આરોપો સાબિત થયા હતા, જેના કારણે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ત્રણેય અધિકારીઓ ડીજી રેન્કના અધિકારી છે.
28 વર્ષની મોડલ-અભિનેત્રી કાદમ્બરી જેઠવાણીએ અમદાવાદની શાળામાં અભ્યાસ કર્યો છે અને ભરતનાટ્યમમાં વિશારદની ડિગ્રી પણ મેળવી છે. તે તેની માતાની મુંબઇમાં ટ્રાન્સફર થયા બાદ તેની સાથે જ મુંબઇ આવી હતી. અહીં એક નિર્દેશક સાથે તેની મુલાકાત થઇ હતી અને તેને હિન્દી ફિલ્મ ‘સદ્દા અદ્દા’ માં ડેબ્યુ કરવાની તક મળી હતી. બાદમાં તેણે કન્નડ, તેલુગુ, મલયાલમ અને પંજાબી ફિલ્મોમાં પણ નસીબ અજમાવ્યું હતું, જેમાં ઓઈજા (કન્નડ), આતા (તેલુગુ), આઈ લવ મી (મલયાલમ) અને ઓહ યારા આઈન્વાઈ ઈનવાઈ લૂટ ગયા (પંજાબી)નો સમાવેશ થાય છે.
સસ્પેન્ડ કરાયેલા IPS અધિકારીઓમાંથી એક પર આરોપ છે કે તેમણે ઔપચારિક રીતે ગુનો નોંધવામાં આવે તે પહેલાં જ પોતાના પદનો દુરુપયોગ કર્યો અને જેઠવાણીની ધરપકડ માટે આદેશ આપ્યા હતા. એવો આરોપ છે કે તેમણે અન્ય અધિકારીઓને અભિનેત્રીને અટકાયતમાં લેવાનો નિર્દેશ આપ્યો હતો. આવી ગંભીર ગેરવર્તણૂક અને સત્તાના દુરુપયોગના આરોપો બાદ તેમનું સસ્પેન્શન કરવામાં આવ્યું હતું.
જેઠવાણીએ આક્ષેપ કર્યો હતો કે એક વગદાર રાજકીય નેતા-ફિલ્મ નિર્માતાએ તેની અને તેના પરિવાર વિરુદ્ધ છેતરપિંડી અને બનાવટીનો કેસ દાખલ કર્યો ત્યારે તેની મુશ્કેલીઓ શરૂ થઈ હતી. તેણે અભિનેત્રી પર ગેરકાયદેસર રીતે જમીન સંપાદન કરવા માટે ખોટા દસ્તાવેજો બનાવવા અને તેની પાસેથી 5 લાખ રૂપિયા પડાવવાનો આરોપ લગાવ્યો હતો. આ આરોપો બાદ જેઠવાણી અને તેના માતા-પિતા વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. આ આરોપો પર કાર્યવાહી કરતા, પોલીસની એક ટીમ મુંબઈ પહોંચી હતી અને જેઠવાણીના પરિવારની ધરપકડ કરી તેમને વિજયવાડા લઈ આવી હતી, જ્યાં તેમને કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા. જોકે, આખરે તેમને જામીન પર છોડવામાં આવ્યા હતા. જેઠવાણીએ તેના પર લગાવવામાં આવેલા આરોપોને નકારી કાઢતા તેને બદલાની નીતિ ગણાવી હતી.
નોંધનીય છે કે જેઠવાણીના પિતા, એક નિવૃત્ત સૈન્ય અધિકારી છે અને તેની માતા ભારતીય રિઝર્વ બેંકના નિવૃત્ત સહાયક મેનેજર છે. તેમની બંનેની ધરપકડ કરવામાં આવી હતી અને તેમની વરિષ્ઠતાને યોગ્ય માન આપ્યા વિના તેમની સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું. અભિનેત્રીના આક્ષેપોએ કાયદાના અમલીકરણની ક્રિયાઓમાં રાજકીય પ્રભાવની ભૂમિકા અંગે ચિંતાઓ ઉભી કરી છે અને જેઠવાણીએ આ કેસની નિષ્પક્ષ તપાસની માંગ કરી છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને