Alert: ગણેશોત્સવ દરમિયાન ‘આ’ સમસ્યામાં થયો વધારો, નિષ્ણાતોએ આપી ચેતવણી
મુંબઈઃ બાળકોથી લઈને પુખ્ત વયના તમામ વય જૂથના નાગરિકોમાં સાંભળવાની અને શ્વાસ લેવામાં તકલીફ વધી છે. ગણેશોત્સવ દરમિયાન કાન ફાડી નાખે તેવા અવાજને કારણે, આગમન સમારોહ, વિસર્જન સમારોહ અને શોભાયાત્રા દરમિયાન ફટાકડા ફોડવાને કારણે સાંભળવામાં તકલીફો વધી રહી છે અને શ્વાસની તકલીફ વધી રહી છે.
આવી સમસ્યાઓથી પીડિત હોસ્પિટલની મુલાકાત લેતા આઠ દર્દીઓમાંથી ચાર વરિષ્ઠ નાગરિકો, બે પુખ્ત વયના અને બે યુવાનો છે. એ જ રીતે, ફટાકડામાંથી છોડવામાં આવતા રસાયણોને શ્વાસમાં લેવાથી લોકોમાં શ્વાસનળીનો સોજો અને અસ્થમા જેવી શ્વસન સમસ્યાઓ થઈ શકે છે, એવી પણ નિષ્ણાતોએ ચેતવણી આપી હતી.
તહેવાર દરમિયાન મોટા અવાજને કારણે સાંભળવામાં તકલીફ ઉભી થાય છે. આનાથી સાંભળવામાં, શબ્દોનો ખોટો અર્થ કાઢવામાં અથવા મોટેથી ગીતો અને વીડિયોનો આનંદ માણવામાં બાધા જેવી સમસ્યાઓ થઈ શકે છે.
આપણ વાંચો: ગણેશોત્સવમાં અંબાણી પરિવારે મહેમાનોને Return Giftમાં આપી આ ખાસ વસ્તુ…
કાનની અંદરની કોશિકાઓને નુકસાન થવાથી સાંભળવાની કામચલાઉ અથવા કાયમી ખામી થઈ શકે છે. કેટલાક લોકો કાનમાં સતત રિંગિંગ, બઝિંગ અથવા સિસોટીના અવાજો અનુભવે છે જેને ટિનીટસ તરીકે ઓળખવામાં આવે છે.
સામાન્ય રીતે, ૮૦ ડેસિબલ સુધીનો અવાજ સહન થઇ શકે છે, પરંતુ ૧૦૦ થી ૧૨૦ ડેસિબલનો અવાજ કાનને નુકસાન પહોંચાડી શકે છે. અલબત્ત, ઘોંઘાટ ખુલ્લા મેદાનમાં છે કે સાંકડી ગલીમાં છે, અને અવાજ કેટલા સમય સુધી સહન કરવો પડે છે, તેના આધારે સાંભળવા પર કેટલી અસર થાય છે, તેનો વિચાર કરવો પડે તેમ જે. જે. હોસ્પિટલના કાન-નાક-ગળા વિભાગના વડા ડો.શ્રીનિવાસ ચવ્હાણે જણાવ્યું હતું.
તેમણે કહ્યું હતું કે બંધ રૂમમાં ૮૦ ડેસિબલ પણ સાંભળવા પર અસર કરી શકે છે. ડૉ. ચવ્હાણે જણાવ્યું હતું કે, ગણેશ મંડળોએ ડીજે વગાડતી વખતે યોગ્ય કાળજી લેવી જોઈએ અને ઓછામાં ઓછા સ્પીકરો ઉંચા મુકવામાં આવે તો લોકોને તેનાથી ઓછી પરેશાની થશે. તેમણે એમ પણ કહ્યું કે ભારે ઘોંઘાટભર્યા અવાજની સાંભળવા પર ચોક્કસ અસર થાય છે.