ઓડિશામાં ત્રણ અલગ અલગ અકસ્માતમાં છનાં મોત, 11 ઘાયલ
બારીપાડા/બોલાંગીરઃ ઓડિશામાં ત્રણ અલગ-અલગ માર્ગ અકસ્માતમાં ઓછામાં ઓછા છ લોકોના મોત અને ૧૧ લોકો ઘાયલ થયા હતા. આ જાણકારી રવિવારે પોલીસે આપી હતી. એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર બોલાંગીર જિલ્લાના મધ્યાપાલી નજીક નેશનલ હાઇવે ૨૬ પર રવિવારે સવારે એક વાહન અને મોટરસાઇકલ વચ્ચેની અથડામણમાં બે લોકોના મોત થયા હતા.
સ્થાનિક લોકોએ બંનેને લોહીથી લથપથ જોતા તુરંત પોલીસને જાણ કરી હતી. બંનેને બોલાંગીર ભીમા ભોઇ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. અધિકારીએ કહ્યું કે હજુ સુધી મૃતકોની ઓળખ થઇ નથી, પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.
આપણ વાંચો: મહારાષ્ટ્રમાં ધુળે અને પુણેમાં બે માર્ગ અકસ્માતમાં આઠ લોકોના મોત
મયૂરભંજ જિલ્લામાં શનિવારે મોડી રાત્રે બે અલગ-અલગ અકસ્માતોમાં ૪ લોકોના મોત થયા હતા અને ૧૧ લોકો ઘાયલ થયા હતા. પોલીસે જણાવ્યું કે મોટરસાઇકલ પર સવાર બે લોકો એક ટ્રક સાથે અથડાયા હતા અને ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા.
અન્ય એક અધિકારીએ જણાવ્યું કે બીજા એક અકસ્માતમાં પૂરપાટ ઝડપે ૧૩ લોકોને લઇને જતી એક કાર બારીપાડા-લુલુંગ રોડ પર ખાસાડીહા પાસે રસ્તાની બાજુના ઝાડ સાથે અથડાઇ હતી.
જેમાં ડ્રાઇવર અને એક મુસાફરના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા હતા. જ્યારે ઘાયલ મુસાફરોને બારીપાડાની પીઆરએમ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અધિકારીએ જણાવ્યું કે જિલ્લા પોલીસે બે કેસ નોંધ્યા છે અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.