વેપાર

સોયાબીનના ભાવ ટેકાના કરતાં નીચી સપાટીએ છતાં ઑગસ્ટમાં સોયાતેલની આયાત મોસમની ટોચ પર

નવી દિલ્હી: સ્થાનિકમાં સોયાબીનના ભાવ લઘુતમ ટેકાના ભાવ કરતાં નીચી સપાટીએ પ્રવર્તી રહ્યા હોવા છતાં ગત ઑગસ્ટ મહિનામાં દેશમાં ક્રૂડ સોયાબીન તેલની આયાત વર્તમાન તેલ મોસમની સર્વોચ્ચ ૪,૫૪,૬૩૯ ટનની સપાટીએ રહ્યા હોવાનું સ્થાનિક ઔદ્યોગિક સંગઠન સોલ્વન્ટ એક્સ્ટ્રેક્ટર્સ એસોસિયેશને તાજેતરમાં સંકલિત કરેલી આંકડાકીય માહિતીમાં જણાવ્યું છે.

એસોસિયેશનના જણાવ્યાનુસાર ગત ઑગસ્ટ, ૨૦૨૩માં દેશમાં ક્રૂડ સોયાબીન તેલની આયાત ૩,૫૭,૮૯૦ ટનના સ્તરે રહી હતી. જોકે, ગત ઑગસ્ટમાં ક્રૂડ સોયાબીન તેલની આયાત વધવાને કારણે કુલ વનસ્પતિ તેલની આયાતમાં પામ સિવાયના તેલની આયાતનો હિસ્સો વધીને ૪૮ ટકાની સપાટીએ પહોંચ્યો હતો.

એકંદરે સ્થાનિકમાં સોયાબીનના ભાવ ટેકાના ભાવ કરતાં પણ નીચે પહોંચ્યા છે અને આગામી થોડા સપ્તાહમાં સોયાબીનની નવી આવકો શરૂ થતાં ખેડૂતોની આવકમાં પણ ઘટાડો થવાની ભીતિ સપાટી પર આવતા ક્રૂડ સોયાબીન તેલની આયાતમાં વધારો જોવા મળ્યો છે.

આથી એસોસિયેશને સરકારને મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને કર્ણાટક રાજ્યમાં ટેકાના ભાવથી સોયાબીનની ખરીદી માટે અનુરોધ કર્યો છે. તેમ જ આ સમસ્યાનો સચોટ ઉપાય ક્રૂડ અને રિફાઈન્ડ ખાદ્યતેલ પરની આયાત જકાત વધારીને ૨૦થી ૨૫ ટકા કરવાનો છે, એમ ઉમેર્યું છે.

જો આયાત જકાતમાં વધારો કરવામાં આવશે તો ખેડૂતોને તેના ઉત્પાદનોના ભાવ ટેકાના ભાવ કરતાં ઊંચી સપાટીએ પ્રવર્તતા વળતરદાયી ભાવ મળશે અને સરકારને પણ પ્રાપ્તિ કરવાની આવશ્યકતા નહીં રહે એમ એસોસિયેશને યાદીમાં ઉમેર્યું હતું.

વધુમાં ઔદ્યોગિક સંગઠને નોંધ્યું હતું કે છેલ્લા બે મહિનામાં એક્સ મંડી ધોરણે સોયાબીનના ભાવ ટેકાના ક્વિન્ટલદીઠ રૂ. ૪૮૯૨ના ભાવ કરતાં રૂ. ૫૦૦થી ૬૦૦ નીચા પ્રવર્તી રહ્યા હોવાથી ખેડૂતો ચિંતિત છે.

જોકે, ગત ઑગસ્ટ મહિનામાં કુલ વનસ્પતિ તેલની આયાત ઑગસ્ટ, ૨૦૨૩ના ૧૮.૬૬ લાખ ટન સામે ઘટીને ૧૫.૬૩ લાખ ટનના સ્તરે રહી છે. જેમાં પામતેલ સિવાયની આયાતમાં ક્રૂડ સનફ્લાવર તેલની આયાત ૨૨.૩૪ ટકા ઘટીને ૨.૮૪ લાખ ટન (૩.૬૫ લાખ ટન)ના સ્તરે રહી હતી. જ્યારે કુલ વનસ્પતિ તેલની આયાત પૈકી બાવન ટકા જેટલો બહોળો હિસ્સો ધરાવતા પામતેલની આયાત ૨૯.૩૨ ટકા ઘટીને ૭.૯૭ લાખ ટન (૧૧.૨૮ લાખ ટન)ના સ્તરે રહી હતી. તેમ જ ગત નવેમ્બર મહિનાથી શરૂ થયેલી વર્તમાન તેલ મોસમના પહેલા ૧૦ મહિનામાં કુલ વનસ્પતિ તેલની આયાત ગત સાલના સમાનગાળાના ૧૯૨.૪૧ લાખ ટન સામે ૧૬ ટકા ઘટીને ૧૬૧.૦૮ લાખ ટનના સ્તરે રહી હોવાનું એસોસિયેશને યાદીમાં જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button