નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારે એક મોટો નિર્ણય લેતા ખાદ્ય તેલ પરની કસ્ટમ ડ્યુટી વધારી દીધી છે. આ વધારો સનફ્લાવર ઓઈલ, પામ ઓઈલ અને સોયાબીન ઓઈલ પર કરવામાં આવ્યો છે. સરકારી નોટિફિકેશન અનુસાર ક્રૂડ ખાદ્ય તેલ પર કસ્ટમ ડ્યૂટી શૂન્યથી વધારીને 20 ટકા કરી દેવામાં આવી છે, જ્યારે રિફાઈન્ડ ઓઈલ પર કસ્ટમ ડ્યૂટી હવે વધારીને 32.5 ટકા કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે સરકારે ક્રૂડ અને રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ, પામ ઓઇલ અને સોયાબિન ઓઇલ માટે બેઝિક કસ્ટમ ડ્યુટી વધારીને 20 ટકા અને 32.5 ટકા કરી છે. કસ્ટમ ડ્યુટીમાં ફેરફાર બાદ નવા દરો આજથી એટલે કે 14 સપ્ટેમ્બર, 2024થી લાગુ કરવામાં આવ્યા છે. ક્રુડ પર બેઝિક કસ્ટમ્સ ડ્યુટી 0-20 ટકા છે અને રિફાઇન્ડ ઓઇલ પર કસ્ટમ્સ ડ્યુટી 12.5થી 32.5 ટકા છે.
બેઝિક કસ્ટમ્સ ડ્યુટીમાં વધારા બાદ હવે ક્રુડ ઓઇલ અને રિફાઇન્ડ ઓઇલ પરની ડ્યુટી અનુક્રમે 5.5 ટકા વધીને 27.5 ટકા અને 13.75 ટકાથી વધીને 35.75 ટકા થશે.
ખાદ્યતેલ પર કસ્ટમ ડ્યુટી વધારવાની સાથે સરકારે વધુ એક મોટો નિર્ણય લઈને કાંદાના ખેડૂતોને રાહતના સમાચાર આપ્યા છે. મોદી સરકારે કાંદાની લઘુત્તમ નિકાસ કિંમત હટાવી દીધી છે. આ સિવાય કાંદા પરની નિકાસ ડ્યુટી 40 ટકાથી ઘટાડી 20 ટકા કરવામાં આવી છે. છેલ્લા કેટલાક દિવસોથી કાંદાના ભાવમાં સતત વધારો થઇ રહ્યો હતો. હવે સરકારના આ પગલાની અસર કાંદાના ભાવો પર જોવા મળી શકે છે અને તેના ભાવ ઘટી શકે છે.
આ અંગે ડિરેક્ટોરેટ જનરલ ઑફ ફોરેન ટ્રેડ (DGFT)એ એક નોટિફિકેશન બહાર પાડીને કહ્યું છે કે ડુંગળીની નિકાસ પરની લઘુત્તમ નિકાસ કિંમત (MEP)ને આગામી આદેશો સુધી હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ડુંગળી ઉપરાંત સરકારે બાસમતી ચોખાની નિકાસ પરની લઘુત્તમ નિકાસ કિંમત પણ હટાવી દીધી છે.
રિપોર્ટમાં એક સરકારી અધિકારીને ટાંકીને કહેવામાં આવ્યું છે કે ખાદ્ય તેલ પર કસ્ટમ ડ્યૂટી વધારવાના સરકારના આ નિર્ણયથી ખેડૂતોને ઘણો ફાયદો થશે, કારણ કે તેનાથી તેમની આવકમાં વધારો થશે. તેમણે એમ પણ કહ્યું હતું કે બાસમતી ચોખા અને ડુંગળીમાંથી લઘુત્તમ નિકાસ કિંમત હટાવવાનો નિર્ણય પણ ખેડૂતોના હિતમાં લેવામાં આવ્યો છે અને તેનાથી દેશના ખેડૂતોને પણ મદદ મળશે.
Taboola Feed