તોફાની તેજી: શેરબજાર નવી વિક્રમી ઊંચી સપાટીએ, રોકાણકારોની મતામાં ₹ ૫.૬૦ લાખ કરોડનો ઉછાળો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકાના ઇન્ફ્લેશન ડેટા અપેક્ષા અનુસાર આવાયા બાદ ફેડરલ રિઝર્વ પણ અપેક્ષા અનુસાર વ્યાજદરમાં ૨૫ બેસિસ પોઇન્ટનો ઘટાડો કરશે એવી આશા વચ્ચે વૈશ્ર્વિક ઇક્વિટી બજારોમાં આવેલા ઉછાળા અને વિદેશી ભંડોળના પ્રવાહમાં વધારો થવાની અપેક્ષા વચ્ચે ઇન્ડેક્સ હેવીવેઇટ શેરોમાં નીકળેલી લેવાલીના ટેકે નિફ્ટી જીવનકાળની ટોચે સ્થિર થયો હતો. એ જ સાથે બેન્ચમાર્ક સેન્સેક્સ ૧૪૪૦ પોઇન્ટની જોરદાર છલાંગ સાથે ગુરુવારે પ્રથમ વખત ઐતિહાસિક ૮૩,૦૦૦ની સપાટીએ પહોંચ્યો હતો.
સેન્સેક્સને ઇતિહાસમાં પ્રથમ વખત ૮૩,૦૦૦ના સ્તરે પહોંચાડનારી તેજી ખાસ કરીને સત્રના છેલ્લા કલાકમાં જોવા મળી હતી અને પરિણામે બેરોમીટર ૧,૫૯૩.૦૩ પોઈન્ટ અથવા ૧.૯૫ ટકા વધીને ૮૩,૧૧૬.૧૯ ના જીવનકાળની ઈન્ટ્રા-ડે ટોચે પહોંચ્યો હતો. સત્રને અંતે ઈન્ડેક્સ ૧,૪૩૯.૫૫ પોઈન્ટ અથવા ૧.૭૭ ટકા વધીને ૮૨,૯૬૨.૭૧ની વિક્રમી સપાટીએ બંધ રહ્યો હતો. રોકાણકારોની મતામાં આ સત્રમાં લગભગ રૂપિયા ૫.૬૦ લાખ કરોડનો ઉમેરો થયો છે.
એ જ રીતે, એનએસઇનો બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી ૪૭૦.૪૫ પોઈન્ટ અથવા ૧.૮૯ ટકા વધીને ૨૫,૩૮૮.૯૦ પોઇન્ટની વિક્રમી સપાટીએ બંધ રહ્યો હતો. બેન્ચમાર્ક ૫૧૪.૯ પોઇન્ટ અથવા ૨ ટકાના ઉછાળા સાથે તેની ૨૫,૪૩૩.૩૫ પોઇન્ટની તાજી ઓલ-ટાઇમ ઇન્ટ્રા-ડે હાઇ સપાટી પર પહોંચ્યો હતો.
આ ઉપરાંત આ સત્રની તેજીની બદોલત સપ્ટેમ્બરમાં નિફ્ટી-ફીફ્ટી બેન્ચમાર્ક ૦.૭ ટકાના અને સેન્સેક્સ સમાન સમયગાળા દરમિયાન ૦.૮ ટકાના સુધારા સાથે, માસિક ધોરણે બંને સૂચકાંકોને સકારાત્મક ઝોનમાં જાળવ્યા છે.
ભારતીય શેરબજારે સત્રના અંતિમ કલાકમાં વેગ પકડ્યો હતો અને મુખ્ય બેન્ચમાર્કને નવી ઐતિહાસિક ઊંચાઈ તરફ ધકેલી દીધા હતા. આ તેજીમાં બૅંન્કિંગ અને આઇટી ક્ષેત્રના શેરોએ આગેવાની લીધી હતી, જેમાં ઓટો સેક્ટરના શેરોના સુધારાએ પણ બેન્ચમાર્કને નવી ઊંચી સપાટી તરફ લઇ જવામાં ભૂમિકા ભજવી હતી.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ભારતી એરટેલ, એચડીએફસી બેન્ક, ઇન્ફોસિસ અને આઇસીઆઇસીઆઇ બેન્ક જેવા હેવીવેઇટ શેરોએ નિફ્ટી ૫૦માં સામૂહિક રીતે ૧૭૧ પોઇન્ટનો ઉમેરો કર્યો હતો, જે આજે તેના કુલ ઉછાળામાં ૩૮ ટકાથી વધું હિસ્સો ધરાવે છે. આ ઇન્ડેક્સ માટે આ મહિને બીજી વિક્રમી ઊંચી સપાટી છે.
ઈન્ડેક્સના ૫૦ ઘટકોમાંથી, ૪૯ શેર ગ્રીન ઝોનમાં બંધ થયા હતા, જેમાં હિન્દાલ્કોનો શેર ૪.૫ ટકાના વધારા સાથે ગેનર્સની યાદીમાં આગળ રહ્યો છે. ત્યારબાદ ભારતી એરટેલ, એનટીપીસી, શ્રીરામ ફાઇનાન્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, જેએસડબલ્યુ સ્ટીલ, આઇશર મોટર્સ, ઓએનજીસી, અદાણી પોર્ટ્સ એન્ડ એસઇઝેડ, વિપ્રો અને ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝે ત્રણથી ૪.૫ ટકાની વચ્ચેનો વધારો નોંધાવ્યો હતો.
બજારના સાધનોએ જણાવ્યું હતું કે, યુએસ બોન્ડ યીલ્ડમાં ઘટાડો અને આગામી સપ્તાહની પોલિસી મીટિંગમાં યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા રેટ કટની અપેક્ષાએ ભારે આશાવાદને વેગ આપ્યો હતો. જો કે યુએસ સીપીઆઈ ડેટા આક્રમક રેટ કટ માટે પ્રેરક બની શકે એવા નથી પરંતુ, તાજેતરના આર્થિક રીડિંગ્સ દર્શાવે છે કે અર્થતંત્ર આગળ જતાં પડકારોનો સામનો કરી શકે છે અને તેથી ફેડરલ રીજર્વ રેટ કટ માટે આગળ વધી શકે છે.
અગ્રણી મ્યુચ્યુઅલ ફંડના રિસર્ચ સ્ટ્રેટેજિસ્ટે જણાવ્યું હતું કે, સ્થાનિક બજારોમાં અતિશય ઊંચા મૂલ્યાંકનની ચિંતા છતાં રીટેલ મનીનો પ્રવાહ ચાલુ રહ્યો હોવાથી એવું જણાઇ રહ્યું છે કે, રોકાણકારો ધીમી ગતિમાં સપડાઇ ગયેલી વૈશ્ર્વિક અર્થવ્યવસ્થામાં ભારતના સ્થિતિસ્થાપક અર્થતંત્ર વિશે ઉત્સાહિત છે.
ટેકનિકલી રીતે, નિફ્ટી ૨૫૨૦૦ની ઉપર બંધ થવો એ સારો સંકેત છે અને આગામી પ્રતિકાર ૨૫૫૮૦ની ઉપર છે. સપ્ટેમ્બરના અંત સુધીમાં નિફ્ટી ૨૫૬૦૦-૨૫૭૦૦ના સ્તરની રેન્જમાં પહોંચી શકે એવી ભારે સંભાવના છે.
સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં એકમાત્ર નેસ્લે ૦.૦૯ ટકા ઘટ્યો હતો, બાકીના ૨૯ શેરો વધ્યા હતા, જેમાં મુખ્યત્વે ભારતી એરટેલ ૪.૩૬ ટકા, એનટીપીસી ૩.૮૭ ટકા, મહિન્દ્ર એન્જ મહિન્દ્ર ૩.૩૬ ટકા, જેએસડબ્લ્યુ સ્ટીલ ૩.૦૬ ટકા, અદાણી પોર્ટ ૨.૯૪ ટકા, સ્ટેટ બેન્ક ૨.૫૭ ટકા, ટેક મહિન્દ્ર ૨.૪૪ ટકા, તાતા સ્ટીલ ૨.૪૩ ટકા, લાર્સન ૨.૪૩ ટકા, અને કોટક બેન્ક ૨.૦૮ ટકા વધ્યા હતા.