તમે ઇફ્તાર પાર્ટી આપતા તેનું શું?…PMના ગણેશદર્શનનો મહાયુતિનો બચાવ…
વડા પ્રધાન નરેન્દ્ર મોદી દેશના ચીફ જસ્ટિસ ડી.વાય.ચંદ્રચુડના ઘરે ભગવાન શ્રી ગણેશના દર્શન કરવા ગયા તેના ઉપર હવે મહારાષ્ટ્રમાં રાજકારણ શરૂ થઇ ગયું છે અને ઉદ્ધવ ઠાકરે જૂથના રાજ્યસભા સાંસદ સંજય રાઉત સહિતના વિપક્ષના નેતાઓએ આ મુદ્દે ટીકા કરી હતી. ક્રોનોલોજી સમજો છો ને તમે, એવા ટ્વીટ કરીને નરેન્દ્ર મોદીની સીજેઆઇના ગણપતિના દર્શન માટેની મુલાકાતની ટીકા કરવામાં આવી હતી.
જોકે ભાજપ તેમ જ મહાયુતિના સાથી પક્ષોના નેતાઓએ પણ આ મુદ્દે વિપક્ષ પર વળતો પ્રહાર કરી તેમને સવાલો પૂછ્યા હતા અને મોદીએ સીજેઆઇના ઘરે ગણપતિ બાપ્પાના દર્શન કર્યા તેનો બચાવ કર્યો હતો. આ ઉપરાંત કોંગ્રેસના શાસનકાળ દરમિયાન અપાતી ઇફ્તાર પાર્ટીનો ઉલ્લેખ કરીને વિપક્ષની ટીકા પણ કરવામાં આવી હતી.
વિપક્ષો દ્વારા મોદીએ કરેલી ગણેશ પૂજાની ટીકાનો મહાયુતિના નેતાઓએ પણ વળતો જવાબ આપ્યો હતો. શિંદે જૂથની શિવસેનાના રાજ્યસભા સાંસદ તેમ જ ભૂતપૂર્વ પ્રધાન રહી ચૂકેલા મિલીંદ દેવરાએ ટીકાકારોને જવાબ આપતા કહ્યું હતું કે વિપક્ષોને કદાચ જાણ નથી કે ગણેશોત્સવની પરંપરા શું છે. અમે તો ગણેશોત્સવ દરમિયાન વિરોધકોના ઘરે પણ દર્શન કરવા જઇએ છીએ. આ રાજકારણનો વિષય નથી. મનમોહન સિંહ જ્યારે ઇફ્તાર પાર્ટી આપતા હતા અને ત્યાં સીજેઆઇ જતા ત્યારે શા માટે સવાલો નહોતા પૂછાતા?