એક કિનખાબી ક્રાઈમ વાયા ક્રિપ્ટો કરન્સી !
ક્લોઝ અપ – ભરત ઘેલાણી
અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી લડી રહેલા તોફાની ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પની એક જાહેરાતથી આભાસી કરન્સી ‘ક્રિપ્ટો’માં જબરો ઉછાળો આવ્યો છે…. આ ક્રિપ્ટોકરન્સીના મોહમાં આજે વિશ્ર્વભરમાં અબજો ડોલરના ચીલઝડપી ગુના થઈ રહ્યા છે ત્યારે જાણી લઈએ એનો અવાક કરી દે એવો ક્રાઈમ ઍક્સ-રે…
આજે અપરાધ આચરવા ઘટનાસ્થળે નથી જવું પડતું. હજારો કિલોમીટર દૂરથી પણ ગુના આચરવા સહેલાં થઈ ગયા છે. કમ્પ્યુટરની મદદથી દૂર બેસીને પણ શરૂઆતમાં સાયબર ક્રાઈમ ક્રેડિટ-ડેબિટ કાર્ડ પૂરતા સીમિત હતા અને પછી બેન્ક ગ્રાહકોના ખાતામાં ખાતર પાડનારા હેકર્સની જમાત ઊભી થવા માંડી. આવા અપરાધોના આંકડા તપાસીએ તો એક આજની તારીખે-૨૦૨૩-૨૪ દરમિયાન વિશ્ર્વભરમાં સાયબર અપરાધના શિકારની સંખ્યા છે: ૩૪ કરોડ-૩૩ લાખ અને ૩૮ હજાર-૯૬૪! એ જ રીતે, આપણે ત્યાં ૨૦૨૪ના પ્રથમ ચાર મહિનામાં ૭ લાખથી વધુ સાયબર ક્રાઈમની ફરિયાદ નોંધાઈ છે!
આવા અપરાધની આંકડાબાજી બાજુ પર રાખીએ તો હકીકતમાં સાયબર ગુનાખોરીનો ખરો પ્રવાહ પલટાયો અંધારી આલમમાં એક નવા જ પાત્રના પ્રવેશથી.. આ પાત્ર છે ક્રિપ્ટોકરન્સી, જે આ આખી રમતનો હીરો નથી, પણ ભલભલાને મોહાંધ કરી દે એવો સોહામણો વિલન અર્થાત ખલનાયક છે…!
કોરોના-કાળની લગભગ સમાંતરે ‘ક્રિપ્ટોકરન્સી’ શબ્દ આપણા કાને વધુ ને વધુ અથડાવા માંડ્યો. આ ‘ક્રિપ્ટોકરન્સી’ એટલે એક પ્રકારની વર્ચ્યુઅલ કરન્સી-આભાસી નાણું કે જેને આપણે કરન્સી નોટના થોકડા કે ગડ્ડીની જેમ સ્પર્શી શકતા નથી કે નથી હાથથી ગણી શકતા.એ એક એવી ડિજિટલ કરન્સી છે, જેની ગણતરી-મૂલ્યાંકન કે એની હેરફેર કમ્પ્યુટરના મોનિટર પર કે મોબાઈલ પર થઈ શકે છે.
બહુ શરૂઆતમાં આ આભાસી કરન્સી માટે ‘બિટકોઈન’ શબ્દ છૂટથી વપરાતો. હકીકતમાં ‘બિટકોઈન’ ખુદ એક પ્રકારની ક્રિપ્ટોકરન્સી છે. સાયબર અપરાધીઓની ડાર્કવેબની અંધારી આલમમાં ‘બિટકોઈન’ જેવી બીજી હજારો વર્ચ્યુયલ કરન્સી આજે વર્લ્ડ માર્કેટમાં છે, જેને મોટાભાગની સરકારે માન્યતા નથી આપી, છતાં એનો બે નંબરી વ્યવહાર ધૂમ ચાલે છે. ડ્રગ્સના વેપારમાં તથા ત્રાસવાદીઓના આલમમાં પણ ડૉલર-પાઉન્ડ કરતાં આવી ક્રિપ્ટોકરન્સીનું વધુ ચલણ છે અને એની માર્કેટમાં સતત ઉતાર-ચઢાવ થતાં જ રહે છે.
રશિયા-યુક્રેન યુદ્ધને લીધે ૧ ક્રિપ્ટો કોઈનનો ભાવ ઘટીને ૨૯ લાખ રૂપિયા થઈ ગયો હતો, પણ તાજેતરમાં અમેરિકામાં ત્યાંના પ્રેસિડેન્ટની આગામી ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે ક્રિપ્ટોકરન્સીના ભાવમાં જબરો વધારો નોંધાયો છે. ત્યાંની રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીના એક ઉમેદવાર છે તોફાની ડોનાલ્ડ ટ્રમ્પ. એમણે જાહેર કર્યું છે કે જો એ રાષ્ટ્રપ્રમુખ તરીકે વિજયી થશે તો એ સત્તાવાર રીતે અમેરિકાને વિશ્ર્વની ‘ક્રિપ્ટો કેપિટલ’ બનાવશે …!
ટ્રમ્પની આ જાહેરાત સાથે આજની તારીખે ૧ ક્રિપ્ટોકરન્સી કોઈનનો ભાવ ઉછળીને ૫૭ હજાર ડૉલર (આશરે ૪૮ લાખ રૂપિયા)ની આસપાસ થઈ ગયો છે…!
આવા આભાસી ચલણના અપરાધ પણ જંગલમાં દવ-લાગે અને વંટોળ ફૂંકાય એ ગતિએ વધી રહ્યા છે. આનો અપરાધ કરનારા કમ્પ્યુટર તેમજ ડિજિટલ દુનિયાની લેટેસ્ટ ટેકનિકના પક્કા અભ્યાસી હોય છે. એ કોઈ પણ શિકાર પર ત્રણ રીતે ત્રાટકતા હોય છે, જેમ કે એક: તમારા ઈ-મેલનો પાસવર્ડ શોધી કાઢી એને વાઈરસગ્રસ્ત કરી તમને ધમકી આપે કે અમુક-તમુક ડૉલર ફલાણા-ઢીંકણા અકાઉન્ટમાં જમા કરાવો, નહીંતર તમારા બધા જ ડેટા નષ્ટ કરી નાખશું.
એક જાણીતા ગુજરાતી પ્રકાશનના માલિકને કોરોના લોકડાઉન દરમિયાન આવી જ ધમકી મળી હતી. પોતાના અકાઉન્ટને પેલા હેકરના સકંજામાંથી છોડાવા માટે ડિજિટલ નિષ્ણાતોની સલાહ-મદદ પણ લીધી, પણ આખરે હેકરને ડૉલર્સમાં ખંડણી ચૂકવવી પડી.
આવી જ ખંડણીની માંગ મુંબઈના એક જાણીતા ફેશન સ્ટોરના માલિક પાસે કરવામાં આવી હતી. કોઈ હેકરે ઈ-મેલ દ્વારા માગણી કરી કે ફેશન સ્ટોરની અમુક આર્થિક ગુપ્ત માહિતી અમારી પાસે છે..જો તમે ૧ લાખ રૂપિયાની રકમ બિટકોઈન રૂપે અમને નહીં પહોંચાડો તો એ માહિતી તમારા સ્પર્ધકને લીક કરી દેશું! ખંડણીની રકમ આવી રીતે ક્રિપ્ટોકરન્સીમાં જ વસૂલ કરવાની ધમકીઓ જાણીતા વેપારી-કંપનીઓને આવતી રહે છે.
બે: તમે જો ખુદ ખાનગીમાં ક્રિપ્ટોકરન્સીમાં વહેવાર કરતા હો તો તમારા એ અકાઉન્ટમાં ખાતર પાડીને સીધા તમારા ક્રિપ્ટો ચોરી જશે જેમ બેન્ક ખાતામાંથી હેકર ગાબડું પાડીને રકમ સરકાવે છે તેમ આ કિસ્સામાં તો તમે સાઈબર ક્રાઈમ સેલની સત્તાવાર મદદ પણ નહીં માગી શકો…!
રાજકોટના એક ઉદ્યોગપતિ ખુદ ક્રિપ્ટોના બે નંબરી ધંધામાં હતા. આમાં એક મિત્ર પણ ભાગીદાર. આ ધંધો ધમધોકાર જામ્યો હતો એમાં બન્ને પાર્ટનર વચ્ચે વાંધો પડ્યો. સિનિયર ભાગીદાર પોતાના ક્રિપ્ટો અકાઉન્ટના પાસવર્ડ, ઈત્યાદિ બદલી કાઢે એ પહેલાં એમનો જુનિયર પાર્ટનરે ચીલઝડપે પાંચેક લાખના ક્રિપ્ટો પર હાથફેરો કરી લીધો!
પાછળથી અન્ય એક કિસ્સામાં પોલીસના હાથમાં પેલો જુનિયર ઝડપાયો ત્યારે આ ધાડની વાત બહાર આવી હતી ક્રિપ્ટો ક્રાઈમનો ત્રીજો પ્રકાર પણ છે:
‘આ કરન્સી દ્વારા તમારા મૂળ રોકાણ કરતાં ૨૦૦-૩૦૦ % વધુ રળી શકો’ એવી લોભામણી સ્કિમમાં તમને લપેટાવવામાં આવે. ‘આટલી રકમના ડૉલર તમે ઈન્વેસ્ટ કરશો તો એની સામે તમને આટલા ક્રિપ્ટો આપીશું’ પણ પછી તમને મળે ધૂળ અને ઢેફા!
આ પ્રકારના અપરાધનો આપણે ત્યાં બહુ ઝડપથી ગુણાકાર થઈ રહ્યો છે. બેગલુરુમાં એક ‘મોરિસ કોઈન સ્કેમ’માં અપાયેલાં જૂઠ્ઠાં વાયદા દ્વારા દસેક લાખ લોકોને ફસાવીને રૂપિયા ૩૦૦૦ કરોડ પડાવી લેવામાં આવ્યા હતા.
ક્રિપ્ટો ક્રાઈમના તાજેતરમાં પ્રગટ થયેલા આંકડા અવાક કરી મૂકે તેવા છે. ખાસ કરીને, કોવિડની મહામારી પછી બીજાનાં અકાઉન્ટસમાંથી ૩.૫ અબજ ડૉલરની ક્રિપ્ટોકરન્સી સીધી તફડંચી કરવામાં આવી હતી! જો કે, આ જ આંકડા મુજબ તો ક્રિપ્ટો-સ્કેમમાં હજારોને બેવકૂફ બનાવીને ૮ અબજ ડૉલરની ઠંડે કલેજે કિનખાબી લૂંટ ચલાવવામાં આવી છે..! (જસ્ટ, આપની જાણ ખાતર ૧ ડૉલર બરાબર આપણા ૮૪ રૂપિયા!).
ક્રિપ્ટો ક્રાઈમનું આ ચક્કર અહીં પૂરું નથી થતું. જગતભરમાં અનેક ગેરકાયદે ક્રિપ્ટો એક્સચેન્જ ચાલે છે. ડાર્ક વેબ દ્વારા અહીં સોદા થાય છે તેમ જબરી હાથચાલાકી પણ ચાલે છે.
બે મહિના પહેલાના આંકડા મુજબ આવાં લે-ભાગુ એક્સચેન્જોમાંથી આશરે ૧૫૦ મિલિયન ડૉલરની હાથસફાઈ-ઉચાપત થઈ છે..
આમ એક તરફ, ક્રિપ્ટો કરન્સીની આવી જંગી તફડંચી-ઉચાપત થઈ રહી છે તો બીજી તરફ્, ભારત સહિત અનેક દેશ એને સત્તાવાર રીતે નાણાંકીય લેવડ-દેવડ માટે માન્યતા નથી આપી,પરંતુ આપણી સરકારે તો એને એક ‘ડિજિટલ એસેટસ-મિલકત’ તરીકે ગણાવી એના પર ૩૦ % ટેક્ષ વસૂલવાની વાત કહી છે.
આર્થિક નિષ્ણાતો માને છે કે ક્રિપ્ટો કંઈ મૂલ્યવાન પ્લેટિનિયમ ધાતુ નથી-એ પરપોટો છે, ટૂંક સમયમાં ફૂટી જશે. આમ છતાં, વાસ્તવિક્તા એ છે કે કેટલાંક સર્વેક્ષણ મુજબ ભારતમાં આશરે ૨ કરોડથી વધુ રોકાણકારો ક્રિપ્ટોકરન્સીના છે, જેમણે ૬ લાખ કરોડ રૂપિયાથી વધુ રોકાણ કર્યું છે. આમાંથી ૭૫ % રોકાણકારો યુવા પેઢીના છે અને એમાંય ૯ % તો મહિલા છે!
હવે આમાં કોઈની સાથે ફ્રોડ થાય તો સરકાર હાથ ઊંચા કરી દેશે,કારણ કે આ પ્રકારના આર્થિક અપરાધોને રોકવા કે પછી સકંજામાં આવેલા ગુનેગારોને શું સજા કરવી એની કોઈ સ્પષ્ટતા આપણા કાયદાના રક્ષકો પાસે હાલના તબક્કે તો નથી…
-અને એટલે જ વિશ્ર્વવિખ્યાત શ્રીમંત રોકાણકાર વોરેન બફેટ કહે છે કે ક્રિપ્ટોકરન્સીની લાલસા એક એવા ક્ષણિક જાતીય આનંદ જેવી છે, જે તમને હંમેશને માટે ‘ગુપ્ત રોગ’ લગાડી જાય છે..!