
નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હી સહિત દેશના અનેક ભાગોમાં ડુંગળીના ભાવમાં ઘટાડો થાય તેવા દૂર કોઈ એંધાણ દેખાઈ રહ્યા નથી. ડુંગળી એક ખૂબ જ સામાન્ય શાકભાજી છે કે જે માત્ર શાક બનાવવા પૂરતું જ નહીં પરંતુ અનેક રસોઈઓમાં વપરાય છે. આથી ડુંગળીના ભાવમાં જો સહેજ પણ વધઘાટ થાય તો તે સામાન્ય માણસના બજેટ પર ખરાબ અસર કરી શકે છે.
દેશની રાજધાની દિલ્હીમાં ડુંગળીની સપ્લાયની અછતને કારણે સરેરાશ ભાવ 58 રૂપિયા પ્રતિ કિલોના ઊંચા સ્તરે છે. સરકારી આંકડા પરથી આ માહિતી સામે આવી છે. કન્ઝ્યુમર અફેર્સ ડિપાર્ટમેન્ટ દ્વારા એકત્રિત કરવામાં આવેલા ડેટા અનુસાર, મંગળવારે ડુંગળીની અખિલ ભારતીય સરેરાશ કિંમત 49.98 રૂપિયા પ્રતિ કિલો હતી જ્યારે તેની પ્રવર્તમાન કિંમત 50 રૂપિયા પ્રતિ કિલો છે.
સરકારી આંકડાઓ મુજબ, ડુંગળીની મહત્તમ કિંમત 80 રૂપિયા પ્રતિ કિલો છે જ્યારે તેની લઘુત્તમ કિંમત 27 રૂપિયા પ્રતિ કિલો છે. જો કે કેન્દ્ર સરકારે 5 સપ્ટેમ્બરના રોજ પોતાની એજન્સીઓ દ્વારા દિલ્હી-NCR અને મુંબઈના ગ્રાહકોને 35 રૂપિયા પ્રતિ કિલોના રાહત દરે ડુંગળીનું છૂટક વેચાણ શરૂ કર્યું હતું. NCCF અને NAFED તેમના કેન્દ્રો અને મોબાઈલ વાન દ્વારા છૂટક વેચાણ કરે છે.
કન્ઝ્યુમર અફેર્સ સેક્રેટરી નિધિ ખરેએ ગયા અઠવાડિયે કહ્યું હતું કે આગામી મહિનાઓમાં ડુંગળીની ઉપલબ્ધતા અને ભાવનું પૂર્વાનુમાન સકારાત્મક જણાઈ રહ્યું છે. ખરીફ સિઝનમાં ડુંગળીના વાવેતર હેઠળનો વિસ્તાર ગયા મહિને ઝડપથી વધીને 2.9 લાખ હેક્ટર થયો હતો જ્યારે એક વર્ષ અગાઉ તે 1.94 લાખ હેક્ટર હતો. તેમણે જણાવ્યું હતું કે લગભગ 38 લાખ ટન ડુંગળીનો સંગ્રહ હજુ પણ ખેડૂતો અને વેપારીઓ પાસે ઉપલબ્ધ છે.