ઉત્રાણમાં બાયોડીઝલનું નેટવર્ક ઝડપાયું: ૧.૨૦ કરોડનો મુદ્દામાલ કબજે કરાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: સુરતમાં બાયોડીઝલનું મસમોટું નેટવર્ક ઝડપાયું હતું. ઉત્રાણ ગોપીન ગામ રોડ પર લકઝરી બસમાં બાયોડીઝલ ભરવા ઉભેલો પંપ-ફીટેડ ટેમ્પો ઝડપી પાડી આરોપીઓની પૂછપરછના આધારે સચીન જીઆઈડીસીમા આવેલી ઈન્ડસ્ટ્રીમાં પ્રોડક્શન યુનિટમાં દરોડો પાડ્યો હતો. જેમાં રૂ. ૯૧.૨૩ લાખનું ૧.૩૦ લાખ લીટર બાયોડીઝલ, ચાર મોબાઈલ ફોન, લક્ઝરી બસ, ડીસ્પેન્સર પંપ સાથેનો ટેમ્પો, બાઈક, રોકડ વિગેરે મળી કરોડનો મુદ્દામાલ કબજે કરી ચારની ધરપકડ કરી હતી. જયારે નેટવર્ક ચલાવતા ડોંડા ભાઈઓ સહિત છને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી હતી.
ગાંધીનગર સ્થિત સ્ટેટ મોનિટરિંગ સેલના સૂત્રોના જણાવ્યા મુજબ બાતમીના આધારે પીઆઈ અને સ્ટાફે ઉત્રાણ ગોપીન ગામ રોડ પર લકઝરી બસમાં બાયોડીઝલ ભરવા ઊભેલો પંપ-ફીટેડ ટેમ્પો ઝડપી લીધો હતો. સ્ટેટ મોનિટરિંગ સેલે સ્થળ પરથી ૨૦ લાખની મતાની લકઝરી બસ, ચાર લાખ રૂપિયાની મતાનો ડીસ્પેન્સર પંપ સાથેનો ટેમ્પો અને રૂ. ૯૧ હજારની કિમતનું ૧૩૦૦ લિટર બાયોડીઝલ કબજે કરી લકઝરી બસના ડ્રાઈવર નાજીભાઈ મેત્રા, ક્લીનર મહેશ ગોયાણી, બાયોડીઝલ વેચતા મેનેજર હિતેશ કોલડીયા, કારીગર રવિ મિશ્રાની ધરપકડ કરી હતી. તેમની પૂછપરછના આધારે સચીન જીઆઈડીસી સ્થિત ઈન્ડસ્ટ્રીના પ્રોડક્શન યુનિટમાં દરોડો પાડ્યો હતો.