વિજ્ઞાન અને ટેકનોલોજીસ્પેશિયલ ફિચર્સ

ચહેરાની સુંદરતા પર ગ્રહણ છે ડાર્ક સર્કલ્સ

નિખાર પ્લસ – નિધી શુકલા
ડાર્ક સર્કલ્સ સુંદર ચહેરાને પણ કદરૂપો બનાવી દે છે. આંખ નીચેના કાળા ઘેરા ડાઘની સમસ્યા આજે સર્વસામાન્ય બનતી જાય છે. ડાર્ક સર્કલ્સ કોઈને પણ થઈ શકે છે અને એને ઉંમર સાથે પણ કોઈ લેવા-દેવા નથી હોતાં. તમે સ્ત્રી હોવ, પુરુષ હોવ કે પછી ટીનેજમાં હોવ ડાર્ક સર્કલ્સ ક્યારે પણ કોઈને પણ આવી શકે છે. આ ડાર્ક સર્કલ્સના અનેક કારણો હોઈ શકે છે, જેમ કે અનુવાંશિકતા, વધતી ઉંમર, ડ્રાય સ્કીન, વધુ પડતાં આંસુ, કોમ્પ્યુટર સામે વધુ સમય સુધી કામ કરવુ, માનસિક તથા શારીરિક તણાવ, ઓછી નીદ્રા અને પૌષ્ટિક ખોરાકનો અભાવ છે.

ડાર્ક સર્કલ્સ થવાના અન્ય કારણો વિશે સવિસ્તાર જાણીએ
શરીરમાં પાણીની ઊણપ, તણાવ, તડકો અને પ્રદૂષણથી ભરેલા વાતાવરણમાં વધુ સમય રહેવાથી ડાર્ક સર્કલ્સ આવી શકે છે. અનેક વખત આપણને સમજમાં નથી આવતું કે ડાર્ક સર્કલ્સનું મુખ્ય કારણ શું છે. ક્યારેક કોઈ વસ્તુની એલર્જીને કારણે પણ કાળા ડાઘ પડી શકે છે. એવામાં વહેલાસર ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.

અનુવાંશિકતા
અન્ય મામલામાં આંખોની નીચે કાળા ધબ્બા એ અનુવાંશિક લક્ષણો હોઈ શકે છે. આંખોની નીચે કાળા રંગની રક્તવાહિનીઓ હોય છે, જે ત્વચાના માધ્યમથી જોઈ શકાય છે. આંખની આસપાસની ત્વચા ખૂબ પાતળી હોય છે. લોહી જ્યારે એ નસોમાંથી પસાર થાય છે, ત્યારે હલકા વાદળી રંગના ડાઘ વિકસિત કરે છે. ત્વચા જેટલી પારદર્શક હશે અથવા તો અનુવાંશિક ગુણ જેટલા પ્રબળ હશે ડાર્ક સર્કલ્સ વધુ પ્રભાવી દેખાશે.

એલર્જી, અસ્થમા
આંખોમાં ક્યારેક ખંજવાળ આવે ત્યારે આપણે આંખ અને એની આસપાસની ત્વચાને ચોળીએ છીએ એના કારણે આંખ નીચે કાળા ડાઘ પડે છે. કેટલાક પદાર્થોને કારણે થતી એલર્જી પણ ડાર્ક સર્કલ્સનું કારણ બને છે.

દવા
કેટલીક દવાઓને કારણે રક્તવાહિનીઓ પહોળી થઈ જાય છે, એને કારણે પણ ડાર્ક સર્કલ્સ વધી શકે છે. એનું પ્રમુખ કારણ એ છે કે આંખોની નીચેની ત્વચા નાજુક હોય છે અને રક્ત પ્રવાહને કારણે એ સ્પષ્ટ દેખાઈ આવે છે.

એનિમિયા
પોષક તત્ત્વોની ઊણપને કારણે અને સંતુલિત આહારના અભાવને કારણે પણ આંખોની નીચે ડાર્ક સર્કલ્સ આવે છે. સામાન્ય રીતે એવુ માનવામાં આવે છે કે આયર્નની કમીને કારણે પણ કાળા ડાઘ પડે છે. એનિમિયાનું મુખ્ય કારણ જ એ છે કે આયર્નની કમી હોવી.

થાક લાગવો
અપૂરતી નિંદ્રાને કારણે આંખની નીચેની ત્વચા પીળી પડે છે. એથી એ સ્કીનની નીચેથી વહેતું રક્ત બ્લ્યુ કાં તો કાળા રંગનું દેખાય છે. વ્યક્તિને થાક લાગે ત્યારે પણ આંખની નીચે ડાર્ક સર્કલ્સ આવી જાય છે.

ડાર્ક સર્કલ્સને ઘટાડવાનો ઉપાય
ડાર્ક સર્કલ્સ ચહેરા પર એક ગ્રહણ જેવુ દેખાય છે. એના માટે પોષણયુક્ત આહાર અને પૂરતી ઊંધ અતિશય જરૂરી છે. સાથે જ વિટામિન અને રેટીનોલ યુક્ત ક્રીમ લગાવવાના કેટલાક ફાયદાઓ પણ થાય છે. હાઇડ્રોક્વિનોનને તેલ મુકત મોઇસ્ચરાઇઝરની સાથે મિક્સ કરીને ત્વચા પર લગાવવામાં આવે તો તે બ્લીચ જેવુ કામ કરે છે. જે ત્વચાને ટાઇટ કરવામાં પણ કારગર નીવડે છે.

ઘરેલું ઉપાય
સામાન્ય રીતે ડાર્ક સર્કલ્સનો ઉપાય આપણે ઘરે પણ સરળતાથી કરી શકીએ છીએ. હળદર અને અનાનસના જ્યુસને મિક્સ કરીને થોડા સમય સુધી આંખોની નીચે લગાવવાથી લાભ થાય છે. બદામના તેલનું દરરોજ ૧૫થી ૨૦ મીનિટ સુધી માલીશ કરવાથી પરિણામ સારું મળે છે. સાથે રાતે સુતાં પહેલા રૂને ગુલાબજળમાં ડુબાડીને આંખની ઉપર ૧૫ મીનિટ સુધી રાખવાથી મહદઅંશે ફાયદો થાય છે.

આ સિવાય હર્બલ ટી અથવા તો ગ્રીન ટીનું નિયમિત સેવન પણ આંખો માટે ગુણકારી છે. ફૂદીનાનો રસ પણ આંખો માટે લાભદાયક છે.

રોજબરોજના આહારમાં ભરપૂર ફળો અને શાકભાજીનો સમાવેશ કરવો જોઈએ.

અરોમા થેરાપીથી પણ ડાર્ક સર્કલ્સથી છુટકારો મળી શકે છે. એનાથી તણાવનું સ્તર પણ ઘટે છે અને થોડા જ સમયમાં ડાર્ક સર્કલ્સ ગાયબ થઈ જાય છે.

સાથે જ દરરોજ ૭થી ૮ કલાકની નીંદર પણ જરૂરી છે.

લીંબુ અને ટામેટાનાં રસનું મિશ્રણ દરરોજ આંખની નીચે લગાવવું. એનાથી પણ ડાર્ક સર્કલ્સ હટી જાય છે.

Show More

Related Articles

Back to top button
આ રીતે ચલાવો AC,વિજળીનું બિલ ઘટશે તમારી રાશિ પ્રમાણે પ્રસાદ ધરો દુંદાળા દેવને ગણેશ ચતુર્થીની રાતે કરો આ ચમત્કારીક ઉપાય, બાપ્પા પૈસાથી ભરી દેશે તિજોરી… Classy દેખાવા માટે આ પણ છે જરૂરી