Manipurમાં હિંસાચાર ચાલુ રહેતા સીએમ બિરેન સિંહે ઉઠાવ્યું આ કદમ
મણિપુર: મણિપુરમાં હિંસાનો દોર ખતમ થવાનું નામ નથી લઈ રહ્યો. 1 સપ્ટેમ્બરથી થઈ રહેલી હિંસામાં નવ લોકો માર્યા ગયા છે. તાજેતરમાં જ ખીણની તળેટીના ગામો પર ઇમ્પ્રુવાઇઝ્ડ રોકેટ, બોમ્બ અને ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલા બાદ રાજ્યના શાસક વિધાન સભ્યોએ શનિવારે સાંજે બેઠક કરી હતી.
આ બેઠક પછી મુખ્ય પ્રધાન એન બિરેન સિંહ રાજભવન ગયા હતા અને રાજ્યપાલ લક્ષ્મણ આચાર્યને એકલામાં મળ્યા હતા અને રાજ્યમાં ચાલી રહેલા હિંસાચારને રોકવા કેન્દ્ર સરકાર દ્વારા તાત્કાલિક હસ્તક્ષેપની માગણી કરી હતી.
શનિવારના રોજ મણિપુરના જીરીબામ જિલ્લામાં એક વૃદ્ધ મેઇતીની હત્યા કરવામાં આવ્યા બાદ બે સશસ્ત્ર જૂથો વચ્ચે ગોળીબાર ફાટી નીકળ્યો હતો, જેમાં પાંચ લોકો માર્યા ગયા હતા.
સૂત્રોના જણાવ્યા મુજબ, કેટલાક “કુકી આતંકવાદીઓ” શનિવારે સવારે જિલ્લા મુખ્યાલયના જીરીબામ પોલીસ સ્ટેશનથી લગભગ 5 કિમી દૂર નિંગથેમ ખુનુમાં 63 વર્ષીય વાય કુલચંદ્રના ઘરે ઘૂસી આવ્યા હતા અને તેમને ગોળી મારી દીધી હતી. આ ઘટના કથિત રીતે સવારે 5 વાગ્યે બની હતી, જ્યારે કુલચંદ્ર હજુ ઊંઘી રહ્યા હતા.
નુંગચેપ્પી વિસ્તારમાં સશસ્ત્ર હુમલાખોરો અને અન્ય સશસ્ત્ર જૂથ વચ્ચે ગોળીબારમાં કુકી સમુદાયના ચાર અને મેઇતી સમુદાયના એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું, એમ પોલીસે જણાવ્યું હતું.
શનિવારની ઘટનાઓ બાદ, મુખ્ય પ્રધાન બિરેન સિંહે શાસક પક્ષના વિધાન સભ્યોની એક બેઠકનું નેતૃત્વ કર્યું હતું.
નોંધનીય છે કે મણિપુરમાં ભાજપની આગેવાનીવાળી સરકારમાં નાગા પીપલ્સ ફ્રન્ટ, નેશનલ પીપલ્સ પાર્ટી અને જનતા દળ (યુનાઇટેડ)ના વિધાન
સભ્યો પણ સામેલ છે. એક વિધાન સભ્યના જણાવ્યા અનુસાર, 24 વિધાન સભ્ય, છ કેબિનેટ મંત્રી આ બેઠકમાં સામેલ થયા હતા. લમલાઈના બીજેપી વિધાન સભ્ય ઈબોમ્ચાએ જણાવ્યું હતું કે “આતંકવાદીઓને નિયંત્રણમાં લાવવા માટે યોગ્ય પગલાં લેવા” માટે કેન્દ્ર પર દબાણ કરવા માટે નિર્ણય લેવામાં આવ્યો હતો.
રાજ્યમાં અત્યાધુનિક શસ્ત્રોથી હુમલાઓ થઈ રહ્યા છે.
આ સંજોગોમાં સામાન્યતા લાવી શકાતી નથી, તેથી કેન્દ્રીય નેતૃત્વ પર દબાણ લાવવું જોઈએ તેવો મત સહુએ વ્યક્ત કર્યો હતો.
કેન્દ્ર સરકાર રાજકીય મુદ્દાઓને સંબોધવાને બદલે હિંસા ઘટાડવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે, એમ કહેતા
મણિપુર ભાજપના એક સૂત્રએ જણાવ્યું હતું કે COCOMI (મણિપુર અખંડિતતા પર સંકલન સમિતિ) સહિત વિવિધ જૂથો તરફથી એવી માગણી કરવામાં આવી હતી કે કેન્દ્રએ રાજ્યના લોકોને વધતા જતા આતંકવાદી હુમલાઓથી બચાવવા માટે મણિપુરને વધુ સમર્થન મોકલવું જોઈએ.
Also Read –