ઈન્ટરવલ

તક ખાલી બારણું ખખડાવે- ખોલવા તો આપણે જવું પડે…!

અરવિંદ વેકરિયા

એ રાતના શો વખતે કુમુદ બોલે કલાકાર સાથે પ્રવેશ્યાં અને મને કહે:
‘દાદુ, આમને મળો..’

હું એમને જોઈ રહ્યો. એ હતાં ચિત્રા વ્યાસ અને રાગિણી શાહનાં વડીલ બહેન ભૈરવી શાહ. મને જોઇને બોલ્યા : ‘કેમ ટપુડા, તારે સીધો મને ફોન ન કરાય કે કુમુદ સાથે કહેવડાવ્યું?’
‘હું કંઈ કહી કહું એ પહેલાં કુમુદ બોલે જ બોલ્યા’ :

‘ના ભૈરવી, દાદુએ કઈ નથી કહ્યું ઉલટાનું મેં એને કહ્યું કે મારા શુભ-લગ્નને લઇ તારા નાટકનું અશુભ નહિ કરું અને મને ખબર છે કે તું હમણાં ફ્રી છે તો મને તો આનંદ થાય કે તું દાદુના નાટકમાં કામ કરી મને મદદરૂપ થાય અને દાદુને પણ શોધવાની માથાકૂટ નહી, હા..મેં દાદુને તારું નામ નહોતું જણાવ્યું, સરપ્રાઈઝ, યુ સી.!’

ભૈરવી શાહને હું ઓળખું. એ સરસ અભિનેત્રી છે એની પણ મને જાણ. ‘ભવન્સ કલ્ચરલ સેન્ટર’ ને કલા જગતમાં ચાર ચાંદ લગાડી, અથાગ મહેનત જે કરી રહ્યાં છે એ લલિત શાહનાં પત્ની એમણે કોપવુડ’ નામથી એકાંકી નાટ્ય સ્પર્ધાઓ ઘણાં વર્ષો સુધી આયોજિત કરી. એવી જ હવે દ્વીઅંકી નાટ્ય સ્પર્ધાનું આયોજન વર્ષોથી એમણે ચાલુ રાખ્યું છે. લલિતભાઈ એટલે કલાનો જીવ. એમનો કલાપ્રેમ હજી અકબંધ છે.કપડાં અને ત્વચાની કરચલી ચલાવી લેવી પણ પોતાનાં વિચારોને ઈસ્ત્રી દરરોજ કરવી એવું માનનારાં લલીતભાઈ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવાનાં વિચારો સતત કરતાં રહે છે.

‘કોપવુડ’ વખતે હું ભૈરવીબેનને મળતો. મને ખબર નહિ, કેમ પણ ‘ટપુડો’ કહીને મને બોલાવતાં. બધાનો ‘દાદુ’ એમનો ‘ટપુડો’ હતો. હસમુખા અને મિલનસાર.. ઘણા વખતે એમને મળ્યો, પણ ઉમળકો એવો જ.! સમય સાથે તો બધાં સંબધ નિભાવે પણ મીઠાશ ત્યારે આવે જયારે સમય બદલાય પણ સંબંધ ના બદલાય.

શોનો સમય નજીક આવી રહ્યો હતો. મને ૧૦૦ મો
શો મુબારક’ કહી ઈન્ટરવલમાં મળું છું’ કહી ગયા અને કુમુદ બોલે પણ મારું ‘થેંક્યું’ સ્વીકારી લેડીઝ ગ્રિન- રૂમમાં ગયાં.

સનત માટેનાં પહેલાં શોનું ટેન્સન સમજી શકાય એમ હતું. ભગવાનનો પાડ કે કુમુદ બોલે ભૈરવીબેનને લઇ આવ્યાં , નહીં તો હું ક્યાં-ક્યાં નામો વિચારી ટહેલ નાખત. ખરેખર! જિંદગી તમને એ નહિ આપે જે તમારે જોઈએ છે, જિંદગી તમને એ આપશે, ન જેનાં તમે હકદાર છો.. આ સત્ય મને એ દિવસે સમજાયું.

ત્રીજા રણકાર સાથે પડદો ખુલ્યો અને પહેલા સીનથી જ એવું લાગ્યું કે આ સનતનો પહેલો નહીં, પણ ૧૦૦ મો શો એ કરે છે એટલું સાહજિક પરફોર્મન્સ.

સનત ફ્રી હતો થોડો વખત, એ સિવાય પરમ મિત્ર પણ હતો. સનતનાં નવા નાટકનાં રિહર્સલ દોઢ-બે મહિના પછી શરૂ થવાનાં હતાં. સનતનું એ કમિટમેન્ટ હતું અને અમે તો સિદ્ધાંતનાં માણસો. ત્યાં સુધી મારું નાટક સુપેરે સંભાળી લેશે એની મને મિત્ર ઉપર શ્રદ્ધા હતી. સંભાળી ‘લેવા’ થી કેટલાં બધાં સવાલો ઉકેલાઈ જાય છે, ‘સંભળાવી દેવા’થી આપણે ફરી ત્યાં જ અટવાય જઈએ બસ, આ જ ફરક હતો સનત વ્યાસ અને કિશોર દવેમાં!

પ્રથમ અંક પૂરો થયો. અભિનંદનના ધોધનું કેન્દ્ર હતો સનત વ્યાસ. ભૈરવીબેન મધ્યાંતરમાં મળવા આવ્યાં.

વાહ ટપુડા.. મજા પડી ગઈ. ધનવંતને કહી મને આજે સ્ક્રીપ્ટ મળી જાય તો ‘સારું.’ એ હસ્યાં . હાસ્ય એ કપરા વખતની શ્રેષ્ઠ પ્રતિક્રિયા છે અને મૌન એ સવાલોનો શ્રેષ્ઠ જવાબ. કદાચ મારું મૌન જવાબરૂપ હતું.
ચંદ્રવદન ભટ્ટ પણ ભૈરવી શાહને ખાસ્સા ઓળખે એટલે એ પણ હળવાશ અનુભવી રહ્યા.

જો કે આભાર તો કુમુદ બોલેનો.

‘બસ! હવે જયારે તક મળે ત્યારે સ્વીકારતો રહેજે કારણ કે તક માત્ર બારણું ખખડાવે, ખોલવા તો આપણે જ ઊભા થવું પડે’ ભટ્ટ સાહેબ બોલ્યા.

બીજો અંક પણ પાણીના રેલાની જેમ પૂરો થઇ ગયો. સનતના ડેડિકેશન માટે મને માન થઈ ગયું, એક દિગ્દર્શક તરીકે. એ કોઈ જગ્યાએ લબડયો’ નહિ. બીજો અંક એના ખૂનનાં સીન સાથે પૂરો થયો.
બીજા અંકમાં પણ ભૈરવીબેન આવ્યાં . મને કહે, ‘તે સનતને ખોટો મારી નાંખ્યો, ટપુડા.’ ફરી એજ એમનાં મોઢા પરનું મર્માળુ હાસ્ય.

ત્રીજો અંક તો અમારે માટે રૂટિન જ હતો. ‘હાઉસ ફૂલ’ શોની મજા ઓર જ આવે. હાસ્યના પડઘા સાથે નાટક પૂરું થયું.

ફરી ભૈરવીબેન આવ્યાં. સનતને ખૂબ અભિનંદન આપ્યાં. સનત કહે, ‘હું અભિમન્યુ પાસેથી એક વાત શીખ્યો છું હારવું તો હિંમતથી હારવું , પણ હિંમત ક્યારેય ન હારવી’. મેં ચેલેન્જ ઉપાડી અને કલાકારો જ આવી ચેલેન્જ ઉપાડે. ‘મને તો રિહર્સલનાં થોડા દહાડા મળ્યાં, બાકી ઘણાએ એક-બે કલાકમાં પાત્રો તખ્તે રમતાં કર્યાનાં દાખલાં છે’.

આ ચહેરા પર છે મુસ્કાન અને પાણી, લાગે છે હવે આ જિંદગી થોડી સમજાણી.
ડબલ રિચાર્જ
પત્ની અરીસામાં જોઇને જીભ ઉપર કંકુ-ચોખા લગાડતી હતી. પતિ કહે, ‘અરે! આ શું કરે છે?’ પત્ની કહે, ‘આજે દશેરા છે એટલે શસ્ત્ર પૂજા કરું છું.’

Show More

Related Articles

Back to top button
આ કલાકારો રહી ચૂક્યા છે રિયલ લાઈફમાં ટીચર બુધ અને સૂર્યની યુતિથી સર્જાયો બુધાદિત્ય યોગ, જલસા કરશે આ રાશિના લોકો… ટ્રેનમાં મફતમા મુસાફરી કરવી છે? શું નાળિયેરનું સેવન રોજ કરવું જોઈએ?