કોણ કરી રહ્યું છે આતંકી હાફિઝ સઇદની ગેંગનો ખાત્મો
પુત્રની હત્યાના દાવા વચ્ચે મુફ્તીના સહયોગીની કરાંચીમાં હત્યા
ઇસ્લામાબાદઃ લશ્કર-એ-તૈયબાના નેતા અને કુખ્યાત આતંકવાદી હાફિઝ સઈદનો પરિવાર અને તેના સાગરિતો હવે પાકિસ્તાનમાં પણ સુરક્ષિત નથી. પહેલા પુત્રના અપહરણ અને કથિત હત્યાના દાવાએ આતંકવાદી હાફિઝ સઈદની ઊંઘ હરામ કરી દીધી છે અને હવે તેના એક ખૂબ જ નજીકના મિત્રની હત્યા કરવામાં આવી છે. હાફિઝ સઈદના નજીકના સાથી મુફ્તી કૈસરની કરાચીમાં કેટલાક અજાણ્યા બંદૂકધારીઓ દ્વારા હત્યા કરવામાં આવી છે.
આ ઘટના કરાચીમાં ત્યારે બની જ્યારે મુફ્તી કૈસર ફારૂક કોઈ અજાણી જગ્યાએ જઈ રહ્યો હતો. તેના પર હુમલો કરવામાં આવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે ઘટના સમયે તેની સાથે ઘણા લોકો હાજર હતા. તે તેમની સાથે જઈ રહ્યો હતો અને એ જ સમયે પાછળથી આવેલા બંદૂકધારીઓએ ગોળીબાર કર્યો. ગોળી વાગવાને કારણે આતંકવાદી કૈસર ફારૂક ત્યાં જ પડી ગયો અને તેનું મોત નીપજ્યું હતું.
મુફ્તી કૈસર ફારૂક લશ્કર-એ-તૈયબાના સ્થાપક સભ્યોમાંનો એક હતો અને વૈશ્વિક આતંકવાદી હાફિઝ સઈદનો નજીકના સહયોગી હતો. જો કે, હજુ સુધી કોઈ સંગઠને મુફ્તી કૈસરની હત્યાની જવાબદારી લીધી નથી.