આમચી મુંબઈ

ગણેશભક્તો માટે વધારાની બેસ્ટની બસો અને મેટ્રો દોડાવાશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ગણેશોત્સવ દરમિયાન ગણપતિબાપ્પાના દર્શન કરવા નીકળતા ભક્તોની સાથે જ વિસર્જન બાદ ભક્તો પોતાના ઘરે પહોંચી શકે તે માટે મોડી રાત સુધી વધારાની બસ દોડાવવાની સાથે મેટ્રો રેલવેની ટ્રેનેની ફેરીમાં વધારો કરવામાં આવ્યો છે.

ગણેશોત્સવમાં મહામુંબઈ મેટ્રો ઓપરેશન કૉર્પોરેશન લિમિટેડ (MMMOCL) દ્વારા મેટ્રો ટ્રેનની સેવામાં વધારો કરવામાં આવવાનો છે. મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (MMRDA)ના કમિશનર અને મહામુંબઈ મેટ્રોના અધ્યક્ષ સંજય મુખર્જીએ જણાવ્યું હતું કે તહેવાર દરમિયાન પરિવહન સેવામાં વધારો થાય અને નાગરિકોને હાલાકી થાય નહીં તે માટે મેટ્રો ટ્રેનની ફેરી વધારવામાં આવવાની છે.

ગણેશોત્સવ દરમિયાન પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો હોય છે, તેને ધ્યાનમાં રાખીને ૧૧ સપ્ટેમ્બરથી ૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૪ના સમયગાળામાં અંધેરી (WEST) અને ગુંદવલી આ બંને ટર્મિનલ પરથી છેલ્લી મેટ્રો ટ્રેન રાતના ૧૧ વાગ્યાને બદલે રાતના ૧૧.૩૦ વાગે છૂટશે.

અંધેરી (WEST) અને ગુંદવલી ટર્મિનલ પરથી છેલ્લી ટ્રેનનો સમય ૩૦ મિનિટથી વધારવામાં આવ્યો છે. બંને ટર્મિનલ પરથી વધારાની મેટ્રો ટે્રેન રાતના ૧૧.૧૫ અને ૧૧.૩૦ વાગે છૂટશે. ગુંદવલીથી દહિસર (પૂર્વ) અને અંધેરી (WEST)થી દહિસર (પૂર્વ) આ સ્ટેશન દરમિયાન ચાર વધારાની ફેરી ચાલુ કરવામાં આવશે.

વધારાની ફેરીને કારણે મુખ્ય સ્ટેશન પર કુલ ૨૦ વધારાની ફેરી દોડાવવામાં આવશે, જે નીચે મુજબ છે.
૧. ગુંદવલીથી અંધેરી (WEST) : રાતના ૧૦.૨૦, ૧૦.૩૯, ૧૦.૫૦ અને ૧૧.૦૦ વાગે
(ચાર સર્વિસ)
૨. અંધેરી (WEST)થી ગુંદવલી : રાતના ૧૦.૨૦, ૧૦.૪૦, ૧૦.૫૦ અને ૧૧ વાગે
( ચાર સર્વિસ)
૩. ગુંદવલીથી દહિસર (પૂર્વ): રાતના ૧૧.૧૫ અને ૧૧.૩૦ વાગે ( બે સર્વિસ)
૪. અંધેરી પશ્ર્ચિમથી દહિસર (પૂર્વ): રાતના ૧૧.૧૫ અને ૧૧.૩૦ વાગે( બે સર્વિસ)
૫. દહિસર (પૂર્વ)થી અંધેરી WEST: રાતના ૧૦.૫૩, ૧૧.૧૨, ૧૧.૨૨ અને ૧૧.૩૬
વાગે ( ચાર સર્વિસ)
૬. દહિસર (પૂર્વ)થી ગુંદવલી: રાતના ૧૦.૫૭ , ૧૧.૧૭, ૧૧.૨૭ અને ૧૧.૩૬ વાગે
( ચાર સર્વિસ)

મેટ્રો રેલની સાથે જ દર વર્ષની માફક આ વર્ષે પણ સાત સપ્ટેમ્બરથી ૧૬ સપ્ટેમ્બર, ૨૦૨૪ દરમિયાન ગણેશોત્સમાં ગણેશભક્તો માટે બૃહન્મુંબઈ ઈલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ (BEST) દ્વારા મોડી રાત સુધી વધારાની બસ દોડાવવામાં આવવાની છે. મુખ્યત્વે દક્ષિણ મુંબઈ પરિસરથી ઉત્તર-પશ્ર્ચિમ ઉત્તર-પશ્ર્ચિમ મુંબઈ તરફ એટલે કે ગિરગામ, લાલબાગ, પરેલ, ચેંબુર તરફ બસ દોડાવવામાં આવશે. લિમિટેડ બસ નંબર ચાર, લિમિટેડ સાત, લિમિટેડ, આઠ, એ-૨૧, એ-૨૫, એ-૪૨, ૪૪, ૬૬, ૬૯ નંબરની બસની સેવા રાતના મોડે સુધી રહેશે. આ બસની વિશેષ સેવા રાતના ૧૦.૩૦ વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે એવું BESTના પ્રવક્તાએ જણાવ્યું હતું.

કોસ્ટલ રોડ આખી રાત ચાલુ રહેશે
ગણેશોત્સવ દરમિયાન થનારી ભીડ અને ટ્રાફિકને ધ્યાનમાં રાખીને સાતથી ૧૭ સપ્ટેમ્બર દરમિયાન કોસ્ટલ રોડને ૨૪ કલાક માટે વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવવાનો છે. મુંબઈ ટ્રાફિક પોલીસ ડિપાર્ટમેન્ટે પાલિકાને પત્ર લખીને ગણેશોત્સમાં ૨૪ કલાક માટે કોસ્ટલ ખુલ્લો રાખવાની માગણી કરી હતી, જેને પાલિકાએ માન્ય રાખી હોવાનું જાણવા મળ્યું છે. કોસ્ટલ રોડમાં બાન્દ્રા-વરલી સી લિંક પાસે જોડવાનું કામ હજી ચાલી રહ્યું હોવાથી હાલ સોમવારથી શુક્રવાર સવારના સાત વાગ્યાથી રાતના ૧૧ વાગ્યા સુધી જ ખુલ્લો રાખવામાં આવે છે.


તો ખાડા ખોદનારા મંડપને બે હજારનો દંડ
ગણેશોત્સવ દરમિયાન ભક્તોને તકલીફ થાય નહીં તે માટે સુધરાઈ યુદ્ધનાં ધોરણે રસ્તા પરના ખાડા પૂરી રહી છે, જોકે અનેક સાર્વજનિક ગણેશમંડળો પોતાનો મંડપ ઊભો કરવા માટે રસ્તા પર ખાડા ખોદી રહ્યા છે. તેથી મંડળોને રસ્તા પર ખાડા નહીં ખોદવાની સૂચના પાલિકાએ આપી હતી. છતાં કોઈ મંડળે ખાડા ખોદી મૂકયા હોવાનું જણાયું તો પ્રત્યેક ખાડા પાછળ તેમને બે હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે એવી ચેતવણી પાલિકાએ આપી છે.

Also Read –

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button