સ્મોલ ગ્રેડની ખાંડમાં સાધારણ સુધારો
નવી મુંબઈ: મહારાષ્ટ્રની ખાંડ મિલો પર ગઈકાલે સ્થાનિક તેમ જ દેશાવરોની માગને ટેકે સ્મોલ ગ્રેડની ખાંડના ટેન્ડરોમાં વેપાર ક્વિન્ટલે રૂ. ૩૫૯૦થી ૩૬૩૦માં ટકેલા ધોરણે થયાના અહેવાલ હતા. જોકે, આજે સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં પણ એકંદરે સ્ટોકિસ્ટોની અને રિટેલ સ્તરની માગ જળવાઈ રહી હોવા છતાં ખાસ કરીને સ્મોલ ગ્રેડની ખાંડમાં અમુક માલની ગુણવત્તા સારી આવી હોવાથી ભાવમાં નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. ચારનો સુધારો આવ્યો હતો, જ્યારે મિડિયમ ગ્રેડની ખાંડમાં ટકેલું વલણ રહ્યું હતું. તેમ જ નાકા ડિલિવરી ધોરણે પણ ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં અંદાજે ૨૮થી ૨૯ ટ્રકની આવક સામે સ્ટોકિસ્ટો અને રિટેલ સ્તરની છૂટીછવાઈ લેવાલીને ટેકે ઉપાડ લગભગ ૨૭થી ૨૮ ટ્રકનો રહ્યો હતો. તેમ જ માગ તથા માલની ગુણવત્તાને ધ્યાનમાં લેતા હાજરમાં સ્મોલ ગ્રેડની ખાંડના વેપાર નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. ચાર વધીને રૂ. ૩૭૩૦થી ૩૮૦૨માં થયા હતા, જ્યારે મિડિયમ ગ્રેડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. ૩૮૩૬થી ૩૯૬૨માં ગુણવત્તાનુસાર ટકેલા ધોરણે થયા હતા.
વધુમાં આજે નાકા ડિલિવરી ધોરણે ઔદ્યોગિક વપરાશકારો તથા સ્થાનિક ડીલરોની માગ જળવાઈ રહેતાં સ્મોલ ગ્રેડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. ૩૬૬૦થી ૩૭૦૦માં અને મિડિયમ ગ્રેડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. ૩૭૬૦થી ૩૮૦૦માં ગુણવત્તાનુસાર ટકેલા ધોરણે થયા હતા.