અવાજ બદલીને ઠગાઈમાં નિર્દોષ યુવાનનો જીવ ગયો
સાયબર સાવધાની – પ્રફુલ શાહ
માત્રને માત્ર હરામના પૈસા પડાવી લેવા મધમાખીની જેમ બણબણતા સાયબર ઠગને પાપે એવા ભયંકર પરિણામ આવે છે કે જેની કલ્પના સુદ્ધાં ન થઈ શકે અને જાણ્યા બાદ અરેરાટી ઊપજયા વગર ન રહે.
પુણેના પિંપરી – ચિંચવડ પાસેના દીધીમાં પત્ની અને દીકરા સાથે રહેતા ૩૫ વર્ષના એક યુવાનને અજાણ્યા નંબર પરથી વ્હોટસઍપ વીડિયો કોલ આવ્યો. કમનસીબે તેણે ફોન ઉપાડયો અને થોડીવારમાં કટ કરી નાખ્યો પરંતુ એ બદનસીબ જાણતો નહોતો કે આ વીડિયો કોલ રિસિવ કરવા માટે તેણે કેટલી ભયંકર કિંમત ચુકવવાનો વારો આવશે.
આ યુવાનના વીડિયોને મોર્ફ કરીને અશ્ર્લીલ વીડિયોમાં ફેરવી નખાયો. આ વીડિયો સોશ્યલ મીડિયા પર મૂકી દેવાની ધમકી આપીને એને બદનામ કરવાની ધમકી અપાઈ. આમ થતું રોકવું હોય તો રૂા. ૫૧ લાખ આપવાની માગણી કરાઈ. બિચારાએ માંડમાંડ રૂા. દશ હજાર આપ્યા પણ બ્લેકમેલર ૫૧ લાખની રકમનો કેડો જ ન મૂકયો. એની ધમકીના શબ્દો અને સૂર આકરા થવા માંડ્યા.
બીભત્સ વીડિયોથી પોતાની અને પરિવારની બદનામી થતી રોકવા માટે આ યુવાને ઘરમાં જ ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી. એના માસીના દીકરાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી.
સાયબર પોલીસની તપાસમાં અમુક મોબાઈલ નંબર મળ્યા. આને પગલે સાયબર પોલીસે તપાસ આદરી તો છેડા છેક કોલકાતા નીકળ્યા. ત્યાં પહોંચીને દરોડા પાડીને છ યુવાનોની ધરપકડ કરી. મોટાભાગના ઝારખંડના હતા અને ૧૯થી ૨૦ વર્ષની વચ્ચેના હતા. આ ગૅંગ પાસેથી ૧૫ સ્માર્ટ મોબાઈલ ફોન, વૉઈસ ચેન્જ ઍપ સાથેના સાત મોબાઈલ ફોન, ૪૦ સિમકાર્ડ, આઠ આધાર કાર્ડ ને પેન કાર્ડ, ૧૪ ડેબિટ કાર્ડ, આઠ નોટબુક જપ્ત કરી હતી.
આ લોકો કોલ સેન્ટરમાંથી યુવતીના અવાજમાં વાત કરીને ગ્રાહકોને ફસાવતા હતા. અમુક આરોપી મહિલાના અવાજમાં વાતચીત કરતા, તો કેટલાંક વૉઈસ ચેન્જ ઍપ થકી મહિલાના અવાજમાં બનાવટી પ્રેમાલાપ કરતા હતા. કોલગર્લ બનીને ગલગલિયા કરાવતા ગપ્પા હાંકતા હત.
આ નખ્ખોદિયાને ભલે રૂ. દસ હજાર મળ્યા પણ એક માસૂમનો નાહક જીવ ગયો. એની યુવાન પત્ની અને માસૂમ બાળકનું ભવિષ્ય કેવું અંધકારમય થઈ ગયું.
જો કે ગળાફાંસો ખાનારા ભાઈએ ખોટેખોટું ડરી જવાને બદલે દોસ્તોને, પરિવારજનોને વાત કરી હોત, સાયબર પોલીસમાં ગયા હોત કે હેલ્પ લાઈન નંબર પર ફરિયાદ નોંધાવી હોત તો આ ઠગ ટોળીને પકડાતી જોઈ શકયા હોત. ‘લોગ ક્યા કહેંગે’ ને બદલે ‘હમ ક્યાં કરેગે’ વધુ મહત્ત્વની બાબત છે એ ખાસ યાદ રાખવું જોઈએ.
હવે સાયબર ઠગાઈ જાણીતી બાબત છે, એની છડેચોક ચર્ચા થાય છે અને અખબારોમાં ય કિસ્સા આવે જ છે. આવું કંઈ પણ ન બને એનો ખ્યાલ રાખો અને કદાચ બની જાય તો જરાય ગભરાવવાની જરૂર નથી.
અ.ઝ.ઙ. (ઑલ ટાઇમ પાસવર્ડ)
(૧) કયારેય અજાણ્યા નંબર પરથી આવતો વીડિયો કોલ ન ઉપાડવો.
(૨) અને વીડિયો કોલ ઉપાડવો જ હોય તો મોઢું રૂમાલ-નેપકિન-ટુવાલથી ઢાંકી રાખવું.
(૩) બ્લેકમેઈલિંગને લેશમાત્ર વશ થવાને બદલે સાયબર પોલીસ કે એના માટેની ખાસ હેલ્પ લાઈનનો સંપર્ક સાધવો.
(૪) અને એક વાત ખાસ યાદ રાખવી. સંકટની ઘડીમાં સ્વજનો અને મિત્રોને ખાસ સાથે રાખવા.