આપણું ગુજરાત

ગુજરાતમાં ચમત્કાર પર ચમત્કાર: ભૂતિયા શિક્ષકો પછી કોલેજ પણ ભૂતિયા !

ખોટું એટલે ગુજરાત ? વાંચીને ચમકી ના જતાં પણ, લોકોના મનમાં આવી ધારણા બંધાવાની શરૂઆત થઈ ગઈ છે. રાજ્યમાં નકલી કચેરીઑ ઝડપાય નકલી ટોલનાકા સામે આવે, નકલી ઘી નો વેપાર ઝ્ડપાય, અરે મૂળ શિક્ષકો વિદેશમાં લીલા લહેર કરતાં હોય અને તેના બદલે શાળામાં ડમી શિક્ષકો ભણાવતા હોય, મૂળ શિક્ષકો 5 થી 8 વરસથી વિદેશમાં વસવાટ કરતાં હોય તેનો પગાર પણ નિયમિત થતો હોય એવામાં વળી મહેસાણા જિલ્લાના કડી તાલુકાનાં રાજપૂરમાં આખે આખી બી એડ કોલેજ માત્ર કાગળ પર ચાલે છે. આ કોઈ એક બે વર્ષની વાત નથી પણ છેલ્લા 10-10 વર્ષથી આખી કોલેજ ચાલી રહી છે અને રાજ્યનું શિક્ષણ તંત્ર પ્રગાઢ નિદ્રામાં છે.

ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં નક્સલી સરકારી કચેરીઓ ,ટોલનાકા, ભૂતિયા શિક્ષકો બાદ હવે ભૂતિયા કોલેજનો પર્દાફાશ થયો છે. એક બે વર્ષ આમ તેમ હોય તો તો સમજ્યા પણ એક દાયકાથી કાગળ પર કોલેજ ચાલતી હોય તેવું કદી બને ખરું ? પણ બન્યું છે, મહેસાણા જિલ્લાના કડી તાલુકાના રાજપુર ગામે. જ્યાં બી.એડ. કોલેજ ઝડપાઈ છે. છેલ્લા દાયકાથી ચાલતી આ કાગળ પરની કોલેજથી રાજ્યના શિક્ષણ વિભાગના અધિકીરીઓની કામગીરી સામે મોટા સવાલો ઉભા થયા છે.

ગુજરાતમાં નકલીની ભરમાર વચ્ચે હવે નકલી કોલેજ પકડાઈ છે. મહેસાણા જિલ્લાના કડી તાલુકાના રાજપુર ગામે બી.એડ. કોલેજ ઝડપાઈ છે, જે છેલ્લા 10 વર્ષથી કાગળ પર ચાલી રહી છે. રાજકોટમાં નકલી સ્કૂલ, સાબરકાંઠાના વિજયનગરમાં નકલી કોલેજ, રાજ્યની સરકારી સ્કૂલોમાં ભૂતિયા શિક્ષકો બાદ હવે આ 10 વર્ષથી કાગળ પર ચાલતી કોલેજ ઝડપાતા રાજ્યના શિક્ષણ વિભાગના અધિકીરીઓની કામગીરી સામે મોટા સવાલો ઉભા થયા છે.

આ પણ વાંચો: ગુજરાતમાં ‘ભૂતિયા’ શિક્ષકોને સોટીનો માર : શિક્ષણ વિભાગે 134 જેટલા શિક્ષકોને કર્યા ઘરભેગા

મહેસાણા જિલ્લાના કડી તાલુકાના રાજપુર ગામે શ્રેય એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી શારદા કોલેજ ઓફ એજ્યુકેશન માતૃધામ બી.એડ. કોલેજ છેલ્લા 10 વર્ષથી માત્ર કાગળ પર જ ચાલી રહી હોવાનું સામે આવતા ચકચાર મચી ગઈ છે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું.

ઇન્સ્પેક્શનના રિપોર્ટમાં કોલેજમાં ફિઝિકલ એજ્યુકેશન એટલે કે પ્રત્યક્ષ શિક્ષણ ચાલુ હોવાનું દર્શાવવામાં આવ્યું છે. સાથે આ કોલેજમાં પ્રિન્સિપલ રૂમ, ફેકલ્ટી રૂમ, ઓફિસ રૂમ અને સ્ટોર રૂમ પણ દર્શાવવામાં આવ્યાં છે, પરંતુ હકીકતમાં સ્થળ પર આવા કોઈ પ્રકારના રૂમ નથી. સરકારના નિયમ પ્રમાણે આ કોલેજમાં સાત જેટલા શિક્ષકોની ફાળવણી પણ કરવામાં આવી છે, તે શિક્ષકો ક્યાં હશે તે પણ મોટો પ્રશ્ન છે.

ભૂતિયા બી એડ કોલેજ ઉત્તર ગુજરાતનાં પાટણની હેમચંદ્રાચાર્ય-HNGU સાથે સંલગ્ન પણ છે અને વેબસાઇટ પરથી કોલેજમાં એડમિશન પ્રક્રિયા ચાલી રહી છે. આ કોલેજને કેન્દ્ર સરકારની સંસ્થા નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન- NCTE પાસેથી પણ આ કોલેજને માન્યતા આપવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button