છત્તીસગઢમાં સુરક્ષાદળોને મળી મોટી સફળતા, 9 નક્સલવાદી ઠાર
દંતેવાડા: છત્તીસગઢમાં નકસલવાદીઓ સામેના ઓપરેશન(Anti Naxal operation in Chhattisgarh)માં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. દંતેવાડા-બીજાપુર જિલ્લાની સરહદ પર લોહાગાંવ પીડિયાના જંગલોમાં ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (DRG) અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) ની સંયુક્ત ટીમની નક્સલવાદીઓ સાથે અથડામણ થઈ હતી. આ એન્કાઉન્ટરમાં 9 નક્સલવાદીઓ માર્યા ગયાના અહેવાલ છે. અધિકારીઓએ આ અંગે પુષ્ટિ કરી છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં નક્સલવાદીઓની હાજરીના ઈનપુટ આધારે ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, એન્કાઉન્ટર સવારે 10:30 વાગ્યે શરૂ થયું હતું અને હજુ પણ ચાલુ છે.
પોલીસે જણાવ્યું કે ઓપરેશનમાં સામેલ તમામ જવાન સુરક્ષિત છે. સર્ચ ઓપરેશન હજુ પણ ચાલુ છે, અને ઓપરેશન પૂર્ણ થયા પછી વધુ વિગતો શેર કરવામાં આવશે.
પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, નક્સલવાદીઓની ટુકડી સાથે સૈનિકો વચ્ચે અથડામણ થઈ હતી. જવાનોએ એન્કાઉન્ટરમાં અત્યાર સુધીમાં 9 નક્સલીઓને ઠાર કર્યા છે. નક્સલીઓના મૃતદેહની સાથે ઘટનાસ્થળેથી SLR, 303 અને 12 બોરના હથિયારો પણ મળી આવ્યા છે.
નોંધનીય છે કે આ અઠવાડિયામાં અગાઉ 29 ઓગસ્ટે પણ ‘એન્ટી નક્સલ’ ઓપરેશન હેઠળ નારાયણપુર-કાંકેર બોર્ડર પર નક્સલવાદીઓ અને પોલીસ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. આ દરમિયાન સુરક્ષા દળોએ 3 નક્સલીવાદીઓને ઠાર કર્યા હતા.
ઓગસ્ટમાં, સુરક્ષા દળોએ નક્સલ વિરોધી ઓપરેશનના ભાગ રૂપે કાર્યવાહી કરી ઘણા નક્સલવાદીઓને ઠાર કર્યા હતા. ઓગસ્ટની શરૂઆતમાં પણ દંતેવાડા પોલીસને મોટી સફળતા મળી હતી. એન્કાઉન્ટરમાં એક નક્સલી આગેવાન માર્યો ગયો હતો.