ન્યૂ યોર્કમાં દાયકાનો ભારે વરસાદ: હજારો નાગરિક અટવાયા
વરસાદને કારણે ન્યૂ યોર્ક જળબંબાકાર
વરસાદનો કહેર: ન્યૂ યૉર્કના બ્રૂકલિન બૉરો ખાતે શુક્રવારે પૂરનાં પાણીનો નિકાલ કરી રહેલો માણસ. ભારે વરસાદે શુક્રવારે ન્યૂ યૉર્ક વિસ્તારને ધમરોળ્યો હતો જેને કારણે રસ્તાઓ, હાઈ વે અને સબવેમાં પાણી ભરાઈ ગયાં હતાં. (એજન્સી)
ન્યૂ યોર્ક: ન્યૂ યોર્કમાં શુક્રવારે પડેલા ભારે વરસાદને કારણે ચોતરફ પાણી ભરાયાં હતાં અને અનેક ઠેકાણે હવાઇ, ટ્રેન તથા બસ સેવા બંધ થવાને પરિણામે હજારો નાગરિક અટવાયા હતા. ભારે વરસાદને લીધે ન્યૂ યોર્ક મેટ્રોપોલિટન વિસ્તારના હાઇવે પર ડ્રાઇવરો અટવાયા હતા અને લા ગાર્ડિયા એરપોર્ટ પર ટર્મિનલ કલાકો સુધી બંધ કરવું પડ્યું હતું. હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર બ્રુકલિનના ભાગોમાં રાત્રિના સમયે ૭.૨૫ ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો, જેમાં ઓછામાં ઓછા એક સ્થળે એક કલાકમાં અઢી ઇંચ વરસાદ પડ્યો હતો. જ્હોન એફ. કેનેડી એરપોર્ટ પર રેકોર્ડ ૮.૬૫ ઇંચ વરસાદ નોંધાયો હતો જેણે સપ્ટેમ્બરના કોઈપણ દિવસના રેકોર્ડને વટાવી દીધો હતો. હજુ વધુ ધોધમાર વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. સરકારે કટોકટીની સ્થિતિ જાહેર કરીને લોકોને જો શક્ય હોય તો બહાર ન નીકળવાની સલાહ આપી છે. વિદ્યાર્થીઓ, કામ પર ગયેલાં લોકો ચારે બાજુ ભરાયેલા પાણીમાં અટવાયા હતા. શહેરની ૩૫૦૦ બસોમાંથી ૪૪ બસો ફસાઇ ગઇ હતી અને શહેરભરમાં બસ સેવા ખોરવાઇ ગઇ હતી. લા ગાર્ડિયાની ફ્લાઈટ્સ સવારે થોડા સમય માટે અટકાવી દેવામાં આવી હતી.