નેશનલ

સ્કૉટલેન્ડમાં ભારતીય રાજદૂતને ગુરુદ્વારામાં પ્રવેશતા અટકાવાયા

ભારતે વિરોધ નોંધાવતા બ્રિટનની ખાલિસ્તાનીઓ સામે પગલાં લેવાની તૈયારી

લંડન: બ્રિટનમાં ભારતીય ઉચ્ચાયુક્ત વિક્રમ દોરાઇસ્વામીને સ્કૉટલેન્ડમાંના ગ્લાસગોના એક ગુરુદ્વારામાં પ્રવેશતા રોકવાના ખાલિસ્તાની સમર્થકોના પગલાંની સામે ભારત સરકારે નારાજગી દર્શાવી તે પછી બ્રિટિશ સરકારે આ કિસ્સામાંના દોષી લોકો સામે પગલાં લેવાની તૈયારી શરૂ કરી હતી.

બ્રિટિશ સરકારે આ પ્રકરણમાંના ભારતના વિરોધને ઘણી ગંભીરતાથી લઇને જણાવ્યું હતું કે દોષી લોકોની સામે કાયદા હેઠળ કડક કાર્યવાહી કરાશે.

બ્રિટનમાં કટ્ટરપંથી ખાલિસ્તાની સમર્થકોએ ફરી એકવાર હંગામો મચાવ્યો છે. બ્રિટિશ ખાલિસ્તાની સમર્થકોના એક જૂથે શુક્રવારે બ્રિટનમાં ભારતીય હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામીને સ્કોટલેન્ડમાં ગુરુદ્વારામાં પ્રવેશતા અટકાવ્યા હતા. ખાલિસ્તાની સમર્થકોએ ભારતીય હાઈ કમિશનરને કારમાંથી નીચે ઊતરવા દીધા ન હતા.

ખાલિસ્તાન તરફી શીખ કાર્યકર્તાએ જણાવ્યું હતું કે તેમનામાંથી કેટલાકને ખબર પડી હતી કે દોરાઈસ્વામીએ આલ્બર્ટ ડ્રાઈવ પર ગ્લાસગો ગુરુદ્વારાની ગુરુદ્વારા કમિટી સાથે મીટિંગ કરવાની યોજના બનાવી છે.

ખાલિસ્તાની સમર્થકે કહ્યું હતું કે, ‘જ્યારે દોરાઇસ્વામી ગુરુદ્વારાની મુલાકાતે આવ્યા ત્યારે કેટલાક લોકો આવ્યા અને તેમને કહ્યું કે તેમનું અહીં સ્વાગત નથી અને તેઓ ચાલ્યા ગયા હતા. આ સમયે હળવી બોલાચાલી થઈ હતી. મને નથી લાગતું કે ગુરુદ્વારા કમિટી આ ઘટનાથી બહુ ખુશ છે, પરંતુ બ્રિટનના કોઈપણ ગુરુદ્વારામાં ભારતીય અધિકારીઓનું સ્વાગત નથી. અમે યુકે અને ભારત વચ્ચેની મિલીભગતથી કંટાળી ગયા છીએ. હરદીપસિંહ નિજ્જરની હત્યા બાદ તાજેતરના તણાવને કારણે બ્રિટિશ શીખોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. તે અવતારસિંહ ખાંડા અને જગતારસિંહ જોહલ સાથે પણ સંબંધિત છે.

કેનેડા અને બ્રિટનનાં ઘણાં શહેરોમાં શીખોની વસ્તી ઘણી વધારે છે અને ગુરુદ્વારા આ સમુદાયનું કેન્દ્રબિંદુ છે. ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંહ નિજ્જર સરેના ગુરુદ્વારાનો પ્રમુખ હતો. નિજ્જરની હત્યા બાદ ખાલિસ્તાની સમર્થકો રોષે ભરાયા છે. ખાલિસ્તાની સમર્થકો માટે સ્કોટલેન્ડમાં ભારતીય હાઈ કમિશનર સાથે ગેરવર્તણૂક કોઈ નવી વાત નથી.

બ્રિટનમાં ખાલિસ્તાની સમર્થકો આ પહેલા પણ આવી હરકતો કરી ચુક્યા છે. આ વર્ષે માર્ચમાં બ્રિટિશ રાજધાની લંડન સ્થિત ભારતીય હાઈ કમિશન બિલ્ડિંગ પર પણ હુમલો થયો હતો. ખાલિસ્તાની ધ્વજ લઈને અહીં પહોંચેલા ટોળાએ હાઈ કમિશન બિલ્ડિંગ પરથી ભારતીય ધ્વજ ઉતારી લીધો હતો અને ખાલિસ્તાની ધ્વજ ફરકાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના બાદ ભારતે પણ બ્રિટન સમક્ષ પોતાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.

આ મહિને જ્યારે બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનક જી-૨૦ સંમેલનમાં ભાગ લેવા માટે ભારત આવ્યા ત્યારે તેમણે ખાલિસ્તાનના મુદ્દે પહેલીવાર ટિપ્પણી કરી અને કહ્યું કે બ્રિટનમાં કોઈપણ પ્રકારની હિંસા સ્વીકારવામાં આવશે નહીં.

આ વર્ષે ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંહ નિજ્જરની કેનેડામાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. નિજ્જરને બે માસ્ક પહેરેલા બંદૂકધારીઓએ સરેમાં ગુરુદ્વારાની પાર્કિંગ જગ્યા પાસે ગોળી મારી હતી. તેની હત્યા બાદ ખાલિસ્તાની સમર્થકોએ કેનેડા, લંડન અને અમેરિકા સહિત ઘણી જગ્યાએ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને ભારત વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ નિજ્જરની હત્યા માટે ભારતને જવાબદાર ઠેરવ્યું છે, ત્યારબાદ બંને દેશો વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ છે. નિજ્જરની હત્યા બાદ ખાલિસ્તાન સમર્થકો કેનેડા, બ્રિટન અને અમેરિકામાં પણ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button