ધર્મતેજનેશનલ

મહિલાનું જાતીય શોષણ ક્યાં નથી થતું?

મલયાલમ ફિલ્મઉદ્યોગને હચમચાવતો જસ્ટિસ હેમા કમિટી રિપોર્ટ આવ્યો, પણ…

વિશેષ -રાજેશ યાજ્ઞિક

આજકાલ દેશમાં મહિલા સુરક્ષાને લઈને બે ઘટના ખૂબ ગાજી છે. એક છે કોલકાતામાં એક યુવા લેડી ડૉકટર નિર્મમ બળાત્કાર ત્યાર પછી એની નિર્મમ હત્યા.

આ ઘટના પછી આક્રોશથી સમગ્ર દેશ હચમચી ઊઠ્યો. એનો રોષ હજુ શમે એ પહેલાં મલયાલમ ફિલ્મ ઉદ્યોગમાં થતી સ્ત્રીઓના જાતીય શોષણે જાણે પ્ર્જાના ક્રોધના અગ્નિમાં જાણે પેટ્રોલ છાંટ્યું .
મલયાલમ ફિલ્મઉદ્યોગમાં જાણીતા અભિનેતા-નિર્માતા અને દિગ્દર્શકો દ્વારા ત્યાંની મહિલા કલાકારો સાથે અંદરખાને થતાં જાતીય શોષણના કેટલાક કિસ્સા બહાર આવ્યા પછી જસ્ટિસ હેમા કમિટીનું ગઠન થયું ,જેનો અહેવાલ હમણાં જાહેર થતાં મલયાલમ ફિલ્મ ઉદ્યોગની ચોંકાવનારી કાળી બાજુ પ્રકાશમાં આવી છે.

હેમા કમિટીની રચના ૨૦૧૭માં થઇ, જ્યારે એક અભિનેત્રી ભાવનાનું એની કારમાં અપહરણ કરીને યૌન શોષણ કરવાનો પ્રયાસ થયો. ભાવનાની ‘ભૂલ’ એ હતી કે એણે એ વખતે દિલીપ નામના એક જાણીતા અભિનેતા સાથે નિકટતા; વધારવાનો ઈન્કાર કર્યો પછી એને પાઠ ભણાવવા દિલીપે એનું અપહરણ કરી એનું યૌન શોષણ કરવાનો પ્રયાસ કર્યો હતો . દિલીપ વિરુદ્ધ ભાવનાએ પોલીસ ફરિયાદ નોંધાવી એના પગલે પગલે પછી તો મલયાલમ ફિલ્મજગતની ૧૭ -૧૮ અભિનેત્રીઓ અને મહિલા ટેક્નિશિયનો પણ પોતાની સાથે થયેલા જાતીય દુરવ્યવહારની ફરિયાદ નોંધાવી એમાં ત્યાંના ફિલ્મઉદ્યોગનાં મોટાં મોટાં માથાઓ વિરુદ્ધ આક્ષેપો પણ થયા.પરિણામે મલયાલમ ફિલ્મજગતમાં ધરતીકંપ સર્જાયો. આમ તો ‘હેમા રિપોર્ટ’ ૨૦૧૯માં જ તૈયાર થઇ ગયો હોવા છતાં, સરકાર તેને પાંચ વર્ષથી વધુ સમય સુધી દબાવીને બેઠી રહી. રિપોર્ટ જાહેર થયા બાદ પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર્સ મોઢામાં મગ ઓરીને બેઠા રહ્યા છે. એ પછી ૨૦૧૯માં જ એક અન્ય અભિનેત્રીએ મલયાલમ ફિલ્મના એક દિગ્ગ્જ અભિનેતાનું નામ લઈને કહ્યું હતું કે ૧૯ વર્ષની ઉંમરમાં તેનું શોષણ કરવામાં આવ્યું હતું. ત્યારે એને જુઠ્ઠાણું કહીને નકારી દેવામાં આવી હતી.

હમણાં જ બંગાળી અભિનેત્રી શ્રીલેખા મિત્રા ઉપરાંત મીનુ મુનીર સહિત અનેક અભિનેત્રીઓએ પોતાની વીતકકથા જાહેર કરી છે. મલયાલી મૂવી કલાકારોના સંગઠન જે ટૂંકમા ‘અમ્મા’ તરીખે ઓળખાય છે એમાંથી જાણીતા અભિનેતા મોહનલાલે રાજીનામું આપ્યા પછી મને આવી કોઈ જાણ નથી અને પુરાવા હોય તો અપરાધીને સજા થવી જોઈએ’ એમ કહીને હાથ ખંખેરી નાખ્યા છે.

હવે અહીં સવાલ એ છે કે શું આ માત્ર મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રી પૂરતી જ આવી સીમિત ઘટના છે? જવાબ સ્પષ્ટપણે ના છે. કાગડા બધે જ ‘કાળા’ ના ન્યાયે બધી ભાષાના ફિલ્મ ઉદ્યોગમાં કામ કરતી મહિલાઓએ એક અથવા બીજા સમયે અવાજ ઉઠાવ્યા છે, પણ એમને ‘સામ-દામ-દંડ -ભેદ’ થી ચૂપ કરી દેવામાં આવે છે. ખાસ કરીને જેમના ઉપર આક્ષેપ થયો હોય એ અતિ સફળ અભિનેતા, નિર્દેશક, કે નિર્માતા હોય તો ફિલ્મજગત સાથે સંકળાયેલી કોઈ મહિલા એમની સાથે પંગો લઈને પોતાની કારકિર્દી ખરાબ કરવા નથી ઈચ્છતી.

હેમા કમિટીના રિપોર્ટની જેમજ તેલુગુ ફિલ્મ ઉદ્યોગમાં પણ ૨૦૧૯માં કમિટી રચવામાં આવી હતી. તેનો રિપોર્ટ ૨૦૨૨માં સરકારને સોંપવામાં આવેલો. અગમ્ય કારણોસર એ રિપોર્ટ પણ હજી સુધી જાહેર કરવામાં આવ્યો નથી.

હવે સામન્થા રૂથ પ્રભુ સહિત તેલુગુ ફિલ્મ ઉદ્યોગની અનેક મહિલાઓએ રિપોર્ટ જાહેર કરવાની માંગણી કરી છે.

બીજી બાજુ ,હિન્દી ફિલ્મ ઉદ્યોગની પણ આ જૂની -જાણીતી કહાણી છે. અહીં પણ કાસ્ટિંગ કાઉચની ફરિયાદ ઘણી અભિનેત્રીઓ કરી ચુકી છે. પોતે પણ જાતીય શોષણની ભોગ બની છે એવી ‘મી ટુ’ પ્ર્કારની પણ અનેક ફરિયાદો થઈ છે.

પરિણામ શું આવ્યું? શૂન્ય!
આ વાત-ફરિયાદને લઈને ન તો સરકારે કે ન તો ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ કોઈ ગંભીરતા દેખાડી છે તેરી ભી ચૂપ, મેરી ભી ચૂપ’ નો અહીં વણલખ્યો નિયમ અમલમાં છે.

જો કે, ફિલ્મ અભિનેત્રી ઈશા ગુપ્તાએ તો જાહેરમાં ત્યાં સુધી કહ્યું કે,કેટલાક નિર્માતાઓએ તો
મને ફિલ્મોમાં કાસ્ટ કરવાની ના પાડી દીધી હતી. આ લોકો મારા વિશે કહેતા હતા કે ‘જો હું કંઈ કરવાની હા ના પાડું’ તો પછી મને એમની ફિલ્મમાં લેવાનો શું અર્થ ?!

હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં તો દિગ્ગ્જ લોકોના નામ આ મામલે ઢસડાયા છે. નાના પાટેકર, અનુમલિક, સાજીદ ખાન, આલોક નાથ, રજત કપૂર, ચેતન ભગત, સહિત લગભગ ૩૮ જેટલા લોકો પર એક અથવા બીજા સમયે આરોપ લાગ્યા છે. કાસ્ટિંગ કાઉચ અને જાતીય સતામણીની ઘટનાઓ વિદ્યા બાલન, રાધિકા આપ્ટે, સ્વરા ભાસ્કર અને કંગના રનૌત સાથે પણ બની હોવાનું એમણે જાહેરમાં સ્વીકાર્યું છે. તમિલ ઉદ્યોગમાં ફિલ્મ અભિનેત્રી કુટ્ટી પદ્મિની અને ખુશ્બુ પણ જાતીય સતામણી મોટા પ્રમાણમાં થતી હોવાનું કહી ચુક્યાં છે. આ જ રીતે બંગાળી ફિલ્મ ઉદ્યોગમાં પણ પ્રચંડ પ્રમાણમાં જાતીય સતામણી થતી હોવાનું રાયમા સેન અને રીતાભરી ચક્રવર્તી કહે છે.

આવું શોષણ અવિરત ચાલુ જ રહે છે,કારણ કે સૌથી પહેલા તો બધીજ ભાષાની ફિલ્મ ઇન્ડસ્ટ્રી પુરુષ પ્રધાન રહી છે. નિર્માતાઓ, દિગ્દર્શકો, અભિનેતાઓ અને કાસ્ટિંગ ડાયરેક્ટર્સ ઇન્ડસ્ટ્રીમાં પોતાના પ્રભાવનો ગેરફાયદો ઉઠાવીને સ્ત્રીઓનું શોષણ કરે છે. એમની આ કાર્ટેલમાં ફિલ્મ જગત સાથે જોડાયેલા અન્ય ટેક્નિકલ સ્ટાફ પણ એમને સાથ આપે છે.

આટઆટલું થયું હોવા છતાં, ભાગ્યેજ કોઈ પુરુષ એવો હશે જેને સજા થઇ હોય. જેમના ઉપર આરોપો લાગે છે એમની કારકિર્દીને ઉની આંચ નથી આવતી, પણ જેમણે અત્યાચાર સહન કર્યાં હોય એમની કારકિર્દીઓ રોળાઈ જાય છે. આ ભયને કારણે જ કેટલીય મહિલાઓ મન મારીને ચૂપ રહે છે, સહન કરી લે છે. વાતવાતમાં મીણબત્તીઓ લઈને મોરચા કાઢનારાઓને
ક્યારેય આ મામલે બોલતા જોયા નથી.

આ પરિસ્થિતિમાં અત્યાર તો માત્ર ‘રિપોર્ટ-રિપોર્ટ રમી’ ને બધું સંકેલી લેવામાં આવે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button